Get The App

ઈન્ડિયન અમેરિકને સિંગાપોરમાં પ્રાઈવેટ આઈલેન્ડ ખરીદ્યો; દુનિયાભરના ટેક્નોલોજિસ્ટ માટે નવો દેશ ‘નેટવર્ક સ્ટેટ’ બનાવશે

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
ઈન્ડિયન અમેરિકને સિંગાપોરમાં પ્રાઈવેટ આઈલેન્ડ ખરીદ્યો; દુનિયાભરના ટેક્નોલોજિસ્ટ માટે નવો દેશ ‘નેટવર્ક સ્ટેટ’ બનાવશે 1 - image


Know Balaji Srinivasan Wanted to Build Tech Nation : બાલાજી શ્રીનિવાસન એક જાણીતા ઇન્ડિયન-અમેરિકન ટેક્નોલોજીના નિષ્ણાત છે. તેઓ હવે તેમના સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ નેટવર્ક સ્ટેટ બનાવવા જઈ રહ્યા છે. નેટવર્ક સ્ટેટ એટલે કે જ્યાં દરેક વ્યક્તિ ટેક્નોલોજી સાથે સંકળાયેલા હશે. એક રીતે જોવા જઈએ તો ટેક્નોલોજીથી ભરપૂર દેશ. તેમણે સિંગાપોરની આસપાસ એક પ્રાઇવેટ આઇલેન્ડ ખરીદ્યો છે અને ત્યાં એક ડિજિટલ કોમ્યુનિટી બનાવી રહ્યા છે. નેટવર્ક સ્ટેટ બનાવવા માટે તેમણે પહેલાં નેટવર્ક સ્કૂલની શરૂઆત કરી છે. એ માટે તેમને દુનિયાભરના ટેક્નોલોજિસ્ટ, આંતરપ્રિન્યોરઅને ફાઉન્ડર્સનો સપોર્ટ મળી રહ્યો છે.

પ્રાઇવેટ આઇલેન્ડ પર નેટવર્ક સ્ટેટ બનાવી રહેલ મૂળ ભારતીય વ્યક્તિ છે કોણ?

બાલાજી શ્રીનિવાસને ઘણી કંપનીઓ શરૂ કરી છે. તેઓ કોઇનબેઝ કંપનીના ભૂતપૂર્વ CTO અને કાઉન્સિલ ઇન્કના કો-ફાઉન્ડર છે. તેમણે ‘ધ નેટવર્ક સ્ટેટ’ નામની એક બુક લખી છે. એમાં તેમણે તેમના સપના વિશે વાતો પણ કરી છે. તેમના આ વિઝનને હવે તેઓ પૂરું કરવા માટે જઈ રહ્યા છે. બાલાજી શ્રીનિવાસનનું કહેવું છે કે એક સરખી માન્યતા ધરાવતા લોકોની ઑનલાઇન કમ્યુનિટી હોય છે. આથી તેઓ હવે પહેલો ડિજિટલ નેશન બનાવવા માગે છે જ્યાં તેમની જેવી વિચારધારા ધરાવનાર લોકોની સર્વસત્તા હોય. આ માટે તેમની પાસે જગ્યા હોવી જરૂરી છે. આથી જ તેમણે હવે આઇલેન્ડ ખરીદી ત્યાં એક દેશ બનાવવાનું નક્કી કર્યું છે.

નેટવર્ક સ્કૂલનો ફાયદો કોને થશે અને આ પ્રયોગનો લાભ કોણ લઈ શકશે?

નેટવર્ક સ્કૂલની શરૂઆત 2024ના સપ્ટેમ્બરમાં થઈ હતી. આ એક ત્રણ મહિનાનો રેસિડેન્શિયલ પ્રોગ્રામ હતો જેમાં પર્સનલ, ફિઝિકલ અને પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ સ્કૂલના વિદ્યાર્થીઓ રોજ સવારે ઉઠીને જીમ જતાં, કસરત કરતાં અને ત્યાર બાદ સ્કૂલમાં જતાં. ત્યાં જઈને તેમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેક્નોલોજી, બ્લોકચેન અને આંતરપ્રિન્યોરશિપ વિશે શીખવવામાં આવતું હતું. આ સ્કૂલમાં એડમિશન લેનાર નિક પીટરસન દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને નેટવર્ક સ્કૂલ વિશે માહિતી આપવામાં આવી છે. તેણે કહ્યું છે કે જીમના ચાહકો અને સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ માટે આ એક સ્વર્ગ જેવું છે.

ઈન્ડિયન અમેરિકને સિંગાપોરમાં પ્રાઈવેટ આઈલેન્ડ ખરીદ્યો; દુનિયાભરના ટેક્નોલોજિસ્ટ માટે નવો દેશ ‘નેટવર્ક સ્ટેટ’ બનાવશે 2 - image

શું છે આ નેટવર્ક સ્કૂલ?

આ એક એવી જગ્યા છે જ્યાં કોઈ એક ક્ષેત્ર કે એક સરખી વિચારસરણી ધરાવતા લોકો એક સાથે રહે છે. તેઓ બ્લોકચેન, ટેક્નોલોજી અને AIને લગતી માહિતી અને નવા-નવા આઇડિયાની આપ-લે કરે છે. તેમના જ્ઞાનને એકમેક સાથે શેર કરે છે. જેમ કે કોઈ ટ્રાવેલ ગ્રૂપ અથવા ફોટોગ્રાફી ગ્રૂપ કામ કરે છે તેમ, આ ગ્રૂપ પણ એ જ રીતે કાર્ય કરે છે. જોકે તેઓ સાથે રહીને કરે છે, માત્ર સોશિયલ મીડિયા પર નહીં.

નેટવર્ક સ્કૂલમાં કેટલી હશે ફી?

આ સ્કૂલમાં રહેવા માટે એટલે કે એડમિશન લેવા માટે ફી ચૂકવવી પડે છે. આ વિશે બાલાજી શ્રીનિવાસને X પર પોસ્ટમાં કહ્યું કે ‘ધી નેટવર્ક સ્કૂલ માટે અમારી પાસે એક આઇલેન્ડ છે. આ સાચી વાત છે. બિટકોઇનની મદદથી અમે સિંગાપોરની નજીક એક આઇલેન્ડ ખરીદ્યો છે. અહીં અમે નેટવર્ક સ્કૂલ બનાવી છે. અમે એક ટ્રાયલ કરી રહ્યાં છે જે 90 દિવસ માટેનો છે. 23 સપ્ટેમ્બરથી લઈને 23 ડિસેમ્બર સુધી આ પ્રોગ્રામ ચાલશે. રૂમમેટ સાથે રહેવા માટે મહિનાનું ભાડું એક હજાર અમેરિકન ડોલર છે. એકલા રહેવું હોય તો મહિનાનું ભાડું 2000 અમેરિકન ડોલર છે. મુલાકાતીઓ માટે પણ અમે એક દિવસનો પાસ રાખ્યો છે.’

નેટવર્ક સ્કૂલ કઈ બાબત પર ધ્યાન આપશે?

નેટવર્ક સ્કૂલ મુખ્ય ત્રણ બાબત પર ધ્યાન આપશે. જોકે એ બાબતને સત્ય, હેલ્થ અને વેલ્થ સાથે સાંકળવામાં આવી છે. આ સાથે ઇન્ટરનેટની દુનિયામાં લોકશાહી કેવી હશે એ વિશે પણ વાત કરવામાં આવશે. આ સ્કૂલના વિદ્યાર્થીઓ સૌથી પહેલાં ફિઝિકલ ફિટનેસ પર ધ્યાન આપશે. અહીં તેઓ રોજિંદી કસરત કરશે જેથી તેમનું શરીર અને દિમાગ બન્ને વચ્ચે સંતુલન જળવાઈ રહે. બીજી બાબત એ છે કે તેઓ ટેક્નોલોજીનું એજ્યુકેશન આપશે. એમાં વિદ્યાર્થીને AI, બ્લોકચેન અને સ્ટાર્ટઅપ ઇનોવેશન માટે સ્પેશ્યલ ક્લાસ રાખવામાં આવશે. ત્રીજી બાબત છે નેટવર્ક સ્ટેટને વાસ્તવિક બનાવવી. ડિજિટલ સોસાયટીને વાસ્તવિક બનાવવા માટે દરેક વિદ્યાર્થી અને દરેક બાબત પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે.

ઈન્ડિયન અમેરિકને સિંગાપોરમાં પ્રાઈવેટ આઈલેન્ડ ખરીદ્યો; દુનિયાભરના ટેક્નોલોજિસ્ટ માટે નવો દેશ ‘નેટવર્ક સ્ટેટ’ બનાવશે 3 - image

બાલાજી શ્રીનિવાસનનું એજ્યુકેશન શું છે?

બાલાજી શ્રીનિવાસનનો જન્મ 1980ની 24 મેના રોજ ન્યુ યોર્કમાં થયો હતો. તેઓ મૂળ તમિલનાડુના છે. તેમણે સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીમાંથી તેમની BS, MS અને PhD ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં કરી હતી. કેમિકલ એન્જિનિયરિંગમાં પણ તેમણે MS કર્યું હતું.

આ પણ વાંચો: ડ્રોન ખરીદતા પહેલાં નિયમો જાણી લો, નહીં તો પૈસાનું પાણી થવાની સાથે ધરપકડ પણ થઈ શકે છે

તેમણે જિનેટિક ટેસ્ટિંગ કંપની કાઉન્સિલની શોધી હતી અને 2018માં 375 મિલિયનમાં એને વેચી દીધી હતી. ત્યાર બાદ તેઓ ઘણાં સ્ટાર્ટઅપ્સના કો-ફાઉન્ડર રહી ચૂક્યા છે, જેમાં 21 ઇન્ક, ટેલેપોર્ટ અને કોઇન સેન્ટરનો પણ સમાવેશ થાય છે. તેઓ કોઇનબેઝના CTO પણ રહી ચૂક્યા છે. તેઓ એન્ડ્રીસેન હોઈરૉવિટ્ઝના જનરલ પાર્ટનર પણ રહી ચૂક્યા છે. 2024માં તેમણે એશિયાના સાઉથઈસ્ટમાં નેટવર્ક સ્કૂલની શરૂઆત કરી હતી. તેઓ હાલમાં દુબઈ, ટોક્યો અને માયામીમાં કેમ્પસ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ માટે તેમને કેટલાક માણસની જરૂર છે.

આથી જોબ વિશેની પોસ્ટમાં બાલાજી શ્રીનિવાસને પોસ્ટ કર્યું હતું કે ‘અમે રિમોટ વર્કર, ડિજિટલ ક્રિએટર્સ, પર્સનલ ટ્રેઇનર્સ અને ડેવલપર્સની શોધમાં છીએ. એવા લોકો જેઓ ક્રિપ્ટોમાં કમાણી કરવા માગે, કંઈ નવી વસ્તુ બનાવવામાં જેમને રસ હોય, હેલ્ધી રહેવા અને મસ્તીમાં જેને પણ રસ હોય તેમની અમે શોધ કરી રહ્યા છીએ.’



Tags :