મંગળ ગ્રહના પથ્થર પરથી થયો ખુલાસો, 100 મિલિયન વર્ષથી ત્યાં જીવન શક્ય નથી...
NASA |
Mars is Uninhabitable: નાસાના ક્યુરિયોસિટી રોવર દ્વારા હાલમાં જ મંગળ ગ્રહ પર કેટલીક મહત્ત્વની શોધ થઈ છે જેના કારણે ત્યાં કોઈ જીવન નથી એની પુષ્ટિ મળી રહી છે. મંગળ ગ્રહ પર જીવન શક્ય છે અને ત્યાં ભવિષ્યમાં રહી શકાય એ વિશે ઘણી ચર્ચા છે. ઇલોન મસ્ક આ માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યો છે અને તે મંગળ ગ્રહ પર રિસર્ચ કરવા માટે તમામ દેશોને કહી રહ્યો છે. જોકે જરનલ નેચરમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચ મુજબ કેટલીક જગ્યાએ નદી વહેતી હોવાના પુરાવા મળ્યા છતાં પણ આ ગ્રહ પર મોટા ભાગે ડિઝર્ટ આવેલું છે. આ એક લાલ ગ્રહ છે અને એના પથ્થરમાં ખૂબ જ કાર્બનિક એસિડનો ક્ષાર વિપુલ પ્રમાણમાં છે. એટલે પહેલાં ત્યાં જીવન શક્ય હોય એ બની શકે છે.
પહેલાંના સમયનો કાર્બનિક એસિડનો ક્ષાર મળી આવ્યો
મંગળ ગ્રહ પર ક્યુરિયોસિટી રોવર દ્વારા કેટલાક પથ્થર પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ પથ્થર પર તેમને કાર્બનિક એસિડના ક્ષાર મળ્યા હતા જે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરે છે અને પથ્થર પર સ્ટોર કરે છે. પૃથ્વી પર જેને ચૂનો કહેવામાં આવે છે એ જ પ્રકારનો આ કાર્બનિક એસિડનો ક્ષાર છે. આ પથ્થરની મદદથી મંગળ ગ્રહના ભૂતકાળ વિશે વધુ જાણકારી મળી શકે છે. યુનિવર્સિટી ઓફ શિકાગોના પ્લેનેટરી સાયન્ટિસ્ટ અને ક્યુરિયોસિટી રોવર ટીમના મેમ્બર એડવિન કાઇટ કહે છે, ‘આ શોધ પરથી એ વાત નક્કી છે કે ભૂતકાળમાં અહીં કેટલીક જગ્યાએ જીવન હતું.’
પૃથ્વી અને મંગળ ગ્રહના હવામાનમાં તફાવત
પૃથ્વીને કાર્બન ડાયોક્સાઇડ ગરમ રાખે છે. કાર્બનિક એસિડ ક્ષારની મદદથી કાર્બન ડાયોક્સાઇડ પથ્થર પર સ્ટોર થયો હતો. ત્યારબાદ જ્વાળામુખી ફાટવાથી પૃથ્વીની અંદર રહેલો ગેસ ફરી વાતાવરણમાં આવે છે. તેથી પૃથ્વી પર હવામાનનું સમતુલન જળવાઈ રહે છે. આ તાપમાન જળવાતું હોવાથી પાણી પ્રવાહી સ્વરૂપે રહે છે. જોકે એડવિન કાઇટ અનુસાર પૃથ્વીની સરખામણીએ મંગળ ગ્રહ પર જ્વાળામુખી દ્વારા ગેસ બહાર આવવાની પ્રક્રિયા ખૂબ જ ઓછી છે. આથી મંગળ ગ્રહ ખૂબ જ ઠંડો છે અને પૃથ્વી જેવી જીવનશીલતા માટે યોગ્ય નથી.
![]() |
NASA |
રિસર્ચમાં વધુ શું જાણવા મળ્યું?
આ રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે છેલ્લા 100 મિલિયન વર્ષથી અહીં ડિઝર્ટ છે, એ પહેલાં ત્યાં પાણી હતું. આટલા વર્ષોથી ત્યાં ડિઝર્ટ હોવાથી કોઈ પણ જીવંત વસ્તુ ત્યાં જીવી શકે એની શક્યતા લગભગ ઝીરો છે. આટલો લાંબો સમય જીવન માટે અનુકૂળ ન રહેતા ત્યાં કંઈ ટકી ન શકે. જો કે આ રિપોર્ટ મુજબ મંગળ ગ્રહના પાતાળમાં ક્યાંક પાણી હોવાની શક્યતા છે, કારણ કે ત્યાં પ્રકાશ કે રેડિએશન પહોચી શક્યું ન હોવાનું લાગી શકે છે. નાસાના રોવરને એક સૂકા તળાવના કિનારે પણ કાર્બનિક એસિડના ક્ષાર મળ્યા છે. તેથી આ ગ્રહના ભૂતકાળને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી શકે છે.
મંગળ ગ્રહ પરથી પથ્થર પૃથ્વી પર લાવવો કેમ જરૂરી છે?
મંગળ ગ્રહ પર પૂર્વે જીવન હતું એ સાબિત કરવા માટે ત્યાંથી પથ્થર પૃથ્વી પર લાવવો જરૂરી છે. અમેરિકા અને ચીન આગામી દાયકાઓમાં મંગળ ગ્રહ વિશે વધુ જાણવા માટે પૂરઝડપે પ્રયાસ કરશે. વર્ષોથી લોકોના મનમાં પ્રશ્ન છે કે પૃથ્વી જેવી જીંદગી માટે મંગળ ગ્રહ યોગ્ય બની શકે છે કે નહીં તેનો જવાબ મળવો હવે શક્ય બનશે. જો પાણી હોવા છતાં મંગળ પર નાનું છોડ પણ ન ઊગ્યું હોય તો માનવું પડશે કે પૃથ્વી સિવાય અંતરિક્ષમાં જીવન શક્ય નથી.