Online Job Applications: આજકાલ ઘણા જોબ સીકર્સ એક મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ રહ્યા છે, જ્યાં તેઓ અનેક નોકરીઓ માટે અરજી કરે છે. આ નોકરી જોવામાં તો આકર્ષક હોય છે, પરંતુ પછી કોઈ જવાબ મળતો નથી. જોકે આ એક સ્કેમ છે. જાહેર કરવામાં આવેલી તકો અને વાસ્તવિક ભરતી વચ્ચેનો આ અંતર હવે ‘ઘોસ્ટ હાયરિંગ’ નામથી ઓળખાય છે. કંપનીઓ ભરતી વિશે માહિતી આપે છે, પરંતુ હકીકત ઘણી અલગ હોય છે. 2024માં 10 માંથી 4 કંપનીઓએ ફેક જોબ લિસ્ટિંગ પોસ્ટ કરી હતી અને હાલમાં 10 માંથી 3 કંપનીઓ એવી નોકરીઓ માટે જાહેરાત કરી રહી છે જે વાસ્તવમાં નથી. Resume Builder દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ વાત જાણવા મળી હતી.
‘ઘોસ્ટ’ જોબને કેવી રીતે ઓળખશો?
નોકરી શોધનાર ઉમેદવાર કેવી રીતે જાણી શકે કે કોઈ જોબ પોસ્ટિંગ ખરેખર સાચી છે કે એને ફક્ત લિસ્ટિંગ પૂરતી મૂકવામાં આવી છે. That Culture Thingની ઓર્ગેનાઇઝેશનલ સાઇકોલોજિસ્ટ Gurleen Baruah આ વિશે કહે છે, ‘ઘોસ્ટ જોબ્સ ખરેખર વધી રહ્યા છે. આથી જોબ સીકર્સ કેટલીક બાબતો પર ધ્યાન આપી શકે છે અને એનાથી બચી શકે છે. આ માટે સૌથી પહેલાં પોસ્ટિંગની તારીખ તપાસવી. જો કોઈ રોલ એક મહિના કરતા વધુ સમયથી સતત પોસ્ટ થઈ રહ્યો હોય, તો શક્ય છે કે તેમાં હકીકતમાં ભરતી ન થઈ રહી હોય. તેમજ, એક જ કંપનીમાંથી સમાન પ્રકારની ઘણી જોબ્સ લાંબા સમય સુધી જોવા મળે, તો એ પણ સંકેત છે.’
આ વિશે વધુ જણાવતાં તેઓ કહે છે, ‘કંપનીની ઓફિશિયલ careers પેજ પર ચકાસો. જો જોબ બોર્ડ્સ પર છે પરંતુ કંપનીની વેબસાઇટ પર નથી, તો તે શંકાસ્પદ હોઈ શકે છે. તમે LinkedIn જેવી પ્લેટફોર્મ પર HR અથવા હાયરિંગ મેનેજર સાથે સીધો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરી શકો છો. આ બધું સંપૂર્ણ ખાતરી આપતું નથી, પરંતુ એ સાચી છે કે નહીં એ સમજવામાં મદદ કરે છે.’
જોબ સીકર્સે શું ધ્યાન રાખવું જોઈએ?
આજના સમયમાં અપેક્ષાઓ સતત બદલાઈ રહી છે, તેથી જાગૃત અને અનુકૂળ રહેવું ખૂબ જ જરૂરી છે. આ વિશે Gurleen કહે છે, ‘આ માટે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ રીતે એનાથી બચી શકે એવું નથી, પરંતુ જે-તે વ્યક્તિના નિયંત્રણમાં હોય છે એટલું કરી શકાય છે. નવી ટેકનોલોજી શીખવી, AI કામને કેવી રીતે બદલી રહ્યું છે તે સમજવું અને સમસ્યાનો ઉકેલ લાવવો તથા કોઈ પણ વસ્તુને સ્વીકારવા અને શીખવા જેવી સ્કિલ્સ વિકસાવવી જરૂરી છે.’
આજે AI જેમ-જેમ આગળ વધી રહ્યું છે તેમ-તેમ નોકરી ઓછી થઈ રહી છે. મોટા ભાગના કામ હવે AI કરી રહ્યું છે ત્યારે મનુષ્યની કેટલીક ક્ષમતાઓને હવે વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ખૂબ જ મુશ્કેલી ભર્યા સમયમાં નિર્ણય કેવી રીતે લેવો, સ્થિતિસ્થાપકતા અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ જેવી સ્કિલ્સને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
કંપનીઓ શું સુધારા કરી શકે?
ઘણી કંપનીઓ આ પ્રકારની જોબ પોસ્ટ્સ કરે છે કારણ કે તેઓ ભવિષ્ય માટે ઉમેદવારોનો ડેટાબેઝ તૈયાર કરવા માંગે છે. કેટલાક કિસ્સાઓમાં, અરજીમાંથી મળતી માહિતીનો ઉપયોગ talent mapping અથવા આંતરિક હેતુઓ માટે પણ કરવામાં આવે છે. કેટલીક વખત રોકાણકારોને ગ્રોથ બતાવવા માટે પણ આવી પોસ્ટિંગ થાય છે. કંપનીઓ વધુ પારદર્શિતા દેખાડી શકે છે. પોસ્ટિંગ સમયે તેઓ નોકરીને લઈને વધુ સ્પષ્ટતા કરી શકે છે જેથી યુઝરને એ પોસ્ટ વિશે જાણકારી રહે અને તેઓ અન્ય જગ્યાએ નોકરીની શોધ ચાલુ રાખે. ઘણી વાર વ્યક્તિ આ જોબ માટે એપ્લાય કર્યું હોય તો ઇન્ટરવ્યુ માટે રાહ જોતો હોય છે. આથી કંપની કહી શકે છે કે તેઓ ભવિષ્ય માટે ડેટા ભેગા કરી રહ્યા છે.


