માઇક્રોસોફ્ટે લોન્ચ કર્યું નવું AI: ઓફલાઇન કામ કરવાની સાથે કોમ્પ્યુટરને પણ કરશે કન્ટ્રોલ

Microsoft New AI: માઇક્રોસોફ્ટ દ્વારા નવું સ્મોલ લેંગ્વેજ મોડલ Fara-7B લોન્ચ કરવામાં આવ્યું છે. આ મોડલને ખાસ કરીને યુઝરની ડિવાઇસમાં સીધું કામ કરે એ રીતનું બનાવવામાં આવ્યું છે. એટલે કે એ માટે ઇન્ટરનેટની જરૂર નહીં પડે. આ કોમ્પ્યુટર યુઝર એજન્ટ મોડલ તરીકે જાણીતું છે. Fara-7B હવે કોમ્પ્યુટરના ઇન્ટરફેસ એટલે કે કીબોર્ડ અને માઉસને પણ કન્ટ્રોલ કરશે અને એનાથી યુઝર્સને વધુ સારું પરફોર્મન્સ આપી શકશે. માઇક્રોસોફ્ટનું કહેવું છે કે ઘણી કંપનીઓના લાર્જ લેંગ્વેજ મોડલ કરતાં આ મોડલ ખૂબ જ સારી રીતે કામ કરશે.
Fara-7Bમાં પ્રાઇવસીમાં વધારો અને રાહ ઓછી જોવી પડશે
Fara-7B હવે યુઝર્સના તમામ ડેટા ડિવાઇસમાં સ્ટોર કરશે આથી હવે પ્રાઇવસીને લઈને કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં રહે. આ મોડલ દ્વારા હવે યુઝર્સને રાહ ઓછી જોવી પડશે અને પ્રાઇવસીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઓનલાઇન મોડલનો ઉપયોગ થતો હોય ત્યારે યુઝરે કામ માટે રાહ જોવી પડે છે. માઇક્રોસોફ્ટ દ્વારા તેમના બ્લોગ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે યુઝર્સ હવે તેમના રોજિંદા કામ જેવા કે ફોર્મ ભરવું, માહિતી સર્ચ કરવી, ટ્રાવેલ બુકિંગ અને એકાઉન્ટને મેનેજ કરવું વગેરે આ મોડલ દ્વારા ખૂબ જ સરળતાથી કરી શકશે.
Fara-7B કેવી રીતે કામ કરશે?
Fara-7B વેબપેજને ઓબ્ઝર્વ કરશે અને ત્યાર બાદ એને સ્ક્રોલ પણ કરશે. ટાઇપિંગ પણ કરી શકશે અને ક્લિક પણ કરી શકશે. યુઝર્સની ઇચ્છા અનુસાર એ કામ કરશે. માઇક્રોસોફ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મોડલને ખૂબ જ કાળજીપૂર્વક બનાવવામાં આવ્યું છે અને એના પર ખૂબ જ નિકટતાથી મોનિટર કરવામાં આવી રહ્યું છે. જોકે કંપની દ્વારા યુઝર્સને સેન્સિટિવ ડેટા શેર કરવાથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. આ એક નવી AI સિસ્ટમ છે અને એથી જ ચેતીને રહેવું જરૂરી છે.
Fara-7B કોણ ઉપયોગ કરી શકશે?
ઓપન-વેઇટ સ્મોલ લેંગ્વેજ મોડલ Fara-7B હાલમાં માઇક્રોસોફ્ટ ફાઉન્ડરી અને હગિંગ ફેસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. જોકે આ પ્લેટફોર્મને યુઝર્સ માટે ખાસ બનાવવામાં આવશે અને એને કોપાઇલટ કોમ્પ્યુટર દ્વારા વિન્ડોઝ 11માં લોન્ચ કરવામાં આવશે. બહુ જલદી આ મોડલનો ઉપયોગ યુઝર્સ લેટેસ્ટ કોમ્પ્યુટર અને ઓપરેટિંગ સિસ્ટમમાં કરી શકશે.

