લાઈક બટન કાઢી રહ્યું છે ફેસબુક, જાણો શું અસર થશે યુઝર્સને…

Meta Like Button: મેટા કંપની દ્વારા તેમના આઇકોનિક ફેસબુક લાઈક અને કમેન્ટ ફીચરને કાઢવામાં આવી રહ્યું છે. જોકે આ બટન ફક્ત એક્સ્ટર્નલ વેબસાઇટ પરથી કાઢવામાં આવી રહ્યું છે. આ બટન હવે 2026ની 10 ફેબ્રુઆરીથી જોવા નહીં મળે. મેટા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેઓ હવે તેમના ટૂલને વધુ મોડર્ન બનાવવા જઈ રહ્યાં છે અને એથી જ આ બટન કાઢવું તેમના માટે જરૂરી છે. જોકે એમ છતાં યુઝર્સ ફેસબુક પર પોસ્ટ, ફોટો અને વીડિયોને પહેલાંની જેમ લાઈક કરી શકશે.
લાઈક બટન કાઢવામાં આવશે એનો અર્થ શું છે?
મેટા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે એ સોશિયલ પ્લગઇન્સ માટે છે. એટલે કે એક્સ્ટર્નલ પ્લગઇન પર એની અસર જોવા મળશે. બ્લોગ, ન્યૂઝ વેબસાઇટ અને અન્ય પેજ પર કોઈ પણ વસ્તુની નીચે ફેસબુકનું લાઈક બટન આવે છે. આ બટનની મદદથી યુઝર તેમના એકાઉન્ટ વડે સીધી લાઈક અને કમેન્ટ કરી શકતા હતા. જોકે મેટાના કહ્યા અનુસાર તેઓ હવે આ ડેવલપર ટૂલને વધુ મોડર્ન બનાવવા જઈ રહ્યાં છે. તેઓ હવે ઇન્ટરનેટ ટ્રેન્ડ્સ અને પ્રાઇવસી સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને તમામ પગલાં ઉઠાવી રહ્યાં છે.
વેબસાઇટ પર કોઈ અસર નહીં થાય
મેટા દ્વારા એ વાતની ખાતરી આપવામાં આવી છે કે 2026માં જ્યારે આ બદલાવ કરવામાં આવશે ત્યારે એની અસર વેબસાઇટ પર નહીં થાય. કોઈ પણ વેબસાઇટ પર ફેસબુકનું જે આઇકન આવે છે એ દેખાતું બંધ થઈ જશે. આ બટન ન દેખાવાના કારણે વેબસાઇટ પર કોઈ અસર નહીં થાય. મેટા દ્વારા કહેવામાં આવ્યું છે કે ડેવલપર દ્વારા આ માટે તરત જ કોઈ એક્શન લેવાની જરૂર નથી. જોકે તેઓ જૂના પ્લગઇન કોડને કાઢી શકે છે જેથી યુઝર્સને સાફ એક્સપીરિયન્સ મળી રહેશે.
આ પણ વાંચો: વોટ્સએપમાં ફાઇલ શોધવાની ઝંઝટ નહીં: આવી રહ્યું છે નવું મીડિયા હબ ફીચર
લાઈક બટન પર અસર નહીં
ફેસબુક દ્વારા 2009માં લાઈક બટનને રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને આજ સુધી લાઈક બટન દરેકના જીવનનો એક ભાગ બની ગયો છે. ફેસબુકની વેબસાઇટ પર જે લાઈક અને કમેન્ટ બટન છે એમાં કોઈ બદલાવ જોવા નહીં મળે. યુઝર્સ એના પર હંમેશાં લાઈક અને કમેન્ટ કરી શકશે. આ બટન સોશિયલ ઇમ્પેક્ટ માટે ખૂબ જ પોપ્યુલર છે. જોકે સોશિયલ મીડિયા ધીમે ધીમે ખૂબ જ રિસ્કી બની રહ્યું છે એથી હવે મેટા દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે. દુનિયાભરના દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હવે તેમના નિયમોમાં બદલાં કરી રહ્યાં છે. એટલે કે એને વધુ સિક્યોર બનાવી રહ્યાં છે.

