Get The App

હવે સોશિયલ મીડિયા મફત નહીં રહે! મેટા લાવ્યું ફેસબુક-ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના પ્રીમિયમ પેઇડ પ્લાન્સ

Updated: May 28th, 2026

GS TEAM

Google News
Google News
હવે સોશિયલ મીડિયા મફત નહીં રહે! મેટા લાવ્યું ફેસબુક-ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના પ્રીમિયમ પેઇડ પ્લાન્સ 1 - image

Meta Launch New Plans: સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ‘મેટા’એ યુઝર્સ માટે એક મોટો નિર્ણય લેતા વૈશ્વિક સ્તરે પેઇડ કન્ઝ્યુમર સબ્સ્ક્રિપ્શન પ્લાન્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. હવે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો ઉપયોગ કરનારા એડવાન્સ યુઝર્સને વધારાના પ્રીમિયમ ફીચર્સ મેળવવા માટે દર મહિને નિર્ધારિત શુલ્ક ચૂકવવો પડશે. કંપનીએ આ નવા પ્લાન્સને Instagram Plus, Facebook Plus, અને WhatsApp Plus નામ આપ્યા છે.

જાણો કયા પ્લાનની કેટલી કિંમત હશે?

મેટા દ્વારા જાહેર કરાયેલા સબ્સ્ક્રિપ્શન પ્લાન્સની માસિક કિંમત નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:

ઇન્સ્ટાગ્રામ પ્લસ (Instagram Plus): $3.99 (આશરે ₹330) પ્રતિ માસ

ફેસબુક પ્લસ (Facebook Plus): $3.99 (આશરે ₹330) પ્રતિ માસ

વોટ્સએપ પ્લસ (WhatsApp Plus): $2.99 (આશરે ₹250) પ્રતિ માસ

આ માસિક કિંમત ચૂકવીને યુઝર્સ પ્રોફાઇલ કસ્ટમાઇઝેશન, સ્ટોરીઝ પર સુપર રિએક્શન્સ અને સ્ટોરી વ્યુઝ સંબંધિત ઊંડાણપૂર્વકની માહિતી જેવા અનેક ખાસ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે.

મેટાએ શા માટે લીધો આ નિર્ણય?

આ નવા પેઇડ સબ્સ્ક્રિપ્શન પ્લાન્સ પાછળ કંપનીનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા એપ્સનો વધુ પડતો ઉપયોગ કરતા 'પાવર યુઝર્સ'ને પ્રીમિયમ સુવિધાઓ આપવાનો છે. આ ઉપરાંત, વૈશ્વિક બજાર પહેલેથી જ સેચ્યુરેટેડ થઈ ચૂક્યું હોવાથી આ એપ્સમાં યુઝર્સના ગ્રોથની સંભાવનાઓ મર્યાદિત બની છે. તેથી, મેટા કંપની માત્ર જાહેરાતો પર નિર્ભર રહેવાને બદલે કમાણીના અન્ય સ્ત્રોતો ઊભા કરવા માંગે છે.

ફેસબુક પ્લસ અને ઇન્સ્ટાગ્રામ પ્લસ યુઝર્સને પોતાની સોશિયલ અભિવ્યક્તિ વધુ સારી બનાવવામાં મદદ કરશે, જ્યારે વોટ્સએપ પ્લસ સંપૂર્ણપણે પર્સનલાઇઝેશન અને મેસેજિંગ અનુભવને વધુ સારું બનાવવા પર કેન્દ્રિત હશે.

ઇન્સ્ટાગ્રામ પ્લસમાં શું નવું મળશે?

ઇન્સ્ટાગ્રામ પ્લસના ગ્રાહકોને અનેક રસપ્રદ ફીચર્સ મળવા જઈ રહ્યા છે:

યુઝર્સ એ જોઈ શકશે કે કુલ કેટલા લોકોએ તેમની સ્ટોરી ફરી ફરીને જોઈ છે.

સ્ટોરીઝ માટે અનલિમિટેડ ઓડિયન્સ લિસ્ટ બનાવી શકાશે.

વધુ વ્યુઝ મેળવવા માટે અઠવાડિયામાં એકવાર કોઈપણ સ્ટોરીને હાઇલાઇટ કરી શકાશે અને તેની સમયમર્યાદા ૨૪ કલાકથી વધુ વધારી શકાશે.

યુઝર્સ પોતે વ્યુઅર લિસ્ટમાં દેખાયા વગર અન્યોની સ્ટોરીનું પ્રિવ્યૂ જોઈ શકશે અને પોતાની સ્ટોરી કોણ જોઈ રહ્યું છે તેની વિગતવાર સર્ચ પણ કરી શકશે.

વોટ્સએપ પ્લસ: એપ્લિકેશન થીમ્સ અને પ્રીમિયમ સ્ટિકર્સ

વોટ્સએપ પ્લસમાં યુઝર્સના મેસેજિંગ અનુભવને શાનદાર બનાવવા માટે અલગ સુવિધાઓ આપવામાં આવી છે. જેમાં કસ્ટમ એપ થીમ્સ, મનગમતી રિંગટોન સેટ કરવાની સુવિધા, વધારાની ચેટ્સ પિન કરવાનો વિકલ્પ, લિસ્ટ કસ્ટમાઇઝેશન અને ખાસ પ્રીમિયમ સ્ટિકર્સનો સમાવેશ થાય છે.

ભવિષ્યમાં કંપની બિઝનેસમેન અને ક્રિએટર્સ માટે "Meta One" બ્રાન્ડિંગ હેઠળ વધુ સબ્સ્ક્રિપ્શન પ્લાન્સનું પરીક્ષણ પણ શરૂ કરશે.

નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પ્લાન્સ બે સ્તરમાં ઉપલબ્ધ થશે

સામાન્ય યુઝર્સ ઉપરાંત, મેટા તેના AI યુઝર્સ માટે બે ખાસ એક્સક્લુઝિવ પ્લાન્સનું ટેસ્ટિંગ શરૂ કરવા જઈ રહ્યું છે:

1. Meta One Plus: $7.99 (આશરે ₹660) પ્રતિ માસ

2. Meta One Premium: $19.99 (આશરે ₹1,650) પ્રતિ માસ

આ પ્રીમિયમ પ્લાન હાઇ-કમ્પ્યુટ ક્વેરીઝ ઉકેલવાની ક્ષમતા આપશે, જેનાથી મેટા AI એપ અથવા વેબ પર અઘરા કાર્યો માટે વધુ સચોટ અને ગહન લોજિકલ જવાબો મળશે. સાથે જ, મેટાની તમામ એપ્સ પર હાઇ-ક્વોલિટી વીડિયો અને ઇમેજ જનરેશન સપોર્ટ પણ મળશે.

આ પણ વાંચો: 'Fitbit' હવે બની ગઈ 'Google Health' એપ, જાણો કયા નવા ફીચર્સ ઉમેરાયા

ક્રિએટર્સ અને બિઝનેસ માટેની યોજનાઓ

વ્યવસાયિકો અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે મેટા અન્ય બે પ્લાન્સ લાવી રહ્યું છે:

Meta One Essential ($14.99/માસ): આ પ્લાનમાં પ્રોફાઇલ પર વેરિફાઇડ બેજ, આઇડેન્ટિટી પ્રોટેક્શન અને એક અદ્યતન લિંકશીટ મળશે, જેનાથી ક્રિએટર્સ પોતાની તમામ સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ અને વેબસાઇટ્સની લિંક એકસાથે મૂકી શકશે.

Meta One Advanced ($49.99/માસ): આ પ્લાનમાં એસેન્શિયલ પ્લાનના તમામ ફાયદાઓ તો મળશે જ, સાથે યુઝર્સની પોસ્ટ ફેસબુક ફીડમાં હાઇલાઇટ થશે અને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર સર્ચ રિઝલ્ટમાં તેમની પ્રોફાઇલ ટોચ પર જોવા મળશે.