Get The App

OpenAIની સુરક્ષા પર અટેક કરતાં મસ્કે કહ્યું, ‘ગ્રોક આત્મહત્યાઓનું કારણ નથી’

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
OpenAIની સુરક્ષા પર અટેક કરતાં મસ્કે કહ્યું, ‘ગ્રોક આત્મહત્યાઓનું કારણ નથી’ 1 - image

Musk Attack on OpenAI: ઇલોન મસ્કે હાલમાં જ OpenAIની સુરક્ષા પર અટેક કર્યું છે. ઇલોન મસ્કની કંપની સામે ચાલી રહેલા કેસના ભાગરૂપે તેણે આ કમેન્ટ કરી હતી. મસ્કે હાલની ડિપોઝિશનમાં OpenAIની સુરક્ષા કામગીરીની પણ ટીકા કરી હતી. xAIના માલિક તરીકે મસ્કે દાવો કર્યો કે તેમની કંપની OpenAI કરતાં વધુ સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. આ વિશે મસ્કે કહ્યું કે ‘ગ્રોકના કારણે કોઈએ આત્મહત્યા નથી કરી, પરંતુ ChatGPTના કારણે આવી ઘટનાઓ બની હોવાના રિપોર્ટ છે.’

AI પર બ્રેક લગાવવા માટે મસ્કનો લેટર

મસ્કને 2023ની માર્ચમાં સહી કરેલા એક લેટર વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે OpenAI વિશે કમેન્ટ કરી હતી. આ લેટર AI પર બ્રેક લગાવવા માટે હતો. એ સમયે લેટર પર AI ક્ષેત્રના ઘણા એક્સપર્ટ સહિત 1,100થી વધુ લોકોએ સહી કરી હતી. આ લેટરમાં GPT-4 કરતાં વધુ શક્તિશાળી AI સિસ્ટમોના વિકાસ પર છ મહિનાનો વિરામ રાખવાની માંગ કરવામાં આવી હતી. એ લેટરમાં ચેતવણી આપવામાં આવી હતી કે AI લેબોમાં પૂરતી યોજના અને સંચાલન નથી. આ કંપનીઓ એવા ડિજિટલ મગજ વિકસાવવા માટે દોડમાં છે જેને કોઈ સમજી કે નિયંત્રિત કરી શકતું નથી.

ChatGPTની મેન્ટલ હેલ્થ પર અસરને કારણે OpenAI સામે કેસ

મસ્કે આ કમેન્ટ ત્યારે કરી છે જ્યારે OpenAI સામે અનેક કેસ ચાલી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ChatGPTની મેનિપ્યુલેટિવ વાતચીતને કારણે યુઝર્સના મેન્ટલ હેલ્થ પર નકારાત્મક અસર થઈ રહી છે. કેટલાક લોકોએ કરેલી આત્મહત્યામાં ChatGPTનો હાથ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઘટનાઓને મસ્કના કેસમાં પુરાવા તરીકે ઉપયોગમાં લેવાઈ શકે છે. આ કેસનો મુખ્ય મુદ્દો OpenAIએ નોન-પ્રોફિટ AI લેબ તરીકે શરૂઆત કરી હતી અને હવે પ્રોફિટ કંપની બની ગઈ છે અને એને મસ્ક દ્વારા સ્થાપના કરારનો ભંગ કહેવામાં આવી રહ્યું છે.

OpenAIના કમર્શિયલ રિલેશનને લઈને મસ્કે ઉઠાવ્યો વાંધો

મસ્કે એ પણ ચિંતા વ્યક્ત કરી છે કે OpenAIની કમર્શિયલ રિલેશનશિપ AIની સુરક્ષાને અસર કરી શકે છે. મસ્ક અનુસાર આ સંબંધો સુરક્ષા કરતાં ઝડપ, વિસ્તાર વધારવો અને આવકને વધુ પ્રાથમિકતા આપે છે. જોકે xAI પોતે પણ સુરક્ષાના વિવાદોમાં ઘેરાયેલું છે. ગયા મહિને xAIના ગ્રોક દ્વારા બનાવવામાં આવેલા અશ્લીલ ફોટા મસ્કના સોશિયલ નેટવર્ક X પર વાયરલ થયા હતા. આ ફોટામાં ઘણાં ફોટા ટીનએજરના હોવાનું પણ કહેવામાં આવી રહ્યું હતું. આ માટે કેલિફોર્નિયા એટર્ની જનરલની ઓફિસ અને અન્ય સરકારી વિભાગ દ્વારા એક્શન લઈને ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: આધ્યાત્મિક માર્ગદર્શન આપવા માટે આવી ગયો બુદ્ધારોઇડ: જાપાને બનાવેલા આ AI રોબોટ મોન્કની વિશેષતા વિશે જાણો…

સેફ્ટી લેટર શેર કરવાનું કારણ જણાવ્યું મસ્કે

AI સુરક્ષા પત્ર પર સહી કરવાના કારણ વિશે ડિપોઝિશનમાં મસ્કે કહ્યું કે આ એક સારો વિચાર હોવાથી તેણે એના પર સાઇન કરી હતી. તેણે એ પણ જણાવ્યું કે નવી કંપની શરૂ કર્યા પછી OpenAI સાથે સ્પર્ધા કરવા માટે તેણે આ લેટર પર સાઇન નહોતો કર્યો. મસ્કે એ પણ સ્વીકાર્યું કે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ ખૂબ જ જોખમી છે. OpenAIમાં મસ્કે $100 મિલિયનનું ડોનેશન આપ્યું હોવાની પણ ચર્ચા છે, જોકે એ વિશે સ્પષ્ટ કરતાં મસ્કે કહ્યું કે તેણે ફક્ત $44.8 મિલિયન જેટલું જ ડોનેશન કર્યું હતું.