Get The App

ભારતના આકાશમાંથી ‘ગાયબ’ થઈ રહ્યા છે તારા! જાણો શું છે ‘લાઇટ પોલ્યુશન’નું જોખમ

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
ભારતના આકાશમાંથી ‘ગાયબ’ થઈ રહ્યા છે તારા! જાણો શું છે ‘લાઇટ પોલ્યુશન’નું જોખમ 1 - image

Light Pollution in the Sky: એક સમય હતો જ્યારે ભારતના આકાશમાં તારાઓનો નજારો ખૂબ જ અદ્ભૂત જોવા મળતો હતો. આજે સ્થિતિ એવી બની ગઈ છે કે શહેરોમાં રહેતા ઘણા બાળકો માટે તારાઓ માત્ર પુસ્તકો કે પ્લેનેટોરિયમમાં જ જોવા મળતા દ્રશ્યો બની ગયા છે. Light Pollution એ આપણું આકાશ ધીમે ધીમે છીનવી લીધું છે અને હવે આકાશમાં તારા પણ જોવા નથી મળી રહ્યા. આજે તારા જોવા માટે હાનલે અને લેહ-લદ્દાખ જવું પડે છે. જોકે પહેલાં એવું નહોતું. ડેવલપમેન્ટના નામે આજે કુદરતની જે સુંદરતા હતી તે હવે ધીમે-ધીમે ખોવાઈ રહી છે અને આ જ કારણ છે કે આપણાં આકાશમાં હવે તારા જોવા નથી મળતા.

બ્લેકઆઉટમાં દેખાતું સાચું આકાશ

મેટ્રો સિટીમાં રહેનારાઓ માટે તારાઓનો અનુભવ અચાનક ઇલેક્ટ્રિસિટી જતી રહે ત્યારે જ થતો હોય એ સમજી શકાય છે. થોડા સમય માટે શહેર અંધકાર થઈ જાય અને આકાશમાં અસંખ્ય તારાઓ દેખાતા થાય એ શહેરમાં રહેનારા માટે એક સપના સમું હોય છે. જોકે તેમને પણ ઇલેક્ટ્રિસિટી પાછી આવી જતાં આ તારાઓનો અનુભવ લાંબો સમય નહીં મળે. તેમના માટે પણ આ એક ભાગ્યે જ જોવા મળતી ઘટના સમી હોય છે. આકાશ આજે લાઇટ દ્વારા પ્રકાશિત થઈ ગયું છે.

વાંગણીથી મુંબઈ સુધી બદલાતું આકાશ

મુંબઈના TIFR-HBCSE સાથે જોડાયેલા વૈજ્ઞાનિક Aniket Sule પોતાનો અનુભવ જણાવે છે. 1990ના દાયકામાં વાંગણી ગામમાં તેમણે મિલ્કી વેને સ્પષ્ટ રીતે જોયું હતું. એ આકાશમાં વહેતી સફેદ નદી જેવી હતી. જોકે આજે એ જ સ્થળનું આકાશ મુંબઈ જેવું બની ગયું છે. તેમના અનુસાર આ દુખની વાત છે કે હવે બાળકોને એ જોવા નથી મળી રહ્યું. તારાઓ હજી પણ આકાશમાં છે, પરંતુ ભારતે એને જોવાની શક્તિ ખોઈ દીધી છે.

બોર્ટલ સ્કેલ: આકાશની હકીકત

આકાશના અંધકારને માપવા માટે “બોર્ટલ સ્કેલ”નો ઉપયોગ થાય છે. અમેરિકાના એસ્ટ્રોનોમર જોન બોર્ટલ દ્વારા આ પદ્ધતિ શોધવામાં આવી હતી.

• લેવલ 1: સૌથી અંધારું આકાશ (હાનલેનો સમાવેશ એમાં થાય છે.)

• લેવલ 9: ભારે પ્રકાશ પ્રદૂષણ (દિલ્લી)

લદ્દાખના Hanleમાં આકાશ આજે પણ શુદ્ધ છે, જ્યારે Delhi અને Mumbai જેવા શહેરોમાં તારાઓ લગભગ અદૃશ્ય થઈ ગયા છે. પહેલું લેવલ હોય ત્યાં આકાશગંગા જેને મિલ્કી વે કહેવામાં આવે છે એ જોઈ શકાય છે. ત્યાં કોઈ સાધનની પણ જરૂર નથી પડતી, નરી આંખે એને જોઈ શકાય છે. લેવલ નવ એટલે સૌથી ખરાબ આકાશ — પ્રદૂષણથી ભરપૂર. દિલ્હીનો સમાવેશ આ લેવલમાં થાય છે.

ભારતના આકાશમાંથી ‘ગાયબ’ થઈ રહ્યા છે તારા! જાણો શું છે ‘લાઇટ પોલ્યુશન’નું જોખમ 2 - image

ડાર્ક સ્કાય રિઝર્વ: આશાનું કિરણ

2022ના ડિસેમ્બરમાં હાનલેને ભારતનું પ્રથમ ડાર્ક સ્કાય રિઝર્વ બનાવવામાં આવ્યું હતું. હાનલે દરિયાની સપાટીથી 4500 મીટર ઉપર આવેલું છે. હાનલેમાં આવેલી ઇન્ડિયન એસ્ટ્રોનોમી ઓબ્ઝર્વેટરીથી 22 કિલોમીટરની એક બાઉન્ડરી નક્કી કરવામાં આવી છે જ્યાં પ્રકાશ નહીં હોય. 2024ની 11 જાન્યુઆરીએ Pench Tiger Reserveને આંતરરાષ્ટ્રીય ડાર્ક સ્કાય પાર્કનો દરજ્જો મળ્યો હતો. જોકે આ મર્યાદિત રિઝર્વ છે. એની બહાર નીકળતા ફરી આકાશમાં પ્રકાશનું પ્રદૂષણ જોવા મળે છે અને એ ઝડપથી વધી રહ્યું છે. તમિલનાડુમાં પણ હાલમાં એક ડાર્ક સ્કાય સાઇટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

શહેરોમાં તારાઓ ગાયબ

દિલ્લી જેવા શહેરોમાં હવે વીજળી ન હોય તો પણ તારાઓ દેખાતા નથી. માત્ર થોડા તેજસ્વી તારાઓ જ નજરે પડે છે. મિલ્કી વે, એન્ડ્રોમેડા ગેલેક્સી અને ઓરાયન નેબ્યુલા જેવી આકાશમાં જોવા મળતી સુંદરતા હવે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગઈ છે. સારું આકાશ એટલે કે અંધકારમય જગ્યા જોવા માટે શહેરોથી સૈંકડો કિલોમીટર દૂર જવું પડે છે. દિલ્હીથી 100થી 150 કિલોમીટર દૂર ગયા બાદ આકાશમાં તારા જોવા મળે છે અને ખૂબ જ સારું આકાશ જોવા માટે લગભગ 250થી 300 કિલોમીટર દૂર જવું પડે છે.

પ્રકાશ પ્રદૂષણનું મૂળ કારણ

સમસ્યા માત્ર લાઇટના રંગમાં નથી, પરંતુ તેની દિશામાં છે. ભારતમાં સ્ટ્રીટ લાઇટ્સ મોટાભાગે આકાશ તરફ પ્રકાશ ફેંકે છે, જે આકાશને ધૂંધળું બનાવે છે. આ માટેનો સરળ ઉકેલ લાઇટને નીચેની દિશામાં લગાવવી છે, પરંતુ એ માટે ભારતમાં કોઈ કાયદો નથી. આ લાઇટમાંથી એક ઓરેન્જ કલરનો ધુમ્મસ જેવું નીકળે છે. આ ધુમ્મસવાળી લાઇટમાં જે તારો ઓબ્ઝર્વ કરી શકે એ દેખાશે અને જે એમાં દબાઈ જશે એ નહીં દેખાય. ચંદ્ર અને અન્ય પ્લેનેટ જે ખૂબ જ મોટા છે એને જોઈ શકાય છે, પરંતુ આ લાઇટમાં મિલ્કી વે અને અન્ય જોવા નહીં મળે.

વિજ્ઞાન અને પર્યાવરણ પર અસર

આ સમસ્યા માત્ર ખગોળવિજ્ઞાન માટે જ નહીં, પરંતુ પર્યાવરણ માટે પણ ગંભીર છે. રાત્રિજીવી પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓ પ્રકાશ પ્રદૂષણથી પ્રભાવિત થઈ રહ્યા છે. દુખની વાત એ છે કે જ્યાં ભારતના ભવિષ્યના ખગોળવિજ્ઞાનીઓને તાલીમ આપવામાં આવે છે, ત્યાં પણ તારાઓ દેખાતા નથી. દુનિયાભરના વૈજ્ઞાનિકો દ્વારા 50000થી વધુ ઓબ્ઝર્વેશનના આધારે નક્કી કર્યું છે કે 2011થી લઈને 2022 સુધીમાં દર વર્ષે અંદાજે આકાશનો અંધકાર 9.6 ટકા ઓછો થયો છે. રાતમાં આકાશમાં જે પ્રકાશ છે એ દર આઠ વર્ષે બમણો થઈ રહ્યો છે. એટલે કે આજે જન્મ લેનાર બાળકને આકાશમાં 250 તારા દેખાતા હશે તો તે જ્યારે 18 વર્ષનું થશે ત્યારે તેને આકાશમાં ફક્ત 100 તારા જ જોવા મળશે.

ભારતના આકાશમાંથી ‘ગાયબ’ થઈ રહ્યા છે તારા! જાણો શું છે ‘લાઇટ પોલ્યુશન’નું જોખમ 3 - image

પ્રવાસીઓને કારણે નહીં, સ્ટ્રીટ લાઇટને કારણે થાય છે પ્રદૂષણ

ભારતમાં પ્રકાશ પ્રદૂષણ સામે કોઈ રાષ્ટ્રીય નીતિ નથી. સ્ટ્રીટ લાઇટ્સ કેવી રીતે લગાવવી તે માટે કોઈ નિયમ નથી. સરકાર, સ્થાનિક તંત્ર અને લોકો વચ્ચે સંકલનનો અભાવ છે. Pench Tiger Reserveમાં ત્રણ વર્ષની અંદર 10થી 20 ટકા લાઇટ પોલ્યુશન વધ્યું છે. આ લાઇટ પોલ્યુશન માટે પ્રવાસીઓ નહીં, પરંતુ સ્ટ્રીટ લાઇટ જવાબદાર છે. આ રિઝર્વમાં સ્ટારગેઝિંગ માટે એક રાતના ફક્ત 30 વ્યક્તિને જ પરવાનગી આપવામાં આવે છે, એ પણ પાંચ વાહનની અંદર. એનાથી વધારે કોઈને પરવાનગી નથી. આ સાથે જ રિઝર્વની આસપાસ આવેલા રિસોર્ટ્સને પણ લાઇટ માટે ચોક્કસ ગાઇડલાઇન ફોલો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરેક લાઇટ જમીન પર જ પડતી હોવી જોઈએ. જોકે તેમની આસપાસના ગામડાઓમાં હવે લોકો રાતે પણ લાઇટ ચાલુ રાખે છે. આ લાઇટ ચાલુ રાખવાના કારણે એની અસર આકાશ પર પડે છે. આ સાથે જ ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઇટ પણ ચાલુ હોવાથી એની અસર પણ હવે પડી રહી છે.

ભવિષ્ય માટે ચેતવણી

વિશ્વભરમાં આકાશની તેજસ્વિતા દર વર્ષે લગભગ 10% વધી રહી છે. એટલે કે આગામી પેઢીને આજે કરતા ઓછા તારાઓ જોવા મળશે. ભારત પણ આ ટ્રેન્ડમાં પાછળ નથી. ભારતમાં પણ એની ખૂબ જ અસર પડી રહી છે. આ માટે ભારતમાં સ્ટ્રીટ લાઇટને લઈને ચોક્કસ નિયમો બનાવવા જરૂરી છે. આ સાથે જ પર્યાવરણને નુકસાન ન થાય એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા જોઈએ. હાનલે અને Pench Tiger Reserve બન્નેમાંથી હજી પણ મિલ્કી વે જોઈ શકાય છે. જોકે આ માટે ઘણાં નિયમો બનાવવામાં આવ્યા છે. લાઇટ હંમેશાં નીચે હોવી જોઈએ. તેમજ લેમ્પના શેડ્સ પણ ચોક્કસ રાખવામાં આવે છે. આ માટે બ્લુ અને વ્હાઇટ લાઇટને પરવાનગી આપવામાં આવતી નથી. આ રીતે દરેક જગ્યાએ લાઇટને લઈને નિયમો બનાવવા જરૂરી છે.

આ પણ વાંચો: વોટ્સએપમાં આવી રહ્યું છે પ્રાઇવસી સાથેનું સમરી ફીચર, અનરીડ મેસેજ વાંચવાની ઝંઝટ થશે ખતમ

અંતિમ સવાલ

તારાઓ તો હજુ પણ છે. જોકે પ્રશ્ન એ છે કે શું આપણે તેમને જોઈ શકીશું? ભારતમાં આજે પણ કોઈ બાળક આકાશ તરફ જોઈ રહ્યું હોય તો એને ખૂબ જ સારા તારા જોવા મળે એવા ચાન્સ ખૂબ જ ઓછા છે. આ બાળકને લાગતું હશે કે આકાશ ખરેખર આવું જ છે. જોકે હકીકત એ છે કે આકાશ ધીમે ધીમે ગાયબ થઈ રહ્યું છે. આ માટેનું કારણ એ છે કે લાઇટ કોઈ બંધ કરતું નથી.