મ્યુલ એકાઉન્ટનો ખતરનાક ખેલ: કમિશનના લાલચમાં થઈ શકે છે જેલ, જાણો માહિતી...
New Online Scam: ભારત જેમ-જેમ ડિજિટલ બની રહ્યો છે એમ એમાં ડિજિટલ રીતે પૈસાની લેવડ-દેવડ વધી રહી છે. એની સામે નાણાકીય ફ્રોડ પણ એટલાં જ થઈ રહ્યાં છે. હાલમાં એક નવો સ્કેમ આવ્યો છે જેનું નામ મ્યુલ એકાઉન્ટ ફ્રોડ છે. આ પ્રકારના સ્કેમમાં બેન્ક એકાઉન્ટનો ઉપયોગ થાય છે. એમાં ગેરકાયદેસર રીતે પૈસા મેળવવામાં આવ્યા હોય એ પૈસાને આ એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. ઘણી વાર સાંભળવામાં આવે છે કે ડિજિટલ અરેસ્ટ કરવામાં આવી હતી અને એના દ્વારા પૈસા પડાવી લેવામાં આવ્યાં હતાં. આ પ્રકારના હવે નવા સ્કેમ આવી રહ્યાં છે. એમાં લોકો પાસે પૈસા તો પડાવવામાં આવે છે, પરંતુ એ પૈસાને અન્ય વ્યક્તિના એકાઉન્ટમાં મોકલવામાં આવે છે. ત્યાર બાદ તે વ્યક્તિ પાસેથી પૈસા લઈ લેવામાં આવે છે અને તેને કમિશન આપવામાં આવે છે.
છેતરપિંડી કરનારા માટે ખૂબ જ સરળ માર્ગ
સાઇબર ક્રાઇમમાં આ મ્યુલ એકાઉન્ટ છેતરપિંડી કરનાર માટે સોનાની મરઘી સમાન છે. મ્યુલ એટલે કે કોઈ પણ વ્યક્તિનું ટ્રાન્ઝેક્શન વર્ષના અમુક ચોક્કસ લાખ રૂપિયાથી વધુ ન થતું હોય એ એકાઉન્ટ ધરાવનાર વ્યક્તિને છેતરપિંડી કરનાર દ્વારા શોધવામાં આવે છે. તેમને શોધ્યા બાદ કમિશન પર તેમને રાખવામાં આવે છે. તેમણે કોઈ સ્કેમ કરવાનો નથી હોતો. તેમના ખાતામાં પૈસા આવે છે અને એ પૈસાને તેમણે બસ ટ્રાન્સફર કરવાના હોય છે અને આ માટે તેમને કમિશન આપવામાં આવે છે. ભારતમાં આ પ્રકારના ઘણાં એકાઉન્ટ મળી રહે છે જેમાં ફિશિંગથી લઈને, લોન સ્કેમ અને ક્રોસ બોર્ડર મની લોન્ડરિંગ પણ કરવામાં આવે છે. ચોરી કરેલા પૈસાને પણ આ પ્રકારના એકાઉન્ટમાં નાખીને ટ્રાન્સફર કરવામાં આવે છે અને એમાં કોઈને કાનોકાન ખબર પણ નથી પડતી.
મ્યુલ એકાઉન્ટનો કેવી રીતે ઉપયોગ થાય છે?
મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ છેતરપિંડી કરનાર અલગ-અલગ રીતે કરે છે. કેટલીક વાર તેઓ ઓળખની ચોરી કરી ખોટા બેન્ક એકાઉન્ટ ઓપન કરાવે છે. જોકે એમાં ખૂબ જ રિસ્ક છે. મોટાભાગના કેસમાં છેતરપિંડી કરનાર કમિશન પર કામ કરે છે. આ માટે તેઓ બેન્ક એકાઉન્ટને રેન્ટ કરે છે એવું કહે છે. એટલે કે થોડા દિવસ માટે જે-તે વ્યક્તિ પાસે તેનું એકાઉન્ટ ઉધાર લે છે અને એ માટે પૈસા ચૂકવે છે. આ દરમ્યાન તેઓ આ ખાતામાં પૈસા જમા કરાવે છે અને ત્યાર બાદ બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દે છે. આથી પોતાની ઓળખ છુપી રહે છે. આ પ્રકારના એકાઉન્ટમાં તરત પૈસા ટ્રાન્સફર કરી એમાંથી ફરી ટ્રાન્સફર કરી નાખવામાં આવે છે અને ત્યાર બાદ એને બંધ પણ કરી દેવામાં આવે છે. એટલે કે ફરી ઉપયોગ કરવામાં નથી આવતો.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સિસ્ટમ પણ કામ નથી આવી રહી
મ્યુલ એકાઉન્ટ ફ્રોડની સામે રક્ષણ કરવા માટે જ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા KYCના કાયદાને ખૂબ જ કડક બનાવી દીધા છે. તેમ જ એકાઉન્ટ મોનિટરિંગ સિસ્ટમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ટ્રાન્ઝેક્શન માટે રિપોર્ટ કરવાની સુવિધા પણ જરૂરી બનાવી છે. જોકે ફ્રોડ કરનાર દ્વારા દરેક ટ્રાન્ઝેક્શન ખૂબ જ નાના-નાના કરવામાં આવી રહ્યાં છે. આથી રિઝર્વ બેન્ક દ્વારા જે સિસ્ટમ બનાવવામાં આવી છે એમાં પણ કોઈ ટ્રાન્ઝેક્શન ટ્રેક નથી થઈ રહ્યાં.
બેન્ક એકાઉન્ટ બીજાને આપતાં થઈ શકે છે સજા
આ રીતે બેન્ક એકાઉન્ટ અન્ય વ્યક્તિને આપતાં અથવા તો અન્ય વ્યક્તિના પૈસાને પોતાના બેન્કમાં ટ્રાન્સફર કરવા દેવામાં આવે તો આ માટે સજા થઈ શકે છે. આ એક ગુનો છે. આ માટે જે-તે વ્યક્તિને જેલમાં જવાનો પણ સમય આવી શકે છે. આજ આ ફ્રોડ ખૂબ જ મોટા પાયે થઈ રહ્યો છે. અન્ય દેશમાં બેઠેલી વ્યક્તિ હવે નાના શહેરમાં કોઈ પણ વ્યક્તિને સંપર્ક કરી તેનું એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યો છે.
આ પણ વાંચો: આઇફોન 17 આવ્યા પછી કઈ પ્રોડક્ટ થશે બંધ? જાણો તમારો આઇફોન છે કે નહીં...
આ પ્રકારના ફ્રોડથી કેવી રીતે સુરક્ષિત રહેશો?
આ પ્રકારના ફ્રોડથી બચીને રહેવા માટે યુઝરે કોઈ પણ દિવસ તેના બેન્ક એકાઉન્ટ નંબર અને એ માટેના પાસવર્ડ કોઈને પણ શેર ન કરવા. તમારા એકાઉન્ટનો ઉપયોગ ટ્રાન્ઝેક્શન માટે કરવા દેવામાં આવે તો પૈસાની ઓફર કરવામાં આવે એનાથી પણ દૂર રહેવું. આ માટે યુઝરે સતત તેમના એકાઉન્ટની એક્ટિવિટી જોવી જોઈએ અને જો કોઈ ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ લાગે તો એ માટે તરત જ ફરિયાદ કરવી જોઈએ.