AI રેસમાં Microsoftનું જોરદાર કમબેક: જેમિની અને ચેટજીપીટી કરતાં કોપાયલટના યુઝર્સ વધ્યા
Microsoft Back in AI Race: AIની રેસમાં હવે માઇક્રોસોફ્ટ પોતાની જગ્યા બનાવી રહ્યું છે. ગૂગલના જેમિની AI અને OpenAIના ચેટજીપીટીની સરખામણીએ માઇક્રોસોફ્ટના કોપાયલટ AI ચેટબોટના અસંખ્ય યુઝર્સ વધ્યા છે. છેલ્લા થોડા મહિનામાં માઇક્રોસોફ્ટ ખૂબ જ આગળ નીકળી રહ્યું છે. એનાલિટિક્સ ફર્મ કોમસ્કોરના આંકડા જાહેર કરાયા છે, જેમાં કોના કેટલાં યુઝર્સ વધ્યા છે એની ટકાવારી આપવામાં આવી છે. આ ટકાવારીને જોઈને લાગે છે કે હવે માઇક્રોસોફ્ટ પણ AIની રેસમાં જબરદસ્ત ટક્કર આપી રહ્યું છે. અત્યાર સુધી જેમિની અને ચેટજીપીટીની સાથે ડીપસીકની જ ચર્ચા હતી.
માર્ચથી જૂનમાં વધ્યા યુઝર્સ
હાલમાં એક આંકડા મુજબ માર્ચથી જૂનમાં માઇક્રોસોફ્ટના કોપાયલટના યુઝર્સમાં 175 ટકાનો વધારો થયો છે. માર્ચ સુધી કોપાયલટના 3.2 મિલિયન યુઝર્સ હતા જે હવે વધીને 8.8 મિલિયન એક્ટિવ યુઝર્સ થઈ ગયા છે. ટકાવારીને ધ્યાનમાં જોઈએ તો આ આંકડો ખૂબ જ મોટો છે. બીજી તરફ જેમિનીના 68 ટકા યુઝર્સ વધ્યા છે અને હવે ટોટલ યુઝર્સ 14.3 મિલિયન યુઝર્સ છે. સૌથી ઓછા યુઝર્સ ચેટજીપીટીના વધ્યા છે. એમાં ફક્ત 17.9 ટકા યુઝર્સનો વધારો થયો છે અને ટોટલ આંકડો 25.4 મિલિયન યુઝર્સ થયા છે. ટોટલ યુઝર્સની સરખામણીએ ચેટજીપીટી ખૂબ જ આગળ છે, પરંતુ જે રીતે માઇક્રોસોફ્ટ દ્વારા સ્પીડ પકડવામાં આવી છે એ મુજબ એ દિવસ દૂર નથી કે તે જેમિનીને ટક્કર મારીને ચેટજીપીટીની નજીક પહોંચી જાય.
કોપાયલટના યુઝર્સ કેમ જલદી વધી રહ્યા છે?
કોપાયલટના યુઝર્સ વધવા માટેનું સૌથી મોટું કારણ માઇક્રોસોફ્ટની ઇકોસિસ્ટમ છે. માઇક્રોસોફ્ટ દ્વારા એને 365, વિન્ડોઝ, એજ અને અઝુરે દરેક પ્લેટફોર્મમાં સમાવેશ કર્યો છે. આથી કામ કરવા માટે દરેક એપમાં કોપાયલટ જોવા મળી રહે છે. માઇક્રોસોફ્ટનો ઉપયોગ ઘણાં એન્ટરપ્રાઇઝમાં કરવામાં આવે છે. તેમની ઘણી એજન્સી અને બ્રાન્ડ સાથે પણ ડીલ છે અને એથી તેઓ કોપાયલટનો ઉપયોગ વધુ કરે છે. કોપાયલટમાં વોઇસ કમાન્ડ, ઓપન ટેબ્સ, પ્રોડક્ટની સરખામણી કરવી અને કોઈ પણ ખરીદી કરવી હોય તો ખૂબ જ સરળતાથી થઈ શકે છે. આથી એનો ઉપયોગ કરવો પણ સહેલો અને સરળ હોવાથી એના યુઝર્સ વધી રહ્યા છે.
મોબાઇલ વર્સસ ડેસ્કટોપ યુઝર્સ
આ ડેટા મુજબ એક બીજી વાત સામે આવી છે કે હવે યુઝર્સ ડેસ્કટોપ કરતાં વધુ મોબાઇલ પર એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. મોબાઇલ પર AI ઉપયોગ કરનારા યુઝર્સની સંખ્યામાં 5.3 ટકાનો વધારો જોવા મળ્યો છે. હવે ટોટલ 73.4 મિલિયન મોબાઇલ એક્ટિવ યુઝર્સ છે. બીજી તરફ ડેસ્કટોપ પર AIનો ઉપયોગ કરનારા યુઝર્સમાં 11.1 ટકાનો ઘટાડો થયો છે. આ યુઝર્સની ટોટલ સંખ્યા હવે 78.4 મિલિયન યુઝર્સ છે. આ ટ્રેન્ડ પરથી ખબર પડી શકે છે કે AI હવે કેવી રીતે દરેકની લાઇફનો એક ભાગ બની રહ્યું છે. મોબાઇલ યુઝર્સની સંખ્યા વધારો એટલે કે યુઝર્સ હવે રોજિંદી લાઇફમાં પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે. ડેસ્કટોપ પર હોય ત્યારે ઓફિસના કામ અથવા તો પ્રોફેશનલ કામ માટે હોય એ બની શકે.
શું નાણાકીય અસર જોવા મળશે?
માઇક્રોસોફ્ટની AI ખૂબ જ ઝડપથી વધુ રેવેન્યુ જનરેટ કરવા જઈ રહી છે. અઝુરે દ્વારા ગયા વર્ષે નાણાકીય વર્ષમાં 75 બિલિયન અમેરિકન ડોલરનો બિઝનેસ કર્યો હતો. એના અગાઉના વર્ષ કરતાં આ રેવેન્યુ 34 ટકા વધુ હતી. માઇક્રોસોફ્ટના CEO સત્ય નદેલાએ કહ્યું હતું કે AIની ડિમાન્ડ વધી રહી છે અને એથી તેમણે તેમના દરેક પ્લેટફોર્મમાં એનો સમાવેશ કરવો રહ્યો. OpenAI અને માઇક્રોસોફ્ટ દ્વારા ડીલ કરવામાં આવી છે. ચેટજીપીટી અને API દ્વારા OpenAI દર વર્ષે માઇક્રોસોફ્ટ પાસેથી દસ બિલિયન અમેરિકન ડોલરની રેવેન્યુ જનરેટ કરે છે.
ચેટજીપીટીના લોયલ યુઝર્સ
ઘણાં યુઝર્સ એક પછી એક ચેટબોટનો ઉપયોગ કરે છે. જોકે ચેટજીપીટીના ખૂબ જ લોયલ યુઝર્સ છે. તેઓ અન્ય ચેટબોટનો ઉપયોગ કરવા કરતાં ચેટજીપીટી સાથે વળગી રહે છે. તેઓ એક્સપેરિમેન્ટ્સ કરવા નથી માંગતા. આ રિપોર્ટ અનુસાર 85 ટકા યુઝર્સ ફક્ત એક જ AI ચેટબોટનો ઉપયોગ કરે છે. કોપાયલટ અને જેમિનીના યુઝર્સ અન્ય પ્લેટફોર્મને એક્સપ્લોર કરતાં રહે છે.'