એક સમયે લોકપ્રિય વીડિયો કોલિંગ એપ Skype આવતીકાલથી ઓફિશિયલી બંધ થઈ જશે
Microsoft Offically Shutting Down Skype: માઇક્રોસોફ્ટની એક સમયની ખૂબ જ લોકપ્રિય વીડિયો કોલિંગ એપ્લિકેશન આવતીકાલથી, એટલે કે પાંચ મે થી, બંધ થઈ રહી છે. આ એપ્લિકેશન અગાઉ 22 મેના રોજ બંધ થવાની હતી, પરંતુ હવે એને વહેલાં બંધ કરવામાં આવી રહી છે. વિડિયો કોલિંગ વધારે પ્રચલિત બનવા લાગ્યું ત્યારે, આ એપ્લિકેશન લોકોને એકમેક સાથે જોડાવાનું એક મહત્વનું સાધન બની ગયું. બે દાયકાઓ સુધી સેવા પૂરી પાડ્યા બાદ, હવે તે આખરે બંધ થઈ રહી છે. તમામ યુઝર્સને માઇક્રોસોફ્ટ ટીમ્સ (ફ્રી વર્ઝન) પર શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.
સ્કાઇપ બંધ કરવાનું કારણ?
સ્કાઇપને 2003માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે સમયે દરેક ઘરમાં વીડિયો કોલિંગ માટેનું મુખ્ય માધ્યમ હતું. પરંતુ સમય સાથે યુઝર્સ અન્ય એપ્લિકેશન તરફ વળ્યા અને કંપનીઓ પણ તેમની કોન્ફરન્સ માટે અન્ય પ્લેટફોર્મ અપનાવવા લાગી. માઇક્રોસોફ્ટ હવે આધુનિક ટેક્નોલોજી અને ફીચર્સને મહત્વ આપી માઇક્રોસોફ્ટ ટીમ્સને વધુ પ્રાધાન્ય આપી રહી છે. કંપની એક જ સર્વિસ માટે બે અલગ-અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું યોગ્ય માને નહીં, તેથી સ્કાઇપને બંધ કરવામાં આવી રહ્યું છે.
માઇક્રોસોફ્ટ ટીમ્સમાં શિફ્ટ કરવામાં આવ્યાં યુઝર્સ
સ્કાઇપ પાંચ મે સુધી કાર્ય કરશે, ત્યાર બાદ તે બંધ થઈ જશે અને બધા યુઝર્સ ઑટોમેટિક રીતે ટીમ્સ પર શિફ્ટ થશે. યુઝર્સે સ્કાઇપના લોગિન ક્રેડેન્ટિયલ્સ ટીમ્સમાં નાખવા પડશે, જેનાથી તેમની ચેટ અને કોન્ટેક્ટ્સ પણ ટીમ્સમાં પરિવર્તિત થઈ જશે.
પેઇડ સ્કાઇપ યુઝર્સનું શું?
સ્કાઇપ પર ‘ક્રેડિટ’ ફીચર હતું, જે દ્વારા યુઝર્સ કલિંગ સહિતની સેવાને ઉપયોગ કરી શકતા. માઇક્રોસોફ્ટે નવી ક્રેડિટ ખરીદવાનું બંધ કરી દીધું છે, પરંતુ જો કોઈની પાસે એક્ટિવ પ્લાન હોય, તો તેઓ તે સમયસીમા સુધી ઉપયોગ કરી શકે. સ્કાઇપ બંધ થયા બાદ પણ સ્કાઇપ નંબર પર કોલ્સ રિસીવ કરી શકાશે, અને તે માટે સ્કાઇપ વેબ અથવા ટીમ્સનો ઉપયોગ કરી શકાશે.
સ્કાઇપનો અંત અને ટીમ્સનો ઉદય
માઇક્રોસોફ્ટે સ્પષ્ટ કરી દીધું છે કે હવે સ્કાઇપની સેવા સમાપ્ત થઈ છે. બધા યુઝર્સ માટે ટીમ્સને એકમાત્ર મુખ્ય સંદેશાવ્યવહાર માધ્યમ તરીકે સ્થાપિત કરવામાં આવશે. કંપની ટીમ્સને વધુ વિસ્તૃત અને શક્તિશાળી બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે.