સૌરતોફાન ગેનન પાછળ ચુંબકીય ક્ષેત્ર જવાબદાર : આદિત્ય-એલ1નું સંશોધન

- ભારતીય સૂર્ય મિશનનું તારણ એસ્ટ્રોફિઝિકલ જર્નલ લેટર્સમાં પ્રસિદ્ધ થયું
- છેલ્લાં બે દશકામાં આવેલા સૌથી શક્તિશાળી સૌર તોફાન 'ગેનન'થી પૃથ્વીના વાતાવરણને અસર થઈ હતી
નવી દિલ્હી : ભારતની ખગોળ સ્થિત પ્રથમ સૌર વેધશાળા આદિત્ય એલ૧ દ્વારા પૃથ્વી પર તાજેતરમાં ત્રાટકેલાં સૌથી શક્તિશાળી સૌર તોફાનની તાકાતનો અંદાજ માપવામાં ભજવવામાં આવેલી મહત્વની ભૂમિકાને સમજાવતાં ભારતીય વિજ્ઞાાનીઓના એક અભ્યાસને એસ્ટ્રોફિઝિકલ જર્નલ લેટર્સમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં સૌર તોફાન દરમ્યાન બનેલી અસામાન્ય ઘટનાઓ સમજવા નાસાના વિન્ડ સહિત છ ઉપગ્રહોની સાથે મળી ઇસરોના આદિત્ય એલ૧ કામ કર્યું હતું.
અંતરિક્ષમાં બનેલી આ ઘટનાના ચુંબકીય ક્ષેત્રની આદિત્ય એલ૧ દ્વારા આપવામાં આવેલી ચોકક્સ માહિતીને પગલે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાાનીઓને આ સૌર તોફાન કેમ આટલું વધારે શક્તિશાળી હતું તે સમજવામાં સહાય મળી હતી.
ઇસરો દ્વારા જારી કરવામાં આવેલી યાદી અનુસાર પૃથ્વી પર આવેલાં આ સૌર તોફાનને હવે ગેનન્સ સ્ટોર્મ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્ટોર્મને કારણે પૃથ્વીના પર્યાવરણ પર મોટી અસર થઇ હતી. આ સૌર તોફાન સૂર્ય પર થયેલાં વિશાળ વિસ્ફોટોની શ્રેણીને કારણે સર્જાયું હતું.
સૂર્ય પર થયેલાં તોફાનોને કોરોનલ માસ ઇજેક્શન-સીએમઇ- તરીકે ઓળખવામાં આવે છે. આ સીએમઇ સૂર્ય તરફથી અંતરિક્ષમાં ફેંકાતા ગરમ ગેસ અને ચુંબકીય ઉર્જાના વિશાળ પરપોટાં હોય છે.
ઇસરોએ જણાવ્યું હતું કે જ્યારે આ સૌર ચુંબકીય ઉર્જા પૃથ્વી તરફ ફેંકાય ત્યારે તે પૃથ્વીના ચુંબકીય આવરણને પ્રભાવિત કરે છે. જેને કારણે ઉપગ્રહો, કમ્યુનિકેશન્સ સિસ્ટમ્સ, જીપીએસ અને વિજળીની ગ્રીડ પર પણ તેની ગંભીર અસર થઇ શકે છે.
ઇસરોએ જણાવ્યું હતું કે પૃથ્વી પર આવેલાં સૌર તોફાનોમાં બે દાયકામાં સૌથી વધારે શક્તિશાળી નીવડેલું આ તોફાન મે ૨૦૨૪માં ત્રાટક્યુ હતું. વિજ્ઞાાનીઓના જણાવ્યા અનુસાર સૂર્યનું ચુંબકીય ક્ષેત્ર અર્ધગોળાકાર દોરડાં સમાન હોય છે. આ ચુંબકીય ક્ષેત્રના સીએમઇ જ્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સંપર્કમાં આવે ત્યારે વિનાશ સર્જાઇ શકે છે.
આ પ્રક્રિયાને મેગ્નેટિક રીકનેકશન યાને ચુંબકીય પુન: સંયોજન તરીકે ઓખળવામા ંઆવે છે. આ મેગ્નેટિક રીકનેકશનને કારણે સૌર તોફાન અતિશક્તિશાળી બની ગયું હતું.
ઇસરોના જણાવ્યા અનુસાર પહેલીવાર સંશોધકોને અંતરિક્ષના અનેક ખગોળ બિંદુઓ પરથી એક જ સૌર તોફાનનો અભ્યાસ કરવાની તક મળી હતી.
આદિત્ય એલ૧ મિશન દ્વારા પ્રાપ્ત ચુંબકીય ક્ષેત્રના માપોને કારણે વિજ્ઞાાનીઓ આ મેગ્નેટિક રીકનેકશનના ક્ષેત્રનો અંદાજ મેળવવામાં સફળ નીવડયા હતા. આ ખગોળીય ઘટના તેર લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં બની હતી.
ભારતે આદિત્ય એલ૧ને સપ્ટેમ્બર ૨૦૨૩માં અંતરિક્ષમાં મોક્લ્યું હતું.

