કોણ છે WhatsAppના ગ્લોબલ CEO કુણાલ શાહ? જાણો એક સામાન્ય પરિવારના યુવકની પ્રેરણાત્મક સફર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Who Is Kunal Shah?: વૈશ્વિક ટેકનોલોજી સેક્ટરમાં ભારતનો ડંકો ફરી એકવાર વાગ્યો છે. ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ ભારતીય ફિનટેક સેક્ટરના અગ્રણી આંતરપ્રિન્યોરઅને CREDના સ્થાપક કુણાલ શાહને વોટ્સએપના ગ્લોબલ CEO તરીકે નિયુક્ત કરીને ઈતિહાસ રચી દીધો છે. કેલિફોર્નિયાના મેનલો પાર્ક સ્થિત વોટ્સએપના મુખ્ય મથકે ચાર્જ સંભાળવાની સાથે જ કુણાલ શાહે મેટા પાસેથી CRED માટે $900 મિલિયન (આશરે ₹8,500 કરોડ)નું મજબૂત રોકાણ પણ મેળવ્યું છે. આ મેગા ડીલ બાદ CREDની વેલ્યુએશન $4.5 બિલિયન થઈ જશે.
કુણાલ શાહની આ નિમણૂક સુંદર પિચાઈ (Google) અને સત્ય નડેલા (Microsoft) પછી વૈશ્વિક સ્તરે ભારત માટે બીજી એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. ભારત 50 કરોડથી વધુ સક્રિય યુઝર્સ સાથે વોટ્સએપનું વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે. જોકે, આ ઐતિહાસિક સન્માનની સાથે જ ભારતના ફિનટેક ક્ષેત્ર અને ડેટા સિક્યોરિટી પર અમેરિકન કંપનીઓના વધી રહેલા વર્ચસ્વને લઈને આર્થિક જગતમાં ચિંતાઓ પણ શરૂ થઈ ગઈ છે.
પરંપરાગત માર્ગથી અલગ: ફિલોસોફીની ડિગ્રી અને અધૂરું MBA ચર્ચામાં
સામાન્ય રીતે વૈશ્વિક ટેક કંપનીઓના સીઇઓ એન્જિનિયરિંગ અથવા આઇવી લીગ મેનેજમેન્ટ બેકગ્રાઉન્ડ ધરાવતા હોય છે, પરંતુ કુણાલ શાહની શૈક્ષણિક સફર સાવ અલગ અને રસપ્રદ હોવાથી સોશિયલ મીડિયા પર યુઝર્સમાં તે ભારે ચર્ચાનો વિષય બની છે:
• નાની ઉંમરે આર્થિક સંઘર્ષ: ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા કુણાલ શાહે નાની ઉંમરે ઘરની આર્થિક તંગીને કારણે પાઇરેટેડ સીડી વેચવી, સાયબર કાફે ચલાવવું અને મહેંદીના કોન વેચવા જેવા સામાન્ય કામો પણ કર્યા હતા. આ જ કારણોસર તેઓ પરંપરાગત એન્જિનિયરિંગનો અભ્યાસ કરી શક્યા નહોતા.
• ફિલોસોફીના સ્ટુડન્ટ: અમદાવાદમાં જન્મેલા અને મુંબઈમાં ઉછરેલા 43 વર્ષીય કુણાલ શાહે મુંબઈની વિલ્સન કોલેજમાંથી ફિલોસોફીમાં બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી.
• અધૂરું MBA: ત્યારબાદ તેમણે નરસી મોંજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (NMIMS)માં MBAમાં પ્રવેશ લીધો, પરંતુ માત્ર 1 જ વર્ષમાં અભ્યાસ અધૂરો છોડીને પ્રાયોગિક અનુભવ તરફ આગળ વધવાનું પસંદ કર્યું. તેમણે અગાઉ એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, “હું મારી પ્રતિષ્ઠા બચાવવા ડરતો નહોતો. હું ભૂલો કરવા અને તેમાંથી શીખવા તૈયાર હતો.”
FreeChargeથી CRED સુધીની અદ્ભુત બિઝનેસ સફર
• FreeChargeનું મોટું એક્ઝિટ: 2010માં તેમણે ડિજિટલ પેમેન્ટ અને મોબાઇલ રિચાર્જ પ્લેટફોર્મ FreeChargeની સહ-સ્થાપના કરી. 2015માં Snapdealએ તેને આશરે $400થી $450 મિલિયનમાં ખરીદી લીધું હતું, જે તે સમયના ભારતના સૌથી મોટા સ્ટાર્ટઅપ એક્ઝિટ્સમાંનું એક હતું.
• CREDની સ્થાપના (2018): ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવનાર પ્રીમિયમ યુઝર્સને રિવોર્ડ આપવાના આઈડિયા સાથે શરૂ થયેલી આ કંપની આજે લોન, પેમેન્ટ્સ, ઈ-કોમર્સ, ઇન્સ્યોરન્સ અને વેલ્થ મેનેજમેન્ટ સુધી વિસ્તરી છે. હાલમાં CRED પાસે 1.7 કરોડ સક્રિય યુઝર્સ છે અને ભારતના 40%થી વધુ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ્સ આ પ્લેટફોર્મ મારફતે થાય છે.
• રોકાણકાર તરીકે: તેઓ Razorpay, Unacademy, Spinny સહિતના અગ્રણી સ્ટાર્ટઅપ્સમાં એન્જલ ઇન્વેસ્ટર અને માર્ગદર્શક પણ રહ્યા છે.
માર્ક ઝુકરબર્ગ અને કુણાલ શાહના સત્તાવાર નિવેદનો
મેટાના સ્થાપક માર્ક ઝુકરબર્ગે કુણાલ શાહ પર ભરોસો મૂકતા જણાવ્યું કે, “કુણાલે CREDને ભારતની સૌથી મહત્વપૂર્ણ ટેક્નોલોજી કંપનીઓમાંની એક બનાવી છે. તેમની પાસે કંઈ પણ પ્રોડ્યુસ કરવાની વિચારસરણી અને વૈશ્વિક દ્રષ્ટિકોણ છે, જે વિશ્વની સૌથી મોટી મેસેજિંગ એપ ચલાવવામાં ઉપયોગી સાબિત થશે. અબજો લોકો અને લાખો વ્યવસાયો માટે વોટ્સએપને શ્રેષ્ઠ સેવા બનાવવા હું કુણાલ સાથે કામ કરવા આતુર છું.”
કુણાલ શાહ આગામી ઓગસ્ટ મહિનાથી વર્તમાન હેડ વિલ કેથકાર્ટનું સ્થાન લેશે, જેઓ 2019થી વોટ્સએપનું નેતૃત્વ કરી રહ્યા હતા. વિલ કેથકાર્ટ હવે મેટા કંપનીમાં કન્ઝ્યુમર AI પ્રોડક્ટ્સ વિભાગના હેડ તરીકે નવી ભૂમિકા સંભાળશે.
નવી જવાબદારી અંગે કુણાલ શાહે જણાવ્યું, “હું વૈશ્વિક સ્તરે વોટ્સએપનું નેતૃત્વ કરવા ઉત્સુક છું. ભલે પ્લેટફોર્મે મોટું કદ મેળવ્યું છે, પણ તેની વાસ્તવિક ક્ષમતા હજુ ઘણી વિશાળ છે. મેટા કંપની CREDમાં એક માઇનોરિટી ઇન્વેસ્ટર તરીકે જોડાઈ રહી છે અને સભ્યોના પર્સનલ ડેટા સુધી તેમની કોઈ એક્સેસ રહેશે નહીં. હું સીઈઓ તરીકેની ઓપરેશનલ ભૂમિકામાંથી મુક્ત થઈ રહ્યો છું, પરંતુ શેરહોલ્ડર તરીકે CRED સાથે જોડાયેલો રહીશ.” CREDના કર્મચારીઓને મોકલેલા સંદેશમાં તેમણે ઉમેર્યું કે, “હું હજુ પણ તમારી પાસેથી તમારા હાલના સ્વરૂપ કરતાં 10 ગણા વધુ સારું બનવાની અપેક્ષા રાખું છું.”
મેટાએ કુણાલ શાહ પર જ કેમ દાવ ખેલ્યો?
વૈશ્વિક સ્તરે વોટ્સએપ પાસે હાલમાં દર મહિને 3.3 બિલિયન (330 કરોડ)થી વધુ એક્ટિવ યુઝર્સ છે. મેટાના ટોચના એક્ઝિક્યુટિવ્સ કુણાલ શાહની 'કન્ઝ્યુમર સાયકોલોજી'થી પ્રભાવિત હતા. વોટ્સએપનું યુઝર બેઝ ઘણું મોટું છે, પરંતુ તેનું કમાણીનું મોડલ મર્યાદિત છે. ફિનટેક જગતનો કુણાલ શાહનો અનુભવ હવે વોટ્સએપ બિઝનેસઅને ડિજિટલ પેમેન્ટ્સ દ્વારા કમાણીના નવા વૈશ્વિક રસ્તાઓ ખોલવામાં ચાવીરૂપ સાબિત થશે.
CRED-મેટા ડીલને લઈને કેમ સેવાઈ રહી છે ચિંતા?
નવી દિલ્હીની એક સંસ્થા Global Trade Research Initiative (GTRI)એ આ ડીલ અને ભારતીય ડેટા પર અમેરિકન ટેક કંપનીઓના વધી રહેલા નિયંત્રણ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે:
1. અમેરિકન કંપનીઓનું વધતું વર્ચસ્વ: GTRIના સ્થાપક અજય શ્રીવાસ્તવાએ જણાવ્યું કે ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ પર અમેરિકન કંપનીઓ હાવી થઈ રહી છે. Walmart પાસે PhonePeમાં આશરે 72% હિસ્સો છે, Google પાસે Google Pay છે અને મેટા પાસે વોટ્સએપ Pay છે. CREDમાં મેટાનું નવું રોકાણ આ પ્રભાવને વધુ મજબૂત બનાવશે.
2. ડેટા સિક્યોરિટી અને AIનું જોખમ: CRED પાસે ભારતના પ્રીમિયમ ગ્રાહકોનો અતિ મૂલ્યવાન નાણાકીય ડેટા છે. GTRI એ આશંકા વ્યક્ત કરી છે કે ભલે હાલમાં મેટાને ડેટાની સીધી એક્સેસ ન હોય, પરંતુ ભવિષ્યમાં આ નાણાકીય ડેટાનો ઉપયોગ મેટાના વૈશ્વિક AI મોડલ્સને ટ્રેનિંગ આપવા માટે થઈ શકે છે.
3. ભારતીય માલિકીનો અભાવ: સંસ્થાએ અફસોસ વ્યક્ત કર્યો છે કે ઘણી ભારતીય ફિનટેક કંપનીઓ લાંબા ગાળાની ભારતીય માલિકીની ડિજિટલ ચેમ્પિયન કંપનીઓ ઊભી કરવા કરતાં વિદેશી ખરીદદારોને વેચાવા માટે વધુ રસ દાખવી રહી છે.









