હવે બાઇક રાઇડર્સ માટે ‘એરબેગ’ લોન્ચ, આંખના પલકારામાં ખુલી જશે, જાણો કેટલી કિંમત?

Bike Safety Jacket: શહેરના રસ્તાથી લઈને હાઇવે પર થતાં અકસમાતમાં સૌથી વધુ જોખમ બાઇક ચાલકને હોય છે. બાઇક ચાલકનો અકસમાત થાય છે ત્યારે તેના જીવ પર સૌથી વધુ જોખમ હોય છે. બજારમાં એકથી એક ચડિયાતી બાઇક આવી રહી છે, પરંતુ એમ છતાં તેમની સેફ્ટીને લઈને હંમેશાં સવાલ રહે છે. સરકાર દ્વારા હેલમેટ ફરજિયાત કર્યા અને ન પહેરે તો દંડ કરતાં વાહનચાલક હવે ધીમે-ધીમે હેલમેટ પહેરતા થયા છે. એના લીધે હવે તેમને માથા પર વાગતું નથી અને તેમના પર રહેલું જોખમ ઓછું થયું છે, પરંતુ સંપૂર્ણપણે દૂર નથી થયું. બાઇક અકસમાતમાં માથાની સાથે કમર, હાથ-પગ અને ગરદનની સાથે શરીરના અન્ય કોઈ પણ ભાગમાં વાગી શકે છે. આ જ કારણ છે કે બાઇક અકસમાતમાં સૌથી વધુ લોકોના મૃત્યુ થાય છે.
કાર અકસમાતમાં લોકોના જીવ બચી જવાના ચાન્સ ખૂબ જ વધુ છે. સૌથી પહેલાં કારને નુકસાન થાય છે. આ સાથે જ કારમાં સીટબેલ્ટ અને એરબેગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ કારમાં હવે ઓટોમેટિક બ્રેક્સ જેવા ઘણાં સેફ્ટી ફીચર્સ પણ આવી ગયા છે. જોકે હવે બાઇક માટે પણ એક જોરદાર સેફ્ટી આવી ગઈ છે. ઇન્ડો-ફ્રેન્ચ જ્વોઇન્ટ વેન્ચર NeoKavach દ્વારા દેશનું પહેલું ઇન્ટેલિજન્ટ વિયરેબલ એરબેગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. આ પ્રોડક્ટને NeoKavach એર વેસ્ટ નામ આપવામાં આવ્યું છે.
NeoKavach એર વેસ્ટ કેવું છે?
NeoKavach એર વેસ્ટ એક એવું સેફ્ટી કવચ છે જેના કારણે વાહનચાલકની ગરદનથી લઈને કમર સુધીના કોઈ પણ ભાગમાં ઇજા નહીં પહોંચે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ વેસ્ટ એક આધુનિક ટેક્નોલોજી આધારિત છે. વાહનનું કોઈ પણ રીતે અકસમાત થાય ત્યારે આ વેસ્ટની એરબેગ 100 મિલિસેકન્ડમાં ખુલી જશે. એરબેગ ખુલતાની સાથે જ શરીરની ચારે બાજુ એક વાહનચાલક માટે સુરક્ષા માટેની એરબેગ આવી જશે.

ભારતમાં દર વર્ષે રોડ અકસમાતમાં હજારો ઘટનાઓ જોવા મળે છે જેમાં 70 ટકા કેસમાં શરીરના ઉપરના ભાગમાં ઇજા થઈ હોવાથી વાહનચાલકનું મૃત્યુ થાય છે. 2023માં બાઇકના અકસમાતમાં અંદાજે 79,533 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં રોડ અકસમાતમાં જેટલા પણ મૃત્યુ થયા છે એમાં 45.8 ટકા બાઇકના અકસમાત છે. NeoKavach એર વેસ્ટનો ઉદ્દેશ આ આંકડાને ઘટાડવાનો છે. તેમ જ આ સુરક્ષા કવચ દ્વારા લોકોને ઇજા પણ ઓછી થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ વેસ્ટ બાઇક ચાલકની કમર અને કરોડરજ્જુ પર આવતાં પ્રેશરમાં ઘટાડો પણ કરે છે. એના કારણે વાહનચાલકને ઝાટકો પણ નથી લાગતો. ખાસ કરીને હાઇ-સ્પીડમાં બાઇક હોય અને અકસમાત થાય અને અચાનક જ્યારે બાઇક પડી જાય ત્યારે ચાલકને સુરક્ષા મળે છે.
જેકેટની જેમ પહેરી શકાશે
NeoKavach એર વેસ્ટને એક સામાન્ય જેકેટની જેમ પહેરી શકાય છે. આ જેકેટ અન્ય ઇલેક્ટ્રોનિક એરબેગ સિસ્ટમથી એકદમ અલગ છે કારણ કે એને ચાર્જિંગ, બેટરી અથવા કોઈ સબ્સ્ક્રિપ્શનની જરૂર નથી પડતી. આ જેકેટને એક મિકેનિકલ ટેથર ટ્રિગર સિસ્ટમ પર આધારિત બનાવવામાં આવ્યું છે. આ સિસ્ટમની મદદથી જ્યારે અકસમાત થાય છે ત્યારે તે ઓટોમેટિક ખુલી જાય છે.
આ એર વેસ્ટની ખાસ વાત એ છે કે એનો એક વાર ઉપયોગ થઈ ગયા બાદ એને ફરી રિસેટ કરીને ઉપયોગ કરી શકાય છે. આથી આ એક પ્રેક્ટિકલની સાથે ખૂબ જ સસ્તો અને સુરક્ષિત વિકલ્પ પણ છે. આ વેસ્ટમાં 28 લિટર એરબેગ કવરેજ છે અને એ વજનમાં ખૂબ જ હલકું હોવાથી એને રોજિંદા જીવનમાં ઉપયોગ પણ કરી શકાય છે. આ જેકેટને ભારતમાં બનાવવામાં આવ્યું છે તેમ જ ગ્લોબલ સેફ્ટી સર્ટિફિકેશન સ્ટાન્ડર્ડમાં એ ખરો ઉતર્યો છે.
શું છે કિંમત?
NeoKavach એર વેસ્ટની શરૂઆતની કિંમત અંદાજે 32,400 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ જેકેટ સાથે કંપની દ્વારા તેમની સેફ્ટી ગિયર લાઇન-અપ રેંજમાં પણ વધારો કરવામાં આવ્યો છે. કંપની દ્વારા અન્ય બે પ્રોડક્ટ પણ લોન્ચ કરવામાં આવી છે જેમાં NeoKavach ટેક બેકપેક પ્રો અને ટેક બેકપેક એરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંનેનો ઉપયોગ અલગ રીતે કરી શકાય છે.

શું છે ટેક બેકપેક પ્રોની કિંમત?
આ એક ટેકનોલોજીના રસિયાઓ હોય એવા બાઇકચાલક માટે ખાસ ડિઝાઇન કરવામાં આવેલી બેકપેક છે. એમાં પ્રોટેક્ટિવ પેડિંગ, સ્ટોરેજ ફંક્શન અને એર્ગોનોમિક કમ્ફર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેકપેક શહેર અને લાંબા અંતરની સવારી માટે પણ એકદમ યોગ્ય છે. એની કિંમત 40,800 રૂપિયા રાખવામાં આવી છે.
NeoKavach ટેકપેક એરની વિશેષતા
આ એક વજનમાં હલકું અને રોજિંદા જીવન માટે ખૂબ જ ઉપયોગમાં આવી શકે એવું બેકપેક છે. એમાં બેકને વધુ પ્રોટેક્શન અને મોબિલિટી માટે સપોર્ટ આપવામાં આવ્યો છે. સુરક્ષાની સાથે સુવિધાનો આગ્રહ રાખનાર માટે આ બેકપેક બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: Xbox રમવા માટે હવે કોન્સોલ લેવાની જરૂર નહીં પડે, જાણો કેમ…
આ તમામ સેફ્ટી ગિયરને ગ્રાહક ઓનલાઇન અને કંપનીના કેટલાક રિટેલ સ્ટોરમાંથી ખરીદી શકે છે. વાહનચાલકની સેફ્ટીની બાબતમાં NeoKavach દ્વારા એક નવું પગલું ભરવામાં આવ્યું છે. તેમજ ભારતમાં સુરક્ષાની સાથે સ્ટાઇલને પણ હવે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

