Ashley Files Case on Grok: ઇલોન મસ્કના બાળકની મમ્મી એશ્લી સેન્ટ ક્લેર દ્વારા xAI પર કેસ કરવામાં આવ્યો છે. આ કંપની ઇલોન મસ્કની છે. મસ્કની કંપનીના AI મોડલ ગ્રોક દ્વારા તેનો બિકીનીમાં ફોટો જનરેટ કરવામાં આવ્યો હોવાથી એશ્લીએ ન્યુ યોર્કમાં કેસ ફાઇલ કર્યો છે. રિપોર્ટ અનુસાર આ કેસ ગ્રોક દ્વારા ઇમેજ જનરેટ કરવામાં આવ્યો હોવાથી જેનું છેલ્લા ઘણાં દિવસથી દુનિયાભરમાં વિરોધ થઈ રહ્યો છે.
xAI અને ગ્રોક વિરોધ કેસ
27 વર્ષની એશ્લી સેન્ટ ક્લેર દ્વારા xAI અને ગ્રોક પર કેસ કરવામાં આવ્યો છે. તેનું કહેવું છે કે તેની પરવાનગી વગર તેના સેક્સ્યુઅલ ઇમેજ જનરેટ કરવામાં આવ્યાં છે. આ ફોટોમાં તેને બિકીનીમાં દેખાડવામાં આવી છે અને સાથે જ અન્ય રીતે તેને અશ્લીલ રીતે દેખાડવામાં આવી છે. આ કેસમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક ફોટોમાં તેને નાની ઉંમરની પણ દેખાડવામાં આવી છે. આ ફીચરને કારણે દુનિયાભરમાં એના વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમ જ કેટલાક દેશ દ્વારા એના વિરુદ્ધ કાયદાકીય પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે.
એશ્લી સેન્ટ ક્લેર દ્વારા ન્યુ યોર્કની સુપ્રિમ કોર્ટમાં કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. આ કેસ દ્વારા તેણે તેની ઇમેજને નુકસાન થતાં વળતરની ડિમાન્ડ કરી છે. xAIમાં લોકોની સેફ્ટી અને પ્રાઇવસીને પ્રોટેક્ટ કરવામાં આવી રહી હોવાની સિસ્ટમ હોવા છતાં ગ્રોકને ઇમેજ જનરેટ કરતાં અટકાવી નથી શકાયું એ વિશે પણ વાત કરવામાં આવી છે.
હેરેસમેન્ટ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો
એશ્લી સેન્ટ ક્લેર દ્વારા તેનું હેરેસમેન્ટ કરવામાં આવી રહ્યું હોવાનું કહેવામાં આવ્યું છે. તેણે ઘણી વાર તેના ફોટોને કાઢી નાખવા માટે રિપોર્ટ કર્યા છે. જોકે ગ્રોક દ્વારા સતત નવા-નવા ફોટો જનરેટ કરવામાં આવી રહ્યાં હતાં. આ સાથે જ તેણે વારંવાર રિપોર્ટ કર્યો હોવાથી X પરના તેના એકાઉન્ટને ડીમોનેટાઇઝ કરી દેવામાં આવ્યું છે. ત્યાર બાદ તેના વધુને વધુ ફોટો જનરેટ કરવામાં આવી રહ્યાં હતા.
કંપની અને મસ્કનો જવાબ
X દ્વારા કહેવામાં આવ્યું છે કે બાળકોના સેક્સ્યુઅલ ફોટો જનરેટ કરવા માટે તેમની ઝીરો ટોલરન્સ પોલિસી છે. તેમ જ પરવાનગી વગરના સેક્સ્યુઅલ કન્ટેન્ટને પણ તેઓ ગેરકાયદેસર ગણે છે. મસ્ક દ્વારા અગાઉ કહેવામાં આવ્યું હતું કે જે લોકો આ પ્રકારના ઇમેજ જનરેટ કરવા માટે વિનંતી કરે છે તેઓ જવાબદાર છે નહીં કે કંપની તેમજ ગ્રોક તો ફક્ત કમાન્ડને અનુસરે છે, તે પોતે કોઈ ઇમેજ જનરેટ નથી કરતું. આથી જે પણ ગુનો હોય એ જે-તે યુઝર્સ જવાબદાર છે.
આ પણ વાંચો: ઇસરોની પોલિસી સામે પ્રશ્ન: કેમ નથી સેટેલાઇટ ઇન્સ્યોરન્સ?
AIને લઈને નવા કાયદા બનશે
ગ્રોકના ઇમેજ જનરેશનને કારણે જે વિવાદ થઈ રહ્યો છે એને કારણે દુનિયાભરના દેશ ખૂબ જ ચિંતિત છે. બે-ત્રણ દેશ દ્વારા એને બેન કરી દેવામાં આવ્યો છે અને યૂકે પણ હવે એની તૈયારી કરી રહ્યું છે. કંપની દ્વારા ઇમેજ જનરેશન પર રોક લગાવવામાં આવી છે, પરંતુ બીજી તરફ હવે દરેક દેશ એને રેગ્યુલેટ કરવા માટેની તૈયારી કરી રહ્યું છે. ભારત દ્વારા પણ કંપની પાસે જવાબ માંગવામાં આવ્યાં છે. તેમ જ દરેક દેશ હવે AIને લઈને તેમના નવા નિયમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે.


