વિન્ડોઝ કમ્પ્યુટરમાં હવે એક સાથે બે બ્લુટૂથ હેડસેટ સાથે કનેક્ટ થઈ શકશે…

Microsoft Bluetooth Technology: માઇક્રોસોફ્ટ દ્વારા વિન્ડોઝ 11 માટે એક નવું ફીચર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની અંદર યુઝર્સ એક સાથે બે બ્લુટૂથ હેડસેટ, સ્પીકર્સ અથવા તો ઇયરબડ્સને કનેક્ટ કરી શકશે. આ માટે માઇક્રોસોફ્ટ દ્વારા બ્લુટૂથ લો એનર્જી (LE) ઓડિયો કોડેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિન્ડોઝ 11 ઇનસાઇડર પ્રોગ્રામ હેઠળ આ ઓપરેટિંગ સિસ્ટમને હાલમાં ડેવ અને બીટા ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યા છે.
LE કોડેક સપોર્ટેડ બ્લુટૂથ હોવું જરૂરી
યુઝર માટે આ ફીચર ખૂબ જ કામ આવી શકે છે જ્યારે એક જ લેપટોપ પર બે વ્યક્તિ ફિલ્મ જોઈ રહી હોય અથવા તો મ્યુઝિક સાંભળી રહ્યાં હોય. આ માટે યુઝરે LE સપોર્ટેડ બ્લુટૂથ ડિવાઇસને કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવાની રહેશે. ત્યાર બાદ શેર્ડ ઓડિયો બટન પર ક્લિક કરવાનું રહેશે. આ વિકલ્પ ક્વિક સેટિંગ મેનૂમાં આપવામાં આવ્યું છે.
વિન્ડોઝ 11માં ઓગસ્ટમાં આપવામાં આવ્યો હતો સપોર્ટ
ઓગસ્ટમાં માઇક્રોસોફ્ટ દ્વારા વિન્ડોઝ 11માં LE ઓડિયો ફીચરનો સપોર્ટ આપવામાં આવ્યો હતો. આ ફીચરની મદદથી ગેમ રમતી વખતે અથવા તો કોલ દરમ્યાન ખૂબ જ સારી ઓડિયો ક્વોલિટી મેળવી શકાય છે. આ માટે વિન્ડોઝ દ્વારા યુઝરનો ઓડિયો એક્સપિરિયન્સ વધુ સારો રહે એ માટે એને લોન્ચ કરવામાં આવ્યું હતું. અન્ય ડિવાઇસ પણ હવે તેમના બ્લુટૂથમાં LE ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. ગૂગલ હવે ઓરાકાસ્ટ ફીચર હેઠળ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એન્ડ્રોઇડ 16ની ઓડિયો હિયરિંગ એડ્સ સાથે કનેક્ટ કરી રહી છે.
આ પણ વાંચો: AIની રેસમાં એપલ પછડાયું, એપલ ઇન્ટેલિજન્સમાં અન્ય AI મોડલને પણ સપોર્ટ આપશે
લિમિટેડ કોમ્પ્યુટરમાં છે આ ટેક્નોલોજી
માઇક્રોસોફ્ટ દ્વારા આ ટેક્નોલોજી હાલ પૂરતી લિમિટેડ કોમ્પ્યુટરમાં આપવામાં આવી છે. આ ટેક્નોલોજી દરેક લેપટોપમાં નથી. અત્યારે કોપાઇલટ પ્લસ લેપટોપ જેવા કે 13.8 ઇંચ અને 15 ઇંચ સરફેસ લેપટોપ અને 13 ઇંચના સરફેસ પ્રોમાં આ ટેક્નોલોજી જોવા મળશે. આ ટેક્નોલોજી હવે સેમસંગ ગેલેક્સી બુક5 360, ગેલેક્સી બુક5 પ્રો અને અન્ય લેટેસ્ટ લેપટોપમાં પણ જોવા મળશે. આ ટેક્નોલોજી હાલમાં લિમિટેડ હેડફોનમાં છે એથી દરેક એની સાથે કનેક્ટ થઈ શકે એવું જરૂરી નથી.

