ફક્ત મહિલાઓ માટેની ડેટિંગ એપના ડેટા થયા લીક: યુઝર્સના 72,000 ફોટો લીક થતાં જુઓ કંપનીએ શું કહ્યું...
Only Women Dating App: અમેરિકન કંપની દ્વારા ફક્ત મહિલાઓ માટેની ડેટિંગ એપ્લિકેશન બનાવી હતી. ‘ટી’ નામની આ ડેટિંગ એપના ડેટા લીક થયા છે. યુઝર્સના 72,000થી વધુ ફોટો એમાં લીક કરવામાં આવ્યા છે. કંપની દ્વારા આ વાતની પણ પુષ્ટિ કરવામાં આવી છે. દુનિયામાં ઘણી ડેટિંગ એપ્લિકેશન છે, પરંતુ આ ફક્ત મહિલાઓ માટેની હોવાથી એ અમેરિકામાં ખૂબ જ વાયરલ થઈ હતી.
શું છે આ ડેટિંગ એપ?
આ ડેટિંગ એપને એવી રીતે બનાવવામાં આવી છે જેમાં અન્ય મહિલાઓ જે-તે પુરુષને રેટિંગ આપી શકે છે. એટલે કે એક મહિલા કોઈ પુરુષને ડેટ કરતી હોય અને એ કેવી વ્યક્તિ છે એ જાણવું હોય તો તે આ એપ્લિકેશનની મદદથી જાણી શકે છે. જો કોઈ મહિલા તેને ઓળખતી હોય તો પોતાની ઈમેજ અને ઓળખ છુપાવીને એ મહિલાને તેની ખરાબ આદત, તેના બેકગ્રાઉન્ડ અને શેનાથી ચેતીને રહેવું વગેરે જણાવી શકે છે.
ફોટોની સાથે આઇડી પણ થયા લીક
કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે યુઝર્સના 72,000થી વધુ ફોટો લીક થયા છે. આ ફોટોમાં 13,000 ફોટો યુઝર દ્વારા એકાઉન્ટ વેરિફિકેશન માટે આપ્યા હતા એ અને આઇડીનો સમાવેશ થાય છે. 59,000 ફોટો પોસ્ટ, કોમેન્ટ્સ અને ડાયરેક્ટ મેસેજમાંથી લીક કરવામાં આવ્યા છે. 2024ની ફેબ્રુઆરી પહેલાં જોડાયેલા યુઝર્સના જ ફોટો લીક થયા છે. ત્યાર બાદના એક પણ યુઝર પર અસર નથી થઈ. તેમ જ ઈમેઈલ એડ્રેસ અને ફોન નંબર પણ લીક નથી થયા.
કંપનીએ શું કહ્યું?
ટી કંપનીએ સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે તેમણે આ માટે થર્ડ પાર્ટી સાઇબરસિક્યોરિટી એક્સપર્ટ્સને કામ સોંપ્યું છે અને તેઓ દિવસ-રાત એક કરી રહ્યાં છે જેથી સિસ્ટમને સિક્યોર કરી શકાય. આ માહિતી જ્યારે આપવામાં આવી હતી ત્યાં સુધી અન્ય ડેટા લીક નહોતા થયા. 404 મીડિયાએ સૌથી પહેલાં રિપોર્ટ કર્યું હતું કે 4chan પ્લેટફોર્મ પર ટી ડેટિંગ એપ્લિકેશનના ડેટાબેઝને ઍક્સેસ કરી શકાય છે.
આ પણ વાંચો: IRCTCએ ડિલીટ કર્યા 2.5 કરોડ એકાઉન્ટ: સામાન્ય લોકોની સુવિધા માટે ભર્યું પગલું, જાણો વિગત…
AI નો ઉપયોગ કરે છે આ એપ
ટીને "ટી ડેટિંગ એડવાઇસ" તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એપ્લિકેશન પર મહિલાઓ તેમના ડેટિંગ અનુભવ વિશે વાતો કરે છે. તેમ જ Tinder અને Bumble પર જો કોઈને કોઈ વ્યક્તિ મળ્યો હોય અને ડેટ કર્યો હોય તો એ વિશેની વાતો કરે છે. આથી કોઈ પુરુષ ચીટિંગ કરતો હોય તો પણ જાણી શકાય. મહિલાઓની સેફ્ટી માટે આ એપમાં AI નો ઉપયોગ કરવામાં આવે છે. એની મદદથી રીવર્સ ઈમેજ સર્ચ કરી યુઝર્સની માહિતી મેળવી શકાય છે. તેમ જ મોબાઇલ નંબર પરથી તેને લગતાં કોઈ ડેટા મળે તો પણ શોધી શકાય છે અને એની કોઈ ક્રિમિનલ એક્ટિવિટી હોય તો એ વિશે પણ મહિલાને માહિતી આપશે. આ નેટવર્ક પર હાલમાં 16 લાખ યુઝર્સ છે. તેઓ દરેક એકમેકની મદદ કરે છે અને છેતરનારા વ્યક્તિથી દૂર રહેવા મદદ કરે છે.