AI ચિપને 65 ટકા વધુ સારી રીતે ઠંડી રાખવાનો રસ્તો શોધી કાઢ્યો માઇક્રોસોફ્ટે, જાણો કેવી રીતે…
Microsoft New Cooling Chip Technology: માઇક્રોસોફ્ટ દ્વારા AI ચિપને ઠંડી રાખવા માટેનો એક અદ્ભુત રસ્તો શોધી કાઢ્યો છે. માઇક્રોસોફ્ટ દ્વારા આ માટે માઇક્રોફ્લુઇડિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક એવી પદ્ધતિ છે જેમાં ચિપને ઠંડી રાખવા માટે લિક્વિડનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને ડેટા સેન્ટરની કાર્યક્ષમતાને વધારી શકાય. અત્યારની જે પદ્ધતિ છે એના કરતાં આ પદ્ધતિ ત્રણ ગણું વધારે સારી રીતે કામ કરે છે. આ સાથે જ ચિપને ડેમેજ થતી પણ અટકાવે છે.
શું છે માઇક્રોફ્લુઇડિક્સ પદ્ધતિ?
અત્યારે મોટાભાગના ડેટા સેન્ટર GPUને ઠંડા રાખવા માટે કૂલ પ્લેટ્સનો ઉપયોગ કરે છે. આ અસરકારક છે, પરંતુ જોઈએ એટલી નહીં. આ પ્લેટ હીટ સોર્સથી દૂર રહે છે. એ બેની વચ્ચે ઘણાં મટિરિયલના લેયર્સ હોય છે જેનાથી કૂલ પ્લેટ્સનું પર્ફોર્મન્સ જોઈએ એવું નથી મળતું. માઇક્રોસોફ્ટની નવી માઇક્રોફ્લુઇડિક્સ પદ્ધતિ કૂલન્ટને હીટ સોર્સની વધુ નજીક લાવે છે. એમાં દરેક ચિપની પાછળ દોરા જેવી એક ચેનલ બનાવવામાં આવી હોય છે એમાંથી એ કૂલન્ટ પસાર થાય છે. આથી આ પદ્ધતિને કારણે GPUને 65 ટકા વધુ ઠંડા રાખી શકાય છે.
પાંદડા પરથી લીધી પ્રેરણા
આ ચેનલ માટેની પ્રેરણા પાંદડા પરથી લેવામાં આવી છે. પાંદડા પર જે રીતે ધમનીઓ દેખાય છે એ જ રીતે ચિપની પાછળની ચેનલ બનાવવામાં આવી છે. એક રીતે જોવા જઈએ તો એ પતંગિયાના પાંખ જેવી હોય છે. આ ચેનલ માટેની પ્રેરણા કુદરત પાસેથી જ લેવામાં આવી છે. આ ચેનલમાં કૂલન્ટનો પ્રવાહ કેટલો રાખવો એ માટે પણ AIનો ઉપયોગ કરવામાં આવે છે. આથી કોઈ જગ્યાએ વધુ અથવા તો ઓછો જોઈતો હોય તો એ સિસ્ટમ અનુસાર એડજસ્ટ થતું રહે છે. આથી માઇક્રોસોફ્ટ તેમના ડેટા સેન્ટરને હવે વધુ સરળતાથી ઠંડા રાખી શકે છે.
ટેસ્ટમાં મળી સફળતા
માઇક્રોસોફ્ટ દ્વારા તેમની ઓફિસના સર્વર અને AI GPU પર આ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રેડમન્ડ કેમ્પસમાં આવેલી તેમની ઓફિસમાં આ ટેસ્ટ જ્યારે થઈ રહ્યો હતો ત્યારે કંપની દ્વારા એના પર ખૂબ જ બારિકાઈથી નજર રાખવામાં આવી હતી. આ પદ્ધતિનો ઉપયોગ કરીને માઇક્રોસોફ્ટ હવે પહેલાં કરતાં વધુ પાવરફુલ ચિપ બનાવી શકે છે કારણ કે હવે આ પદ્ધતિ દ્વારા તેઓ એકની ઉપર એક ચિપ મુકી શકવા માટે સક્ષમ છે.
ડેટા સેન્ટરને હવે કરવામાં આવશે કસ્ટમાઇઝ
માઇક્રોસોફ્ટ તેમના ડેટા સેન્ટરનો ખૂબ જોરશોરથી વધારો કરી રહ્યું છે. આથી તેઓ હવે તેમના ડેટા સેન્ટરને કસ્ટમાઇઝ કરી રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં કંપની દ્વારા દુનિયાભરમાં તેમની ક્ષમતામાં ટોટલ 2 ગિગાવોટ્સનો વધારો કરવામાં આવ્યો છે. કંપની જ્યારે આટલાં મોટા લેવલ પર કામ કરી રહી હોય ત્યારે તે કેટલી સરળ અને સારી રીતે કામ કરી શકે છે એ ખૂબ જ મહત્ત્વનું છે.