ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યુબ અને અન્ય પ્લેટફોર્મને નેપાળે કેમ બ્લોક કર્યા, જાણો તમામ વિગત
Nepal Blocked Social Media: નેપાળ દ્વારા હાલમાં જ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરને ઓર્ડર આપવામાં આવ્યો છે કે તરત જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ અને X જેવા સોશિયલ મીડિયાને બ્લોક કરવામાં આવે. કંપનીઓ દ્વારા ત્યાંના રજિસ્ટ્રેશનના નિયમોનો અમલ કરવામાં ન આવી રહ્યો હોવાથી તમામ પ્લેટફોર્મને બ્લોક કરવામાં આવ્યા છે. આ નિયમને કારણે નેપાળમાં મીડિયામાં ખૂબ જ હોબાળો મચ્યો છે. તેમ જ ત્યાંના લોકો પણ તેમની વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સેન્સરશિપ લગાવવામાં આવી રહી છે એમ કહી રહ્યાં છે.
ચીનનું ટિકટોક અને રશિયાનું વાઇબર બ્લોક નથી થયું
નેપાળની મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન દ્વારા નેપાળ ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીને ગુરુવારે આ વિષયમાં આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર દ્વારા 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બ્લોક કરવામાં આવે. મિનિસ્ટ્રીના અધિકારીઓ દ્વારા આ માટે એક મીટિંગ રાખવામાં આવી હતી. એ મીટિંગના અંતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચીનનું ટિકટોક અને રશિયાનું વાઇબર બ્લોક કરવામાં નથી આવ્યું કારણ કે તે ત્યાંની સરકારના રજિસ્ટ્રેશન હેઠળ છે.
કયું કયું સોશિયલ મીડિયા થયું બ્લોક?
નેપાળ ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી મુજબ નેપાળની 90 ટકા વસ્તી ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. નેપાળમાં જેટલા પણ યુઝર્સ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે એમાં 87 ટકા ફેસબુક, 6 ટકા X અને 5 ટકા યુ-ટ્યુબનો ઉપયોગ કરે છે. આ આંકડા વેબ એનાલિટિક્સ ફર્મ સ્ટેટકાઉન્ટર અનુસાર છે. સરકારના આ નિર્ણયને કારણે ડિસકોર્ડ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર, વીચેટ, રેડિટ, સ્નેપચેટ, યુ-ટ્યુબ અને X જેવા કુલ 26 પ્લેટફોર્મને અસર થઈ છે.
શું હતી રજિસ્ટ્રેશનની ડેડલાઇન?
સરકાર દ્વારા દરેક પ્લેટફોર્મને રજિસ્ટ્રેશન માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. નેપાળની સરકાર દ્વારા 25 ઓગસ્ટે નિયમ બહાર પાડવામાં આવ્યો હતો કે દરેક વિદેશી સોશિયલ મીડિયા કંપનીએ નેપાળમાં કામ કરવા માટે ત્યાં એક અઠવાડિયાની અંદર રજિસ્ટ્રેશન કરાવવું. તેમ જ તેમનો એક લોકલ પ્રતિનિધિ દેશમાં કામ કરતો હોવો જોઈએ. કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટર પૃથ્વી સુબા ગુરુંગ કહે છે, ‘નેપાળની સરકાર દ્વારા દરેક કંપનીને પૂરતો સમય આપવામાં આવ્યો હતો અને તેમને વારંવાર વિનંતી પણ કરવામાં આવી હતી જેમાં મેટાનો પણ સમાવેશ થાય છે. જોકે તેમણે એને નજરઅંદાજ કરી હતી.’
રજિસ્ટ્રેશન કરવામાં આવતાં જ શરૂ થશે સર્વિસ
મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી દ્વારા જાહેર કરવામાં આવેલી પબ્લિક નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જે પણ કંપની નેપાળમાં રજિસ્ટ્રેશન કરાવે કે તેમની સર્વિસને તરત જ શરૂ કરી દેવામાં આવશે. જોકે સરકારના આ પગલાંને ઘણાં લોકોએ વખોડી કાઢ્યું છે. જર્નાલિસ્ટને પ્રોટેક્ટ કરતી કમિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે ‘સરકારના આ નિર્ણયથી જર્નાલિસ્ટને ખૂબ જ મોટી અસર થશે. તેમનું કામ લોકો સુધી નહીં પહોંચશે અને તેમને દેશ-વિદેશના સમાચાર પણ નહીં મળી શકે.’
આ પણ વાંચો: ક્રેડિટ કાર્ડ સાઇઝનું કોમ્પ્યુટર હવે ચંદ્ર પર: નાનું કોમ્પ્યુટર, વિશાળ મિશન
સુપ્રીમ કોર્ટે પણ આપી હતી પરવાનગી
સરકારના આ નિયમને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી હતી. જોકે સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખોટા સમાચારને અટકાવવા માટે આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે અને એથી સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ નિયમને માન્ય રાખવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચૂકાદાના એક અઠવાડિયા બાદ જ આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા સોશિયલ મીડિયાને બ્લોક કરવા માટે નહોતું કહેવામાં આવ્યું હતું. તેમણે એટલું જરૂર કહ્યું હતું કે આ માટે કાયદામાં રહીને જે પણ પગલાં ભરવામાં આવે એ લઈ શકાશે.