માઇક્રોસોફ્ટની લોકપ્રિય એપ્લિકેશન થઈ રહી છે બંધ, જાણો યુઝર્સને શું ફરક પડશે…
Microsoft Lens App: માઇક્રોસોફ્ટ દ્વારા તેમની ખૂબ જ પોપ્યુલર ડોક્યુમેન્ટ સ્કેનિંગ એપ માઇક્રોસોફ્ટ લેન્સને બંધ કરવા જઈ રહી છે. માઇક્રોસોફ્ટ હવે તેમની આ એપ્લિકેશનને બંધ કરીને યુઝર્સને માઇક્રોસોફ્ટ 365 કોપાઇલટ એપ્લિકેશન તરફ વાળી રહી છે. ઓફિસ લેન્સ એપ્લિકેશન સૌથી પહેલાં 2015માં લોન્ચ થઈ હતી. આ એપ્લિકેશનને વિન્ડોઝ મોબાઇલની સાથે લોન્ચ કરવામાં આવી હતી. ત્યાર બાદ એ એપ્લિકેશન માઇક્રોસોફ્ટ લેન્સ તરીકે જાણીતી થઈ હતી. આ એપ્લિકેશન ખૂબ જ લોકપ્રિય થઈ હતી કારણ કે એની મદદથી કોઈ પણ ડોક્યુમેન્ટને સ્કેન કરીને એને ડિજિટલ ડોક્યુમેન્ટમાં રૂપાંતર કરી શકાતું હતું. એ સમયે પણ આ એપ્લિકેશન માટે કોઈ પૈસા નહોતા ચૂકવવા પડતા.
એપ્લિકેશનમાં કયા કયા ફીચર્સ હતા?
માઇક્રોસોફ્ટ લેન્સમાં ઘણાં ફીચર્સ હતા જેમાં નોટ્સ, ડોક્યુમેન્ટ્સ, રસીદ અને બિઝનેસ કાર્ડને પણ સ્કેન કરી શકાતા હતા. આ તમામને સ્કેન કર્યા બાદ એને PDF, વર્ડ, પાવરપોઈન્ટ, એક્સેલ ફાઇલ્સ અથવા તો ઇમેજમાં પણ કન્વર્ટ કરી શકાતા હતા. આ સ્કેન કરેલી ઇમેજને વધુ સારી રીતે જોઈ શકાય એવી બનાવવા માટે એમાં ઘણાં ફિલ્ટર્સ પણ આપવામાં આવતાં હતાં, જેનો યુઝર્સ ઉપયોગ કરી શકતો હતો. આટલા વર્ષ પહેલાં આ એપ્લિકેશન રિલીઝ થઈ હોવા છતાં છેલ્લાં 30 દિવસમાં આ એપ્લિકેશનને એપ સ્ટોર અને પ્લે સ્ટોર પર 3.22 લાખ યુઝર્સ દ્વારા ડાઉનલોડ કરવામાં આવી હતી.
ક્યાં સુધી ઉપયોગ કરી શકશે આ એપનો?
માઇક્રોસોફ્ટ દ્વારા આ એપ્લિકેશનને સપોર્ટ 15 સપ્ટેમ્બર સુધી અપાશે. ત્યાર બાદ 15 નવેમ્બરે એને પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી કાઢી નાખવામાં આવશે. ત્યાર બાદ 15 ડિસેમ્બર સુધી યુઝર્સ આ એપ્લિકેશનની મદદથી ડોક્યુમેન્ટ સ્કેન જરૂર કરી શકશે, પરંતુ ત્યાર બાદ આ એપ્લિકેશન બંધ થઈ જશે. ત્યાર બાદ યુઝર્સ કોઈ પણ નવા ડોક્યુમેન્ટને સ્કેન નહીં કરી શકે. અગાઉ સ્કેન કરેલાં તમામ ડોક્યુમેન્ટને એપ્લિકેશનમાં જોઈ શકાશે. જોકે એક વાર એપ્લિકેશન ડિલીટ કરી ત્યાર બાદ આ ડેટા પણ નીકળી જશે.
આ પણ વાંચો: વોટ્સએપ દ્વારા સ્ટેટસને વધુ ઇન્ટરએક્ટિવ બનાવવા માટે લોન્ચ કરાયા નવા ફીચર્સ, જાણો શું છે…
માઇક્રોસોફ્ટ 365 કોપાઇલટ પર ફોકસ
માઇક્રોસોફ્ટ દ્વારા આ એપ્લિકેશન બંધ કરીને તેમના AI ચેટબોટ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. માઇક્રોસોફ્ટ 365 કોપાઇલટમાં આ સ્કેન સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભવિષ્ય હવે AI હોવાથી યુઝર્સને દરેક વસ્તુ એક જ જગ્યાએ મળી રહે એ માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે. જો યુઝર્સને ડોક્યુમેન્ટ સ્કેન કરવા માટે સ્પેશ્યલ એપ્લિકેશન જોઈતી હોય તો તેઓ અન્ય એપનો ઉપયોગ કરી શકે છે. જોકે માઇક્રોસોફ્ટ હવે આ ફીચરને કોપાઇલટમાં જ આપી રહી છે.