Get The App

એપલની નવી ટૅક્નોલૉજી: 40Wનું એડેપ્ટર આઇફોન 17ને 60W દ્વારા કેવી રીતે ચાર્જ કરશે? જાણો માહિતી…

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
એપલની નવી ટૅક્નોલૉજી: 40Wનું એડેપ્ટર આઇફોન 17ને 60W દ્વારા કેવી રીતે ચાર્જ કરશે? જાણો માહિતી… 1 - image


Apple 40W Adapter New Technology: એપલ દ્વારા આઇફોન 17 સિરીઝની સાથે 40Wનું ડાયનામિક પાવર એડેપ્ટર પણ લોન્ચ કર્યું છે. આ એડેપ્ટરમાં એક નવી ટૅક્નોલૉજી છે અને એના દ્વારા એ આઇફોન 17 સિરીઝને 60W દ્વારા ચાર્જ કરી શકે છે. આ માટે એપલ દ્વારા કટીંગ-એજ ચાર્જિંગ ટૅક્નોલૉજી બનાવવામાં આવી છે. આ નાના ગેલિયમ નાઇટ્રાઇડ ચાર્જર દુનિયાનું પહેલું ચાર્જર છે જેમાં USB પાવર ડિલિવરી 3.2 AVS (એડજસ્ટેબલ વોલ્ટેજ સપ્લાય) પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

AVS કેમ સ્પેશ્યલ છે?

AVS પ્રોટોકોલની મદદથી ચાર્જર આઉટપુટ વોલ્ટેજને પોતાની રીતે એડજસ્ટ કરી શકે છે અને એ પણ એકદમ નાના-નાના સ્ટેપમાં. આ ચાર્જર 9Vથી લઈને 20V સુધી વોલ્ટેજમાં વધારો કરી શકે છે. એનો અર્થ એ થયો કે આઇફોન 17ને જે સમયે જેટલો પાવર જોઈએ હોય એટલો આપી શકાય છે. એના કારણે એની ચાર્જ કરવાની ક્ષમતામાં વધારો થશે, ગરમી ઓછું થશે તેમ જ જેવો ચાર્જમાં મૂક્યો કે એ સ્પીડમાં ચાર્જ થવાનું શરુ થઈ જશે.

અત્યારના ચાર્જરમાં ફિક્સ વોલ્ટેજનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ જ બેટરી જેમ-જેમ ફુલ થતી જાય એમ એના વોલ્ટેજ ઓછા કરવામાં આવે છે જેથી બેટરીની લાઇફ વધારી શકાય. આથી AVSને કારણે હવે એમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે આઇફોનને શરુઆતમાં વધુ પાવરની જરુર હોવાથી વધુ વોલ્ટેજ આપવામાં આવશે અને એ ફુલ થતાં એમાં ઘટાડો કરવામાં આવશે. આથી બેટરીની સેફ્ટી સાથે કોઈ ચેડાં કરવામાં નથી આવ્યાં. આઇફોન 17 સિરીઝમાં બિલ્ટ-ઇન ચાર્જ પમ્પ આપવામાં આવ્યો છે જે AVSને સપોર્ટ કરશે અને વધુ પાવરને ગ્રહણ કરી શકશે.

60Wનું રહસ્ય શું છે?

એપલ દ્વારા આ ચાર્જરને 40Wનું કહેવામાં આવી રહ્યું છે. જોકે એપલનું આ એડેપ્ટર પાવર ડિલિવરી 3.2 ફીચરની મદદથી 18 મિનિટ માટે 60Wનો પાવર આપશે. આ 18 મિનિટને પીક કરન્ટ ફીચર કહેવામાં આવી રહ્યું છે. આઇફોન 17થી લઈને આઇફોન 17 પ્રો મેક્સ સુધીના તમામ વર્ઝનના આઇફોનને ઝીરો થી લઈને 50 ટકા સુધી ફક્ત 20 મિનિટમાં ચાર્જ કરી શકાશે. આઇફોનમાં અત્યાર સુધીનું આ સૌથી ફાસ્ટ વાયર ચાર્જિંગ છે. 18 મિનિટ બાદ આ ચાર્જર ફરી 40W પર કામ કરતું થઈ જશે. એના કારણે આઇફોન ઓવરહીટિંગથી દૂર રહેશે અને બેટરીની પણ લોંગ લાઇફ રહેશે.

એપલની નવી ટૅક્નોલૉજી: 40Wનું એડેપ્ટર આઇફોન 17ને 60W દ્વારા કેવી રીતે ચાર્જ કરશે? જાણો માહિતી… 2 - image

મોટી ડિવાઇસ માટે નથી આ એડેપ્ટર

આ એડેપ્ટરને આઇફોન 17 સિરીઝ માટે બનાવવામાં આવ્યું છે. એને મેકબૂક પ્રો અથવા તો એના જેવા અન્ય ડિવાઇસ માટે નથી બનાવવામાં આવ્યું. મોટી ડિવાઇસ વધુ વોલ્ટેજ માગી લેતી હોય છે, પરંતુ આ એડેપ્ટર ફક્ત 18 મિનિટ માટે જ 60Wનો પાવર આપે છે. આથી અન્ય ગેજેટ્સ માટે એ ઉપયોગી નથી.

શું છે પાવર ડિલિવરી 3.2?

USB પાવર ડિલિવરી 3.2ને 2024ના અંત દરમ્યાન લોન્ચ કરવામાં આવ્યું હતું. પાવર ડિલિવરી 3.1 કરતાં 3.2માં ખૂબ જ મોટો મેજર બદલાવ હતો. એડજસ્ટેબલ વોલ્ટેજ સ્ટેપને કારણે ડિવાઇસ સ્વસ્થ રહેતાંની સાથે ગરમી પણ ઓછી થાય છે. આ સાથે જ સપોર્ટ હોય એ મોબાઇલને પીક પાવર પર્ફોર્મન્સ આપે છે જેથી ઓછા સમયમાં જલદી ચાર્જ થાય.

આ પણ વાંચો: સૂર્યની જ્વાળાઓમાં 60 મિલિયન ડિગ્રીનું તાપમાન : સ્પેક્ટ્રલ લાઇનોના પહોળા થવાનું કારણ પણ મળ્યું

ચાર્જિંગ ટિપ્સ

મોટાભાગના ચાર્જર હવે USB-C થઈ ગયા છે. આથી હવે ઓછામાં ઓછું 3A સપોર્ટ કરતાં કેબલ હોવા જરુરી છે. 60W ચાર્જરનો ઉપયોગ કરવો હોય તો 5A રેટેડ કેબલ હોવો જરુરી છે. ચાર્જ કરતી વખતે મોબાઇલનો ઉપયોગ કરવાનું ટાળવું, ખાસ કરીને ગેમ રમવું અથવા તો ફિલ્મ જોવું. વાયર ચાર્જિંગનો ઉપયોગ કરવો કારણ કે વાયરલેસ કરતાં એ વધુ ઝડપથી ચાર્જ થાય છે. એપલના આ ચાર્જરની કિંમત અમેરિકામાં 39 ડૉલર છે. ભારતમાં હજી સુધી આ એડેપ્ટર લોન્ચ કરવામાં નથી આવ્યું. ભારતમાં 30Wના એડેપ્ટરની કિંમત 3,800 રુપિયા છે. તેમ જ 35W ડબલ USB-C સ્લોટની કિંમત 5,800 રુપિયા છે.

Tags :