Get The App

સુપર કમ્પ્યુટરની દુનિયામાં ચીનનો ડંકો: ‘લાઇનશાઇન’ બન્યું વિશ્વમાં સૌથી શક્તિશાળી, અમેરિકાને પછાડ્યું

Updated: Jun 24th, 2026

GS TEAM

Google News
Google News
સુપર કમ્પ્યુટરની દુનિયામાં ચીનનો ડંકો: ‘લાઇનશાઇન’ બન્યું વિશ્વમાં સૌથી શક્તિશાળી, અમેરિકાને પછાડ્યું 1 - image

China Became Number One in SuperComputer: સુપર કમ્પ્યુટરની દુનિયામાં ચીને એક મોટી અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ચીનના શેનઝેન શહેરમાં આવેલા નેશનલ સુપર કમ્પ્યુટિંગ સેન્ટરમાં સ્થાપિત ‘લાઇનશાઇન’ સુપર કમ્પ્યુટર વિશ્વના સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યુટરોની TOP500 રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. આ સાથે જ વર્ષ 2017 પછી પહેલીવાર કોઈ ચીની કમ્પ્યુટરે આ વૈશ્વિક યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ચીનના આ કમ્પ્યુટરે અત્યાર સુધી નંબર-1 પર રહેલા અમેરિકાના ‘એલ કેપિટન’ સુપર કમ્પ્યુટરને પાછળ છોડી દીધું છે, જે હવે બીજા ક્રમે આવી ગયું છે.

પ્રતિ સેકન્ડ 2 ક્વિન્ટિલિયનથી વધુ ગણતરીઓ

મંગળવારે જાહેર થયેલી TOP500ની તાજી યાદીમાં ‘લાઇનશાઇન’ સુપર કમ્પ્યુટરને પહેલીવાર સામેલ કરવામાં આવ્યું છે અને તે સીધું જ પ્રથમ સ્થાને પહોંચ્યું છે. આ સુપર કમ્પ્યુટરની ક્ષમતા 2.198 Exaflopsની ઝડપે કાર્ય કરવાની છે. સરળ ભાષામાં કહીએ તો, આ કમ્પ્યુટર માત્ર 1 સેકન્ડમાં 2 ક્વિન્ટિલિયનથી પણ વધુ ગણતરીઓ કરી શકે છે (એટલે કે 2ની પાછળ 18 શૂન્ય લાગે એટલી મોટી સંખ્યાની ગણતરીઓ પ્રતિ સેકન્ડ થાય છે).

ટોપ-5 માં કોણ કયા સ્થાને?

વૈશ્વિક સ્તરે કોઈ પણ દેશની ટેકનોલોજીકલ ક્ષમતા માપવા માટે TOP500 રેન્કિંગને મુખ્ય માપદંડ માનવામાં આવે છે. હાલમાં વિશ્વમાં માત્ર 5 સુપર કમ્પ્યુટર્સને જ સત્તાવાર રીતે ‘એક્સાસ્કેલ’ એટલે કે સૌથી ઝડપી શ્રેણી માનવામાં આવ્યા છે, જેની યાદી નીચે મુજબ છે:

• પ્રથમ સ્થાન: લાઇનશાઇન (ચીન, શેનઝેન નેશનલ સુપરકમ્પ્યુટિંગ સેન્ટર)

• બીજું સ્થાન: એલ કેપિટન (અમેરિકા, કેલિફોર્નિયાની લોરેન્સ લિવરમોર નેશનલ લેબોરેટરી)

• ત્રીજું અને ચોથું સ્થાન: અમેરિકાના જ બે અન્ય સુપર કમ્પ્યુટર્સ (ટેનેસી અને ઇલિનોયની નેશનલ લેબોરેટરીઝમાં સ્થાપિત)

• પાંચમું સ્થાન: જ્યુપિટર (જર્મની)

આ પણ વાંચો: સાવધાન! GTA VIનું કોઈ બીટા ટેસ્ટિંગ શરૂ નથી થયું, ફેક લિંક્સથી થઈ શકે છે મોટું આર્થિક નુકસાન

GPU નહીં, માત્ર CPUના દમ પર મેળવી સિદ્ધિ

ચીનના આ સુપર કમ્પ્યુટરની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે તે સામાન્ય કમ્પ્યુટર ચિપ એટલે કે CPU પર કાર્ય કરે છે. સામાન્ય રીતે આજના સમયમાં વિશ્વના મોટાભાગના ઝડપી સુપર કમ્પ્યુટર્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંબંધિત જટિલ કાર્યો માટે GPU ચિપનો ઉપયોગ કરે છે. જોકે ચીને માત્ર CPUના શ્રેષ્ઠ કન્ફિગરેશનના આધારે આ અશક્ય સિદ્ધિ મેળવી બતાવી છે. TOP500ના રિપોર્ટ અનુસાર, આ વિશાળ સુપર કમ્પ્યુટરને ચલાવવા માટે આશરે 42.2 MW વીજળીની જરૂર પડે છે.