ખોટા આધાર-પાન કાર્ડથી વધતી ચિંતા: જેમિની નેનો બનાના પ્રો AI લોન્ચ પછી પ્રાઇવસી પર પ્રશ્નચિહ્ન

Fake Aadhar and PAN Card: ગૂગલ દ્વારા હાલમાં જ તેમનું નવું AI મોડલ જેમિની નેનો બનાના પ્રો લોન્ચ કરવામાં આવ્યું છે. આ મોડલ એટલું ઍડ્વાન્સ છે કે હવે એ આધાર કાર્ડ અને પાન કાર્ડ પણ જનરેટ કરી રહ્યું છે. એ પણ એટલી સફાઈ સાથે કે એમાં સાચું શું અને ખોટું શું એ શોધવામાં તકલીફ પડી રહી છે. ચેટજીપીટીનું જીબ્લી ફીચર આવ્યું હતું ત્યારે એ સમયે પણ આ રીતે ખોટા કાર્ડ જનરેટ કરવામાં આવી રહ્યા હતા. આ રીતે ભારતીય ડૉક્યુમેન્ટ ખૂબ જ સરળતાથી જનરેટ થઈ રહ્યા હોવાથી યુઝર્સ પ્રાઇવસી અને સિક્યોરિટીને લઈને ચિંતા વ્યક્ત કરી રહી છે.
ઍડ્વાન્સ ઇમેજ જનરેશન ટૂલ
ગૂગલ દ્વારા જેમિની AIમાં ઇમેજ જનરેશન ટૂલ માટે ઍડ્વાન્સ નેનો બનાના પ્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટૂલ દુનિયાના મોટાભાગની દરેક વસ્તુને એટલે કે યુઝર્સની કલ્પનાઓને ઇમેજમાં ઉતારી શકે છે. આ લોન્ચ થતાં જ યુઝર્સમાં એ ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. યુઝર્સ તેમના ફોટોથી લઈને તેમની લિંક્ડઇન પ્રોફાઇલને AI ઇન્ફોગ્રાફિક્સમાં બદલી રહ્યા છે. આ મોડલ ખૂબ જ રિયાલિસ્ટિક ઇમેજ જનરેટ કરે છે. આથી ખોટા આધાર કાર્ડ અને પાન કાર્ડ જનરેટ માટે પણ આ ટૂલનો ઉપયોગ કરવામાં આવી શકે છે જે યુઝર્સ માટે ચિંતાનો વિષય બની શકે છે.
પ્રાયવસી અને સિક્યોરિટીને લઈને ચિંતા
જેમિની નેનો બનાના પ્રો દ્વારા ખોટા આધાર અને પાન કાર્ડ બની શકતા હોવાથી પ્રાયવસીને લઈને ખૂબ જ મોટો ચિંતાનો વિષય છે. આ મોડલ કોઈ પણ વધુ પડતા કમાન્ડ અથવા તો સવાલ નથી પૂછતું અને ડૉક્યુમેન્ટ બનાવી દે છે. આ સાથે જ યુઝરના ફોટોની સાથે તમામ રિયલ ઇન્ફોર્મેશન હોય એ પ્રકારની માહિતી જાતે જ બનાવી દે છે. આથી આ ખૂબ જ ખતરનાક ફીચર છે. ગૂગલ દ્વારા તમામ AI ફોટો પર સિન્થેટિક વોટરમાર્ક લગાવવામાં આવ્યું છે. આ સાથે જ જેમિનીનો એક વોટરમાર્ક પણ આવે છે. જોકે એને ખૂબ જ સરળતાથી કાઢી શકાય છે.
કેવા ફોટો જનરેટ નહીં થાય?
ગૂગલ દ્વારા અત્યાર સુધી નેનો બનાના પ્રો દ્વારા જે પણ ખોટા આધાર કાર્ડ અને પાન કાર્ડ બની શકે છે એ વિશે કોઈ કમેન્ટ કરવામાં નથી આવી. જોકે આ મોડલ તમામ ફોટો જનરેટ કરી શકે એવું નથી. યુઝર્સ દ્વારા જો સેક્સ્યુઅલ, હિંસા અને સેન્સિટિવ વિષય પર ફોટો જનરેટ કરવાની વિનંતી કરવામાં આવી તો જેમિની એ માટે ના પાડી દેશે. આ માટે ગૂગલ દ્વારા કાળજી રાખવામાં આવી છે. જોકે આધાર કાર્ડ અને પાન કાર્ડ જનરેટ કરી યુઝર્સ ખોટા કામ પણ કરી શકે છે.

