સાવધાન! PAN 2.0 ના નામે ઈમેઇલ આવ્યો હોય તો ભૂલથી પણ આ કામ ન કરતા
PAN 2.0 Scam: રોજબરોજ બજારમાં નવા નવા કૌભાંડો આવતા રહે છે, ક્યારેક નોકરીની લાલચ આપીને, તો ક્યારેક પૈસા ડબલ કરવાની લાલચ આપીને લોકોને ફસાવવામાં આવે છે. એવામાં હવે વધુ એક સ્કેમ માર્કેટમાં આવ્યું છે. જેના વિશે ભારત સરકારે ચેતવણી આપી છે. આ કૌભાંડમાં સ્કેમર્સ લોકોને PAN 2.0 ડાઉનલોડ કરવાના બહાને ઈમેલ દ્વારા નિશાન બનાવી રહ્યા છે. આ લિંક દ્વારા યુઝર્સનો વ્યક્તિગત ડેટા, બૅન્ક ડીટેઇલ્સ અને અન્ય મહત્ત્વપૂર્ણ માહિતી ચોરી રહ્યા છે. એવામાં જાણીએ કે શું છે આ PAN 2.0 સ્કેમ અને તેનાથી કેવી રીતે બચી શકાય છે.
PAN 2.0 સ્કેમ શું છે?
મીડિયા રિપોર્ટ અનુસાર લોકોને ફિશિંગ ઈમેલ મોકલવામાં આવે છે. આ ઈમેલમાં કહેવામાં આવે છે કે તમારું PAN 2.0 કાર્ડ મેળવો. આ ઈમેલમાં એવી લિંક્સ છે જે સરકારી પોર્ટલની લિંક્સ જેવી લાગે છે. આ લિંક પર ક્લિક કરતાંની સાથે જ તે તમને તરત જ છેતરપિંડી કરતી વેબસાઇટ્સ પર રીડાયરેક્ટ કરશે.
ફેક ઈમેલ અંગે આપી ચેતવણી
PIB ફેક્ટ ચેક યુનિટે આ ઈમેલ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે અને લોકોને ચેતવણી આપી છે. તેમણે સ્કેમ ઍલર્ટ લખ્યું છે! શું તમને કોઈ ઈમેલ મળ્યો છે જેમાં તમને તમારું e-PAN કાર્ડ ડાઉનલોડ કરવા માટે લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવ્યું છે? તો આ ઈમેલ નકલી છે. તેવી જ રીતે આવકવેરા વિભાગે એ પણ સ્પષ્ટતા કરી છે કે વિભાગ ક્યારેય આવા સંદેશા મોકલતો નથી. અસલી PAN સેવાઓની લિંક ફક્ત .gov.in અથવા .nic.in સાથે સમાપ્ત થતી સત્તાવાર વેબસાઇટ્સ પર જ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: લો બોલો, હવે આવે છે બાળકો પર ફોક્સ્ડ એઆઈ ચેટબોટ !
આ સ્કેમથી કેવી રીતે બચવું?
આ પછી ફેક વેબસાઇટ તમને તમારો PAN નંબર, આધાર કાર્ડ વિગતો, બૅન્ક ડીટેઇલ્સ અને અન્ય વ્યક્તિગત માહિતી પૂછશે. આ વિગતો દાખલ કરતાંની સાથે જ આ ડેટાનો ઉપયોગ ચોરી કે નાણાકીય છેતરપિંડી માટે થઈ શકે છે. તેથી, જો તમને આવો કોઈ ઈમેઈલ મળે તો તેને ખોલશો નહીં.
- અજાણ્યા સ્ત્રોતોમાંથી આવતા ઈમેલ કે લિંક પર ક્લિક કરશો નહીં.
- કોઈપણ પોર્ટલ પર તમારી વ્યક્તિગત માહિતી ફક્ત ત્યારે જ એડ કરો જો તે સરકાર દ્વારા પ્રમાણિત હોય.
- પાન અંગેની વિગત, આધાર અંગેની વિગત, બૅન્ક ડીટેઇલ્સ જેવી સંવેદનશીલ માહિતી શેર કરવાનું ટાળો.
- જો તમને આવો કોઈ ઈમેલ કે સંદેશ મળે, તો તરત જ webmanager@incometax.gov.in અથવા incident@cert-in.org.in પર ફરિયાદ કરો.