કેન્દ્ર સરકારની લાલ આંખ બાદ મેટા ઝૂક્યું: ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Meta Agrees To Report Child Abuse Content To Indian Agencies: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બાળકોની ઓનલાઇન સુરક્ષા સુનિશ્ચિત કરવા અને હાનિકારક કન્ટેન્ટ પર લગામ કસવા કેન્દ્ર સરકારના કડક વલણ બાદ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા (Meta)એ મોટો નિર્ણય લીધો છે. મેટાએ સ્પષ્ટ ખાતરી આપી છે કે તે બાળ યૌન શોષણ (CSEAM) અને બાળકોની સુરક્ષા સાથે જોડાયેલા તમામ સંવેદનશીલ કેસો સીધા ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓને રિપોર્ટ કરશે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY)ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, મેટાએ આ સંદર્ભે મંત્રાલયને સત્તાવાર પત્ર પાઠવીને જાણ કરી છે.
સરકારે મેટાના નિર્ણયને ગણાવ્યો 'પ્રથમ પગલું': સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં કામ કરતી કોઈપણ સોશિયલ મીડિયા કંપની માટે બાળકોની ડિજિટલ સુરક્ષા એ મૂળભૂત સિદ્ધાંત છે અને તે કોઈપણ બાંધછોડ વગરનો વિષય છે:
- સરકારે મેટાના આ પગલાંને બાળકો માટે પ્લેટફોર્મ સુરક્ષિત બનાવવાની દિશામાં માત્ર એક 'પ્રથમ પગલું' ગણાવ્યું છે.
- સરકારી અધિકારીઓએ ભારપૂર્વક કહ્યું કે આ દિશામાં હજુ ઘણું કામ કરવાની જરૂર છે.
- સરકાર અન્ય તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથે પણ સતત સંપર્કમાં છે, જેથી બાળકો સાથે જોડાયેલ હાનિકારક કન્ટેન્ટ સમયસર ઓળખીને તાત્કાલિક હટાવી શકાય. સરકારે ચેતવણી આપી છે કે બાળકોની ઓનલાઇન સુરક્ષામાં બેદરકારી દાખવનાર કોઈપણ પ્લેટફોર્મ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
ઇન્સ્ટાગ્રામ જાહેરાતોમાં બાળ શોષણ સામગ્રીનો વિવાદ
મેટા સામે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પેઇડ એડવર્ટાઇઝમેન્ટ્સ દ્વારા બાળ યૌન શોષણ સંબંધિત સામગ્રી અને એપ્સને પ્રમોટ કરવાના આક્ષેપો બાદ તપાસનો ગાળિયો કસાયો હતો. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR)એ આ મામલે મેટા ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓને સમન્સ પાઠવી ખુલાસો માંગ્યો હતો. Tech Transparency Projectના તાજેતરના એક સંશોધન રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે મેટા પ્લેટફોર્મ પર 300થી વધુ પેઇડ એડ્સ ચાલી રહી હતી, જેમાં AI દ્વારા વિકૃત કરાયેલી બાળકોની અશ્લીલ છબીઓ સામેલ હતી. આ રિપોર્ટ સામે આવ્યા બાદ મેટાએ મોટા પાયે જાહેરાતો હટાવી લીધી હતી.
મેટા દ્વારા ઉઠાવાયેલા સેફ્ટી પગલાં
મેટાએ જણાવ્યું છે કે તે હેશ-મેચિંગ, AI સિસ્ટમ્સ અને વિશેષ ફિલ્ટર્સ દ્વારા વાંધાજનક કન્ટેન્ટ પર નજર રાખે છે:
- 2026ના પ્રથમ છ મહિનામાં કંપનીએ વૈશ્વિક સ્તરે બાળ શોષણ સાથે જોડાયેલા લગભગ 40 લાખ એકાઉન્ટ્સ અને 3.6 કરોડ કન્ટેન્ટ પોસ્ટ્સ હટાવી દીધા હતા.
- ભારતમાં પણ આ નીતિના ઉલ્લંઘન બદલ આ જ સમયગાળા દરમિયાન આશરે 1.6 લાખ એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
કેરળના CM વી. ડી. સતીશનના AI વીડિયો પર પ્રતિબંધનો વિવાદ
આ ઘટનાક્રમ વચ્ચે, સોમવારે મેટાએ કેરળના મુખ્યમંત્રી વી. ડી. સતીશન KSEB અધિકારીઓ સાથે ડાન્સ કરતા દર્શાવતો એક વાયરલ AI ડીપફેક વીડિયો ભારતમાં પ્રતિબંધિત કરી દીધો હતો. ભારતમાં બ્લોક કરાયો તે પહેલાં આ વીડિયોને 1.78 કરોડથી વધુ વ્યુઝ મળ્યા હતા, જોકે ભારત બહાર તે હજુ પણ જોઈ શકાય છે. ક્રિએટર્સે જણાવ્યું કે મેટાએ સરકારી નોટિસને ટાંકીને આ પગલું ભર્યું છે. બીજી તરફ, મુખ્યમંત્રી સતીશને પોતે આ વીડિયોની રમૂજ માણી હતી પરંતુ AI કન્ટેન્ટના લીગલ પાસાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ક્રિએટર્સનું માનવું છે કે આ હકાલપટ્ટી સીએમ ઓફિસ તરફથી માંગવામાં આવી નહોતી, જ્યારે અગાઉ મેટાએ આવા વીડિયો દૂર થવા પાછળ "ટેકનિકલ ખામી"નું કારણ આપ્યું હતું.




