Get The App

ઇસરોની પોલિસી સામે પ્રશ્ન: કેમ નથી સેટેલાઇટ ઇન્સ્યોરન્સ?

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
ઇસરોની પોલિસી સામે પ્રશ્ન: કેમ નથી સેટેલાઇટ ઇન્સ્યોરન્સ? 1 - image


Satellite Insurance: ઇસરોને હાલમાં જ PSLV-C62-EOS-N1 મિશનમાં નિષ્ફળતા મળી હતી. આ નિષ્ફળતા બાદ એક વસ્તુ સામે આવી રહી છે કે ભારતની પ્રાઇવેટ સ્પેસ સેક્ટર માટે સેટેલાઇટ ઇન્સ્યોરન્સ નથી. ઇસરો દ્વારા શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી 12 જાન્યુઆરીએ સવારે 10:18એ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશન નિષ્ફળ રહેતાં ઘણાં કમર્શિયલ પેલોડ્સને નુકસાન થયું હતું. આ રોકેટ પર જે પણ કંપનીઓ હતી એમાંની એક પણ ભારતીય કંપનીનું સેટેલાઇટ ઇન્સ્યોરન્સ નહોતું.

પ્રાઇવેટ કંપનીઓને નથી મળતું ઇન્સ્યોરન્સ

ભારતની સ્પેસ ઇન્ડસ્ટ્રીને કોઈ પણ ભારતીય પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ભારતમાંથી જ સેટેલાઇટ લોન્ચ કરવા માટે ઇન્સ્યોરન્સ આપવામાં નથી આવતું. આ માટે ઇસરોના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે સેટેલાઇટ પહેલાં સરકાર દ્વારા જ લોન્ચ કરવામાં આવતી હોવાથી ઇન્સ્યોરન્સની જરૂર નહોતી પડતી. એટલા માટે હજી પણ એ માટે ઇન્સ્યોરન્સની સુવિધા પૂરી પાડવામાં નથી આવી. જોકે હવે ધીમે ધીમે ભારતમાં પ્રાઇવેટ સ્પેસ કંપની આવી રહી છે એથી ઇન્સ્યોરન્સ પણ ભવિષ્યમાં સમાવેશ કરવામાં આવશે.

સેટેલાઇટ લોન્ચ કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે ઇસરો

ઇસરોની કમર્શિયલ કંપની ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા પ્રાઇવેટ કંપનીઓ સાથે મિશન કરવામાં આવે છે. આ કંપની પણ કહે છે કે તેઓ ઇન્સ્યોરન્સ પૂરું નથી પાડતી અને એ તેમનું કામ પણ નથી. ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડના એક સિનિયર અધિકારીએ કહ્યું કે ‘કોઈ પણ સેટેલાઇટ કંપની જે પાર્ટનરશિપ માટે આવે છે તેમણે પોતાનું ઇન્સ્યોરન્સ લઈને આવવું કારણ કે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ફક્ત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.’

ઇસરોની પોલિસીને લઈને ચર્ચા

ઇસરો દ્વારા ભારતની કોઈ પણ સેટેલાઇટ કંપનીને ઇન્સ્યોરન્સ કરવામાં નથી આવતું, પરંતુ જ્યારે તેઓ પોતાની સેટેલાઇટ્સને લોન્ચ કરે છે ત્યારે એને અન્ય દેશમાંથી ઇન્સ્યોરન્સ કરાવે છે. એના કારણે ભારતમાં હવે ન્યૂ સ્પેસ પોલિસીની ડિમાન્ડ કરવામાં આવી રહી છે. મિનિસ્ટ્રી ઓફ સ્પેસ દ્વારા આ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે કે શું સેટેલાઇટ્સ લોન્ચ દરમ્યાન એને ઇન્સ્યોરન્સ કરાવવું ફરજિયાત કરવું કે નહીં.

આ પણ વાંચો: ચેટજીપીટીને ટક્કર આપવા ગૂગલ લઈને આવ્યું ટ્રાન્સલેશનગેમા: ફોટો અને ડોક્યુમેન્ટ પરના શબ્દો પણ થશે ટ્રાન્સલેટ...

ઇન્સ્યોરન્સના ખર્ચને લઈને પણ સમસ્યા

પ્રાઇવેટ કંપનીઓ હાલમાં ઇસરો સાથે મળીને ઇન્સ્યોરન્સને લઈને ચર્ચા કરી રહી છે. સેટેલાઇટ્સની હાલમાં જે વેલ્યુ છે એના પચાસ ટકા ઇન્સ્યોરન્સની કિંમત હોઈ શકે છે. આથી પ્રાઇવેટ કંપનીઓને એને લઈને પણ સમસ્યા આવી શકે છે. આથી દરેક કંપની માટે હાલમાં ચિંતાનો વિષય છે કે જો ઇન્સ્યોરન્સ ફરજિયાત કરવામાં આવ્યું તો તેમને હવે દોઢ ઘણો ખર્ચ કરવો પડી શકે છે.