ડ્રોન ખરીદતા પહેલાં નિયમો જાણી લો, નહીં તો પૈસાનું પાણી થવાની સાથે ધરપકડ પણ થઈ શકે છે
Drone Rules: ડ્રોન ઉડાડવા માટે હવે ભારત સરકારે નિયમમાં ઘણાં બદલાવ કર્યા છે. જો એને અનુસરવામાં નહીં આવે તો ડ્રોનના પૈસા પાણીમાં જશે અને અરેસ્ટ પણ કરવામાં આવી શકે છે. ડ્રોનનો ઉપયોગ ફોટોગ્રાફી, ફિલ્મ મેકિંગ, ખેતી, સર્વેલન્સ, સિક્યોરિટી અને લોજિસ્ટિક માટે પણ કરવામાં આવે છે. જોકે ડ્રોન ઉડાવવા માટે ભારતમાં હવે નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે. એનું પાલન કરવું હવે ખૂબ જ જરૂરી છે. જો ડ્રોન ખરીદવા માંગતા હો તો એ પહેલાં આ નિયમ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.
DGCA બનાવે છે નિયમ
ડ્રોન ઉડાવવા માટે ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન દ્વારા તમામ નિયમો નક્કી કરવામાં આવે છે. આ માટે 2021માં સરકાર દ્વારા ડ્રોન રુલ્સ 2021 બનાવવામાં આવ્યા હતા. એને વધુ સરળ અને સુરક્ષિત બનાવવા માટે એમાં બદલાવ કરવામાં આવ્યા છે.
કેટલા પ્રકારના ડ્રોન હોય છે?
નેનો ડ્રોન: આ ડ્રોનનું વજન 250 ગ્રામથી ઓછું હોય છે. 50 ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે. પ્રોફેશનલ ઉપયોગ ન હોય તો રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી.
માઇક્રો ડ્રોન: 250 ગ્રામથી લઈને 2 કિલોગ્રામ સુધીના ડ્રોન આ શ્રેણીમાં આવે છે. આ ડ્રોન 200 ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે. આ માટે રજિસ્ટ્રેશનની જરૂર છે.
સ્મોલ ડ્રોન: 2 કિલોગ્રામથી લઈને 25 કિલોગ્રામ સુધીના ડ્રોનનો એમાં સમાવેશ થાય છે. 400 ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે. આ માટે DGCA પાસેથી અનુમતિ લેવી જરૂરી છે.
મીડિયમ અને લાર્જ ડ્રોન: બિઝનેસ અને સુરક્ષાના કામ માટે આ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના ડ્રોન માટે ખાસ પરવાનગી લેવી પડે છે.
ડ્રોન ખરીદવા અને ઉડાવવા પહેલાં કઈ વાતનું ધ્યાન રાખશો?
આ માટે UDAN પોર્ટલ (ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ) પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ડ્રોન ઉડાવવા પહેલાં હવે યુઝરે સૌથી પહેલાં https://digitalsky.dgca.gov.in/ વેબસાઇટ પર જઈને ડ્રોન ઓપરેટર તરીકે રજિસ્ટ્રેશન કરવું પડશે. આ માટે ડ્રોનનો યુનિક આઇડેન્ટિફિકેશન નંબર લેવો પડશે. રજિસ્ટ્રેશન બાદ તમામ ડ્રોનને એક ડિજિટલ ટૅગ અથવા તો QR કોડ દ્વારા ઓળખ આપવી પડશે.
ક્યાં પરવાનગીની જરૂર છે અને ક્યાં નહીં?
ડ્રોન કયા પ્રકારનું છે એ અનુસાર પરવાનગીની જરૂર પડે છે. દરેક ડ્રોન ઉડાવવા માટે DGCA પાસે પરવાનગી લેવી પડે છે. આ માટે ડિજિટલ સ્કાય પોર્ટલ અથવા તો એપ્લિકેશન દ્વારા પરવાનગી લેવી પડશે. ઍરપોર્ટ, આર્મીના કેમ્પ, સંસદ ભવન, બોર્ડર અથવા તો ‘નો ડ્રોન’ જાહેર કરેલી દરેક જગ્યાએ ડ્રોન નહીં ઊડાવી શકાય.
ગ્રીન, યલો અને રેડ ઝોન
ભારતમાં ડ્રોન ઉડાવવા માટે એને ત્રણ ભાગમાં વેંચવામાં આવ્યા છે.
ગ્રીન ઝોન: ડ્રોન ઊડાવી શકાય છે, મોટાભાગે પરવાનગી લેવાની જરૂર નથી.
યલો ઝોન: DGCA પાસેથી પરવાનગી માગીને ઉડાવી શકાય છે.
રેડ ઝોન: સંપૂર્ણ પ્રતિબંધ છે. કોઈ પણ પ્રકારનું ડ્રોન એ વિસ્તારમાં નહીં લઈ જઈ શકાય.
રિમોટ પાયલટ સર્ટિફિકેટ
માઇક્રો અને એનાથી ઉપરના ડ્રોન માટે એને ઉડાવવા માટે લાયસન્સ લેવું જરૂરી છે. એ ફક્ત DGCA દ્વારા માન્ય ટ્રેનિંગ સ્કૂલ પાસેથી મેળવી શકાય છે.
ડ્રોન ઉડાવવા માટે કઈ સાવધાની રાખવી જરૂરી?
જાહેર જગ્યાએ ઉડાવતા સમયે એને લોકોથી દૂર રાખવું. રાત્રે ડ્રોન ઉડાવવા માટે પરવાનગી લેવી જરૂરી છે. ડ્રોન દ્વારા કોઈની પણ પ્રાઇવસીનો ભંગ ન કરવો. તેમ જ ડ્રોનમાં ફ્લાઇટ લૉગીંગ અને GPS ટ્રેકિંગ ફીચરને ઓન રાખવું. કોઈ પણ દુર્ઘટના અથવા તો સુરક્ષાનો નિયમ તૂટે ત્યારે DGCA અથવા તો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવી. ભારતમાં ઘણા ચાઇનીઝ ડ્રોનના મોડલ પર પ્રતિબંધ છે. ફટાકડા, હથિયાર અને જોખમી સામાન લઈ જવા માટે ડ્રોનનો ઉપયોગ ગુનો ગણાય છે. ડ્રોનનો ઉપયોગ જાસૂસી અને સૈન્ય પર નજર રાખવા માટે કરવો એ પણ ગુનો છે.
આ પણ વાંચો: મંગળ ગ્રહના પથ્થર પરથી થયો ખુલાસો, 100 મિલિયન વર્ષથી ત્યાં જીવન શક્ય નથી...
ડ્રોન ખરીદતાં પહેલાં કઈ વાતનું ધ્યાન રાખશો?
DGCA દ્વારા માન્ય હોય એ જ મોડલ ખરીદવું. ઘણી ચાઇનીઝ મોડલ પર બેન લગાવવામાં આવ્યો છે. ડ્રોનમાં GPS, એલ્ટિટ્યુડ કન્ટ્રોલ, કોલિઝન અવોઇડન્સ જેવા ફીચર્સ હોવા જરૂરી છે. ડ્રોન સાથે આવતાં સીરિયલ નંબર અને યુનિક આઇડીને સંભાળીને રાખવા. ડ્રોનની બેટરી ક્ષમતા અને ઉડાન સમય ચેક કરવો. ડ્રોનમાં પાર્ટ્સ બદલવાની સુવિધા હોવી જોઈએ.