કોમ્પ્યુટર માટે પણ હવે આવી રહ્યું છે એન્ડ્રોઇડ : વિન્ડોઝ, મેક અને લિનક્સ સાથે સીધી ટક્કર લેશે
Android PC OS Coming: ગૂગલ હવે મોબાઇલ બાદ કોમ્પ્યુટર માટે પણ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી રહ્યું છે. એન્ડ્રોઇડ લેપટોપ અને કોમ્પ્યુટરમાં પણ આવી જવાથી હવે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટો બદલાવ જોવા મળી શકે છે. ગૂગલના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ ઓફ ડિવાઇસ અને સર્વિસના રિક ઓસ્ટરલોહ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. તેમણે આ જાહેરાત સ્નેપડ્રેગન સમિટમાં કરી હતી. અત્યાર સુધી મોબાઇલ માટે એન્ડ્રોઇડ અને લેપટોપ માટે ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે હવે ક્વોલકોમ સાથે મળીને ગૂગલ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. જેના દ્વારા મોબાઇલ અને કોમ્પ્યુટર બન્ને એક જ પ્લેટફોર્મ પર કામ કરશે.
મોબાઇલ અને કોમ્પ્યુટરના પ્લેટફોર્મને એક કરવાનો હેતુ
ગૂગલ દ્વારા હવે મોબાઇલ અને કોમ્પ્યુટરના પ્લેટફોર્મને એક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ઓસ્ટરલોહ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોમ્પ્યુટર અને ડેસ્કટોપ કોમ્પ્યુટિંગ સિસ્ટમ માટેની દરેક પ્રોડક્ટ માટે એક કોમન ટેક્નિકલ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઓસ્ટરલોહ દ્વારા એ પણ સંકેત આપવામાં આવ્યા હતા કે એન્ડ્રોઇડ હવે દરેક કોમ્પ્યુટિંગ કેટેગરીમાં આવી રહ્યું છે. ગૂગલની સાથે ક્વોલકોમના સીઇઓ ક્રિસ્ટિયાનો એમોન પણ આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સુક છે. આ પ્રોજેક્ટને તેમણે ખૂબ જ અદ્ભુત જણાવ્યો છે.
કોમ્પ્યુટરમાં પણ હશે જેમિની AI
ગૂગલના ઓસ્ટરલોહએ કંપનીના પ્લાન વિશે વાત કરી હતી. ગૂગલ હવે જેમિનીનો સમાવેશ કોમ્પ્યુટરમાં કરી રહ્યું છે. આ વિશે વાત કરતાં ઓસ્ટરલોહ કહે છે, ‘અમે આ દ્વારા અમારી AIની તમામ એપ્સનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરી શકીશું. એના દ્વારા કોમ્પ્યુટર ખૂબ જ સારી રીતે કામ કરશે.’ ગૂગલ દ્વારા હજી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી કે તેમનું પહેલું એન્ડ્રોઇડ લેપટોપ ક્યારે લોન્ચ કરવામાં આવશે. જોકે તેમના દ્વારા જાહેરમાં આ વિશે વાત કરવાથી એ તો ચોક્કસ છે કે નજીકના ભવિષ્યમાં એને લોન્ચ કરવામાં આવશે.
આ પણ વાંચો: 50 વર્ષ પછી માનવ ચંદ્રભ્રમણ માટે તૈયાર: નાસાનું ઐતિહાસિક મિશન આર્ટેમિસ 2 વિશે જાણો...
વિન્ડોઝ, મેક અને લિનક્સ સાથે ટક્કર
દુનિયાભરમાં સૌથી વધુ માઇક્રોસોફ્ટના વિન્ડોઝ યુઝર્સ છે. ત્યાર બાદ એપલના મેકબૂકનો પણ સારો એવો ઉપયોગ કરવામાં આવે છે. જોકે મોટી મોટી કંપનીઓમાં વિન્ડોઝનો ઉપયોગ વધુ થાય છે. આ સાથે જ લિનક્સનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જોકે એન્ડ્રોઇડ માર્કેટમાં આવતાં તેની સીધી ટક્કર આ ત્રણેય પ્લેટફોર્મ સાથે થશે. એન્ડ્રોઇડ અને વિન્ડોઝ બન્ને વચ્ચે રસાકસી જોવા મળી શકે છે.