ચેટજીપીટીનો ઉપયોગ ઘાતક સાબિત થયો: મમ્મીનું ખૂન કર્યા બાદ પોતાનો જીવ લીધો એક યુઝરે…
ChatGPT Involved In Murder: થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે ચેટજીપીટીના કારણે એક બાળકે સુસાઇડ કર્યું હતું. જોકે હવે ફરી એક એવા જ વિચિત્ર સમાચાર આવ્યા છે કે ચેટજીપીટીનો વધુ પડતો ઉપયોગ કરવાને કારણે એક વ્યક્તિએ તેની મમ્મીનું ખૂન કર્યા બાદ પોતાનો પણ જીવ લઈ લીધો છે. અમેરિકાના કનેક્ટિકટમાં રહેતા 56 વર્ષના સ્ટેઇન-એરિક સોએલબર્ગ માનસિક બીમારીથી પીડાઈ રહ્યો હતો અને તેણે એ માટે ચેટજીપીટી પાસે મદદ લીધી હતી. માનસિક હાલત ખરાબ હોવા છતાં તે ચેટજીપીટી પર નિર્ભર રહ્યો હતો. તેને સતત ડર રહેતો હતો કે તેની આસપાસના લોકો તેની જાસૂસી કરી રહ્યા છે.
ચેટબોટને નામ આપ્યું હતું બોબી
સ્ટેઇન દ્વારા ચેટજીપીટીને બોબી નામ આપવામાં આવ્યું હતું. સ્ટેઇન તેની પાસેથી મદદ માગી રહ્યો હતો. તેને જે ડર લાગી રહ્યો હતો એ દૂર થાય એ માટે તેણે ચેટજીપીટીને સવાલો કરવાના શરૂ કર્યા હતા. જોકે ચેટજીપીટી દ્વારા એ ડરને ઓછો કરવાની જગ્યાએ વધારવામાં આવ્યો હતો. ઉદાહરણ તરીકે સ્ટેઇન જ્યારે ચેટબોટને પૂછતો કે તેણે ચાઇનિઝ રેસ્ટોરાંમાંથી ખાવાનું ઓર્ડર કર્યું છે અને એના બિલ પર શું કોઈ ખૂફિયા સિમ્બોલ છે ત્યારે ચેટજીપીટી એમાં હામી ભરતું હતું. તેમ જ એક વાર સ્ટેઇને સવાલ કર્યો હતો કે શું તેની મમ્મીએ કારના ACના વેન્ટમાં ઝેર નાખ્યું છે તો એમાં પણ ચેટજીપીટીએ હામી ભરી હતી. આ સાથે જ ચેટજીપીટીએ તેને કોઈ તકલીફ નથી અને તેને જે સવાલો અને શંકા થઈ રહ્યા છે એ યોગ્ય છે એમ પણ કહ્યું હતું.
પહેલી વાર મર્ડરમાં આવ્યું AIનું નામ
અત્યાર સુધી સુસાઇડમાં AIનું નામ આવ્યું હતું. તેમ જ AIને કારણે કોઈ વ્યક્તિનો અકસ્માતમાં મૃત્યુ થયું હોય એવા સમાચાર આવ્યા હતા. જોકે પહેલી વાર હવે મર્ડરમાં AIનું એટલે કે ચેટજીપીટીનું નામ આવી રહ્યું છે. પાંચમી ઓગસ્ટે પોલીસને સ્ટેઇન અને તેની મમ્મીની ડેડ બોડી તેમના ઘરમાંથી મળી આવી હતી. ઇનવેસ્ટિગેશનમાં પોલીસને જાણવા મળ્યું હતું કે પોતે સુસાઇડ કરે એ પહેલાં તેણે તેની મમ્મીનું મર્ડર કર્યું હતું. AI ચેટબોટનો વધુ પડતો ઉપયોગ કરવાથી મર્ડર થયું હોય એવો આ પહેલો કેસ નોંધાયો છે. મેન્ટલ હેલ્થ એક્સપર્ટ દ્વારા ચેટજીપીટીનો ઉપયોગ કરવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે AIના જવાબો વિશ્વસનીય નથી હોતા.
આ પણ વાંચો: સેટેલાઇટ્સથી રાતનો રંગ બદલાઈ રહ્યો છે: આવું જ રહ્યું તો નહીં કરી શકાય સ્ટાર ગેઝિંગ
ચેટજીપીટીને સુરક્ષિત બનાવવા માટેની કોશિશ
એક પછી એક કેસ ચેટજીપીટીને કારણે થતાં કંપનીઓ હવે AIને વધુ સુરક્ષિત બનાવવાની કોશિશ કરી રહી છે. બાળકના સુસાઇડ બાદ ચેટજીપીટી એમાં પેરેન્ટલ કન્ટ્રોલ આપે એવી ચર્ચા હતી. જોકે આ મર્ડરનો કેસ સામે આવ્યા બાદ ચેટજીપીટી હવે નવી અપડેટ પર કામ કરી રહ્યું છે. મેન્ટલ હેલ્થને કારણે ઘણાં કેસ સામે આવતાં હવે ચેટજીપીટી એ માટે યુઝરને વધુ સુરક્ષા મળી રહે એ વિષય પર કામ કરી રહી છે. જોકે એના પર સરકાર દ્વારા ક્યારે કાયદા-કાનૂન બનાવવામાં આવે એ વિશે હજી રાહ જોવી રહી છે.