17.33 લાખ કરોડની સંપત્તિ ધરાવનાર 3 વ્યક્તિ ડિનર પર જાય ત્યારે શું થાય એ જુઓ…

3 Billionaires Having Dinner: સાઉથ કોરિયાના સીઓલમાં ત્રણ બિલિયોનેર જ્યારે ડિનર માટે ગયા ત્યારે તેમણે ત્યાં હાજર દરેક વ્યક્તિનું બિલ ચૂકવી દીધું હતું. મોટા ભાગે આ રીતે બિલિયોનેર જ્યારે જતાં હોય ત્યારે તેઓ સંપૂર્ણ રેસ્ટોરાં બુક કરી દેતા હોય છે. જોકે આ બિલિયોનેરની વાત થોડી અલગ છે. તેમણે ત્યાં સામાન્ય લોકો સાથે ડિનર કર્યું હતું અને દરેકનું બિલ પણ ચૂકવ્યું હતું.
કોણ છે આ બિલિયોનેર?
NVIDIA કંપનીના સીઇઓ જેનસેન હુઆંગ, સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના ચેરમેન લી જે-યોંગ અને હ્યુન્ડાઈ મોટર ગ્રુપના એક્ઝિક્યુટિવ ચેરમેન યુંગ ઇયુ-સન એક સાથે ડિનર પર ગયા હતા. આ ત્રણેય બિલિયોનેર છે અને મોટી-મોટી કંપનીઓ ચલાવે છે. તેઓ સાઉથ કોરિયાના ગ્યોંગજુમાં APEC સમિટમાં હાજરી આપવા જઈ રહ્યા છે. આ સમિટ પહેલાં ત્રણેય સાથે મળીને ડિનર કરવાનું નક્કી કર્યું હતું.
17.33 લાખ કરોડ રૂપિયાની મિલકત
આ ત્રણેય બિલિયોનેરની સંપત્તિ અંદાજે 195.3 બિલિયન અમેરિકન ડોલર છે. એટલે કે અંદાજે 17.33 લાખ કરોડ રૂપિયા છે. AIની ચિપ માટે NVIDIA ખૂબ જ જાણીતું છે. સેમસંગ તેના ફોનની સાથે ટીવી અને ફ્રીઝ માટે પણ જાણીતી છે. હ્યુન્ડાઈ મોટર્સ દુનિયાભરમાં તેની કાર માટે ફેમસ છે. આ ત્રણેય ફેમસ વ્યક્તિ જ્યારે ડિનર માટે ગયા હતા ત્યારે તેમણે લોકોની સાથે વાતચીત પણ કરી હતી અને રેસ્ટોરાંમાં હાજર દરેકનું બિલ પણ ચૂકવ્યું હતું.
શું ખાધું હતું?
જેનસેન હુઆંગ, લી જે-યોંગ અને યુંગ ઇયુ-સન સાઉથ કોરિયાના ખૂબ જ જાણીતા ચિકન રેસ્ટોરાં કાન્બુ ચીકનમાં ગયા હતા. કોરિયન ભાષામાં કાન્બુનો અર્થ થાય છે ક્લોઝ ફ્રેન્ડ એટલે કે બેસ્ટફ્રેન્ડ. આ ત્રણેય ક્લોઝ ફ્રેન્ડ રેસ્ટોરાંમાં જઈને ચીઝ બોલ્સ, ચીઝ સ્ટિક્સ, બોનલેસ ચિકન અને ફ્રાઇડ ચિકન ખાધું હતું. આ વિશે જેનસેન હુઆંગે તેમને જોઈને લાઇવ-સ્ટ્રીમ કરનાર સામે કહ્યું હતું કે ‘મને મારા ફ્રેન્ડ્સ સાથે બીયર અને ફ્રાઇડ ચિકન ખાવું પસંદ છે. આથી અમારા માટે કાન્બુ એકદમ ઉત્તમ પસંદગી છે, ખરુંને?’
આ પણ વાંચો: ‘AI પસંદગી નહીં જરૂરિયાત છે’, જાણો આવું કેમ કહ્યું સુંદર પિચાઈએ…
લોકોને ઓફર કર્યું હતું ચિકન
ત્રણેય વ્યક્તિએ હોટલની અંદર હાજર દરેકના બિલ ચૂકવી દીધા હતા. તેમ જ તેઓ જ્યારે બહાર આવ્યા ત્યારે ફ્રાઇડ ચિકન સાથે આવ્યા હતા. આ સમયે જેનસેન હુઆંગે કહ્યું કે ‘ચિકન વિંગ ખૂબ જ સારા હતા. શું અહીં તમે પહેલાં આવ્યા છો ખરા? એકદમ અદ્ભુત ભોજન હતું. અમારી પાસે ફ્રાઇડ ચિકન છે કોઈને જોઈએ છે?’

