ગૂગલને ₹2689 કરોડનો થયો દંડ : પરવાનગી વગર એન્ડ્રોઇડ યુઝર્સના ડેટા કલેક્ટ કરી રહી હતી કંપની
Google Fined by Court: ગૂગલને અમેરિકાની કેલિફોર્નિયા કોર્ટ દ્વારા ખૂબ જ મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ યુઝર્સના ડેટા કલેક્ટ કરવામાં આવી રહ્યા હોવાથી તેમના પર કેસ કરવામાં આવ્યો હતો. ઘણી ટેક કંપનીઓ પર ડેટા કલેક્ટ કરવાનો આરોપ મૂકવામાં આવે છે. તેમને ઘણીવાર દંડ પણ ફટકારવામાં આવે છે. આ કંપનીઓમાં ગૂગલ, ઍપલ અને મેટાનો મુખ્ય રૂપે સમાવેશ થાય છે.
ડેટા કલેક્ટ કરવાનો આરોપ
ગૂગલ પર 2019માં ક્લાસ-ઍક્શન કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો. યુઝર્સ મોબાઇલનો ઉપયોગ ન કરી રહ્યા હોય તો પણ ગૂગલ દ્વારા તેમના ડેટા કલેક્ટ કરવામાં આવતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. યુઝરના ડેટાને કલેક્ટ કરી તેમને ઍડ્સ મોકલવામાં આવે છે. આ કેસમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે ગૂગલ દ્વારા યુઝરના સેલ્યુલર ડેટાનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. આ માટે યુઝર પાસેથી કોઈ પરવાનગી પણ લેવામાં નહોતી આવી.
કયા કાયદાનો ભંગ?
કેલિફોર્નિયાના કાયદા અનુસાર યુઝરના સેલ્યુલર ડેટા પર તેનો હક હોય છે. ગૂગલ યુઝરની પરવાનગી વગર ડેટા કલેક્ટ કરે છે અને સેલ્યુલર ડેટાનો ઉપયોગ કરે છે. આ તેઓ 2016થી કરતા આવ્યા છે. આથી પ્રાઇવસીનો ભંગ કરવામાં આવ્યો હોવાથી દંડ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા ગૂગલની આ પ્રેક્ટિસને ગેરકાયદેસર ગણવામાં આવી છે.
ચૂકાદા વિશે ગૂગલનો જવાબ
ગૂગલે આ વિશે કહ્યું કે તેઓ આ નિર્ણય સામે ફરી અપીલ કરશે. ગૂગલના પ્રવક્તા હોઝે કેસ્ટાનેડાએ કહ્યું કે ‘એન્ડ્રોઇડની જે સૌથી મહત્વની સર્વિસ છે જે સિક્યોરિટી અને પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખે છે એને સમજવામાં નથી આવી. ગૂગલે કોર્ટમાં કહ્યું હતું કે આ ડેટા ટ્રાન્સફરથી યુઝર્સને કોઈ નુકસાન નથી થઈ રહ્યું. તેમ જ કંપનીની ટર્મ્સ ઓફ સર્વિસ અને પ્રાઇવસી પોલિસીનો સ્વીકાર કરતાં યુઝરે કંપનીને એ સત્તા આપી છે.’
આ પણ વાંચો: વારંવાર ખરાબ સપના આવે છે? આ વસ્તુ કરી રહ્યાં હોવાથી એ થઈ શકે છે, જાણો...
અન્ય કેસ પણ ચાલી રહ્યો છે ગૂગલ સામે
ગૂગલ સામે બે કેસ કરવામાં આવ્યા હતા. આ પહેલો કેસ છે. બીજો કેસ સેન હોઝેની ફેડરલ કોર્ટમાં કરવામાં આવ્યો છે. તેમાં 49 સ્ટેટ્સના એન્ડ્રોઇડ યુઝર્સનો સમાવેશ થાય છે. આ કેસની હિયરીંગ એપ્રિલ 2026માં શરૂ કરવામાં આવશે. બીજી તરફ, ગૂગલ આ મહિનામાં તેના કેટલાક કર્મચારીઓને છૂટા કરવાનું પ્લાનિંગ કરી રહ્યું હોય તેવી ચર્ચા છે. ગૂગલે આ વર્ષની શરૂઆતમાં પણ કેટલાક કર્મચારીઓને છૂટા કર્યા હતા.