AI Data Center in Jamnagar: ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા (Meta)એ ભારતમાં તેનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે. મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગના 'પર્સનલ સુપરઇન્ટેલિજન્સ' ના વિઝનને આગળ ધપાવતા આ પ્રોજેક્ટ માટે જામનગરની પસંદગી કરવામાં આવી છે. આ હેતુ માટે મેટાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ભાગીદારી કરી છે.
પ્રોજેક્ટ આગામી બે વર્ષમાં કાર્યરત થઈ જશે
અહેવાલો અનુસાર, જામનગરમાં ડેટા સેન્ટરના નિર્માણની સંપૂર્ણ જવાબદારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રહેશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયા બાદ મેટા ત્યાં પોતાની ટેક્નોલોજી સાથે કામગીરી શરૂ કરશે. મેટા આ સેન્ટરનો ઉપયોગ તેની ગ્લોબલ AI સિસ્ટમ્સને મજબૂત કરવા માટે કરશે, જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા લોકપ્રિય પ્લેટફોર્મ્સને પાવર આપે છે. આ પ્રોજેક્ટ આગામી બે વર્ષમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે તેવી અપેક્ષા છે.
શરૂઆતમાં 168 મેગાવોટ ક્ષમતા સાથે ભારતના AI મિશનને મળશે વેગ
આ AI ડેટા સેન્ટરની પ્રારંભિક ક્ષમતા 168 મેગાવોટ નક્કી કરવામાં આવી છે. આ સેન્ટર કાર્યરત થવાથી ભારતના પોતાના રાષ્ટ્રીય 'AI મિશન'ને શક્તિ મળશે. તેનાથી ભારતીય યુઝર્સ માટે ડેટા પ્રોસેસિંગ સ્પીડ વધશે અને ટેક ક્ષેત્રે મોટો સપોર્ટ સિસ્ટમ ઊભો થશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ડેટા સેન્ટરના સમગ્ર લાઇફસાયકલ (Lifecycle) દરમિયાન એન્ડ-ટુ-એન્ડ (છેડા સુધીની) સેવાઓ પૂરી પાડશે. જેમાં ડેટા સેન્ટરની આધુનિક ડિઝાઇન અને ડેવલપમેન્ટ, યુટિલિટી અને ગ્રીન/નવીનીકરણીય ઊર્જા (Renewable Energy) નો પુરવઠો અને હાઇ-સ્પીડ નેટવર્ક કનેક્ટિવિટી સેવાઓનો સમાવેશ થાય છે.
આ મેગા ડીલ સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં હાઇપરસ્કેલ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માર્કેટમાં સિંગલ-વિન્ડો સોલ્યુશન્સ પ્રોવાઈડર તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરશે. ગ્રાહકોને એક જ કંપની દ્વારા તમામ મુખ્ય ડેટા સેન્ટર સેવાઓ પૂરી પાડવામાં આવશે.


