લો બોલો, હવે આવે છે બાળકો પર ફોક્સ્ડ એઆઈ ચેટબોટ !
ઇન્ટરનેટ પર ધીમે ધીમે સર્ચનું સ્થાન એઆઇ ચેટબોટ્સ લઈ રહ્યા છે ત્યારે એક્સ
પ્લેટફોર્મ અને ગ્રોક એઆઇના સર્વેસર્વા ઇલોન મસ્કે હમણાં એક મહત્ત્વની જાહેરાત
કરી. એક ટ્વીટ કરીને તેમણે કહ્યું કે તેમની કંપની એક્સ એઆઇ ખાસ કિડ ફ્રેન્ડલી કન્ટેન્ટ સાથે ગ્રોક એઆઇના
નવા વર્ઝન પર કામ કરી રહી છે.
મસ્કે આ વર્ઝન માટે બેબી ગ્રોક નામ આપ્યું છે!
અત્યારે ગ્રોક એઆઇ સર્વિસ ઓપનએઆઇના ચેટજીપીટી તથા ગૂગલ જેમિની જેવા જાણીતા
ચેટબોટની હરીફાઇમાં ખાસ્સી પોપ્યુલર થઈ રહી છે. ૨૦૨૩માં પહેલી વાર લોન્ચ થયેલ આ
ચેટબોટે શરૂઆતમાં ભારતના રાજકારણીઓ વિશે એલફેલ ભાષામાં વાત કરીને ભારતમાં મોટો
વિવાદ જગાવ્યો હતો. પરંતુ એ કારણે લોકો એક્સ પ્લેટફોર્મ પર અથવા સીધા જ ગ્રોક
એઆઇની વેબસાઇટ કે એપનો ઉપયોગ કરીને આ ચેટબોટ સાથે વાતચીત કરવા લાગ્યા.
હજી હમણાં ગ્રોક એઆઇમાં થ્રીડી એનિમેટેડ કમ્પેનિયન્સ પણ ઉમેરાયા છે. જેને યૂઝર્સ પોતાની મરજી મુજબ કસ્ટમાઇઝ કરી શકે છે.
અલબત્ત, આમ જુઓ તો આ બધાં ગ્રોક એઆઇને
ચર્ચામાં રાખવા માટેનાં ગતકડાં છે. પરંતુ બાળકો માટેનું બેબી ગ્રોક ખરેખર
વાસ્તવિકતા બને તો એ આજની એઆઇ જીવન દુનિયામાં ખરેખર જરૂરી પહેલ સાબિત થઈ શકે છે.
ઇન્ટરનેટ સર્ચ એન્જિન તથા સોશિયલ મીડિયા સાઇટ્સ પર એવું પાર વગરનું કન્ટેન્ટ
છે જે બાળકો માટે યોગ્ય તો નથી જ, ઉલટાનું હાનિકારક બની શકે છે.
બાળકોને તેનાથી બચાવવા માટે સેફ સર્ચ તથા સોશિયલ મીડિયામાં એજ રીસ્ટ્રિક્શનના
પ્રયાસો થતા રહે છે પરંતુ તેને ધારી સફળતા મળતી નથી. જો બેબી ગ્રોક બાળકો માટે સલામત અને એજ્યુકેશનલ
કન્ટેન્ટ આપી શકશે તો બાળકોને એઆઇની નવી દુનિયાનો પરિચય કરાવવામાં વધુ સરળતા રહેશે.