‘ચેટજીપીટી પર આંધળો વિશ્વાસ નહીં કરવો’, OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેનનું નિવેદન
Sam Altman in AI Hallucination: OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેનનું કહેવું છે કે લોકોએ ચેટજીપીટી પર આંધળો વિશ્વાસ નહીં કરવો જોઈએ. OpenAIના ચેટજીપીટીનો દુનિયાભરમાં ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. ભારતમાં સૌથી વધુ એનો જ ઉપયોગ કરવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હલ્યુસિનેટ કરતું હોવાથી એના પર આંખ બંધ કરીને વિશ્વાસ નહીં કરી શકાય. દુનિયાના મોટાભાગના AI હલ્યુસિનેટ કરે છે. આથી કોઈના પર પણ ભરોસો ન કરવા માટે સેમ ઓલ્ટમેને લોકોને એક પોડકાસ્ટમાં વિનંતી કરી છે.
AI હલ્યુસિનેટ કરે એનો અર્થ શું?
AI હલ્યુસિનેટ કરે છે એનો અર્થ એ થાય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા એવી માહિતી જનરેટ કરવામાં આવે જે સાચી ન હોય અથવા તો એમાં ખામી હોય. આ માહિતી ખોટી હોવા છતાં એને એકદમ આત્મવિશ્વાસથી રજૂ કરવામાં આવતી હોવાથી AI મોડલ હલ્યુસિનેટ કરી રહ્યું હોવાનું કહેવામાં આવે છે. આ વિષય પર સેમ ઓલ્ટમેન કહે છે, ‘લોકોને ચેટજીપીટી પર ખૂબ જ આંધળો વિશ્વાસ છે, પરંતુ એ ન કરવું જોઈએ કારણ કે AI હલ્યુસિનેટ કરે છે. આ એક એવી ટક્નોલૉજી છે જેના પર લોકોએ આંખ બંધ કરીને બિલકુલ ભરોસો ન કરવો જોઈએ.’
AI કેમ હલ્યુસિનેટ કરે છે?
AIનું હલ્યુસિનેટ કરવાનું ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે:
- AIને એકતરફી ડેટા આપી ટ્રેઇન કરાયું હોય.
- AIને વાસ્તવિક દુનિયામાં શું થઈ રહ્યું છે તેનું જ્ઞાન ન હોય.
- હંમેશા જવાબ આપવા અને ટેક્સ્ટ જનરેટ કરવા માટેના સતત દબાણને કારણે.
દુનિયાની મોટામાં મોટી કંપની પણ એવું નહીં કહી શકે કે તેમનું AI મોડલ હલ્યુસિનેટ નથી કરતું—કારણ કે બધાં AI મોડલ કરે છે. આ વિષય પર સેમ ઓલ્ટમેન કહે છે, ‘AI ખૂબ જ ભરોસાપાત્ર નથી અને એ વિશે દરેકએ પ્રામાણિક રીતે જણાવવું જોઈએ.’
AIનું ભવિષ્ય?
સેમ ઓલ્ટમેને અગાઉ કહ્યું હતું કે તેમના બાળકો AI કરતાં વધુ સ્માર્ટ નહીં બની શકે. આ સ્ટેટમેન્ટ વિશે ફરી સવાલ કરવામાં આવતાં તેમણે કહ્યું, ‘એ વાત સાચી છે, પરંતુ મારું માનવું છે કે તેઓ આપણાં કરતાં વધુ સારી રીતે મોટા થશે અને આપણે જે કરવામાં અસક્ષમ હતા એ તેઓ કરીને બતાવશે.’
ચેટજીપીટી પર આવશે એડ્સ?
મોટાભાગના ઓનલાઇન પ્લેટફોર્મ પર હાલમાં એડ્સ શરુ થઈ ગઈ છે. એમેઝોન પ્રાઇમ વીડિયોએ પણ એડ્સ શરુ કરી દીધી છે. ગૂગલ પહેલેથી જ એડ્સથી બિઝનેસ કરે છે. ચેટજીપીટીમાં પણ એડ્સ વિશે પૂછતાં સેમ ઓલ્ટમેન કહે છે, ‘હું એની વિરુદ્ધ નથી. એડ્સ ક્યાં આવવી જોઈએ એ વિશે પણ હું પોઈન્ટઆઉટ કરી શકું છું. મને લાગે છે કે ઇન્સ્ટાગ્રામ પર જે એડ્સ આવે છે એ ખૂબ જ સારી છે. જો કે, એડ્સને કારણે યુઝર્સના એપ્લિકેશન ઉપયોગ અને AIના જવાબમાં મુશ્કેલી નહીં આવવી જોઈએ.’