GTA 6ની ભારતમાં શું કિંમત હશે? જાણો ગેમપ્લે, કેરેક્ટર અને નવા મેપ્સની A to Z માહિતી
GTA 6 Price and Gameplay: રોકસ્ટાર ગેમ્સ દ્વારા જ્યારે GTA 6નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, ત્યારથી તે ખૂબ જ ચર્ચામાં રહી છે. આ ગેમને આ વર્ષે મે મહિનામાં રિલીઝ કરવાનું પ્લાનિંગ હતું. જોકે એના ગ્રાફિક્સ કંપનીને ન ગમ્યા હોવાથી ગેમની ક્વોલિટી વધુ સુધારવા માટે એને એક વર્ષ લંબાવવામાં આવી હતી. આ ગેમ હવે 2026ની 26 મેએ રિલીઝ કરવામાં આવશે. આ ગેમને લઈને દરેકમાં ખૂબ જ ઉત્સુકતા છે.
આ ગેમને નાનાથી લઈને મોટા અને સામાન્ય વ્યક્તિથી લઈને સેલિબ્રિટીઝ દરેક વ્યક્તિ ખૂબ જ રમે છે. GTA 6 આ દાયકાની સૌથી મોટી ગેમ બનવા જઈ રહી છે એમાં બે મત નથી. GTA 6ના હાલમાં બે ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યા છે, એમાં તે દુનિયા ભરમાં ચર્ચાનો વિષય બની છે. ફક્ત ગેમના રસિયાઓ જ નહીં, પરંતુ ગેમ નહીં રમનારામાં પણ કૂતુહલ જાગ્યું છે. આ ગેમ સાથે સંકળાયેલા ઘણાં લોકો કહી રહ્યાં છે કે આ ગેમ રિલીઝ થતાંની સાથે જ ધૂમ મચાવી દેશે.
ભારત અને દુનિયાભરમાં શું હશે કિંમત?
GTA 6ના સ્ટાન્ડર્ડ વર્ઝનની કિંમત ભારતમાં ₹5,999 હોવાની શક્યતા છે. તેમ જ ડિલક્સ વર્ઝન ₹7,299 અને કલેક્ટર એડિશનની કિંમત ₹10,000થી વધુ હોવાની શક્યતા છે. દુબઈમાં આ ગેમની કિંમત AED 257 હોવાનું અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. યૂકેમાં એની કિંમત £69, અમેરિકામાં $60, કેનેડામાં $82 કેનેડિયન ડોલર હશે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ કિંમત અંદાજિત છે, પરંતુ ગેમની લોકપ્રિયતા વધી તો કંપની દ્વારા છેલ્લી ઘડીએ કિંમતમાં વધારો પણ કરવામાં આવી શકે છે. આ ગેમ લોન્ચ થયાના થોડા દિવસની અંદર $2 બિલિયન અમેરિકન ડોલરનો બિઝનેસ કરી લેશે એવી આશા રાખવામાં આવી રહી છે.
GTA 6ના પાત્રો અને મેપ્સ
GTA 6માં બે લીડ પાત્રો હશે એવી ચર્ચા છે. એમાં જેસન અને લુસિયાનો સમાવેશ થાય છે. લુસિયા GTA ફ્રેન્ચાઇઝની પહેલી મહિલા પાત્ર છે. આ બે પાત્રની સાથે ગેમમાં રાઉલ બટિસ્ટા, કેલ હેમ્પ્ટન, બૂબી ઇક અને અન્ય ઘણાં નવા પાત્ર પણ જોવા મળશે. આ ગેમમાં વાઇસ સિટીનો મેપ જોવા મળશે એવી ચર્ચા છે. તેમ જ એની સાથે લિબર્ટી સિટી અને અન્ય મેપને પણ જોડવામાં આવ્યા હોવાની ચર્ચા છે.
આ પણ વાંચો: કેમેરા માટે એરપોડ્સનો માઇક તરીકે ઉપયોગ કેવી રીતે કરશો?: iOS 26ની નવી કમાલ વિશે જાણો...
GTA 6નું ગેમપ્લે
GTA 6નું ગેમપ્લે અત્યાર સુધીના દરેક ગેમપ્લે કરતાં એકદમ અલગ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમ જ એમાં હાઇપર રિયાલિસ્ટિક ગ્રાફિક્સની સાથે પાવરફુલ સ્ટોરીલાઇનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગેમના લીડ પાત્રો માટે લવ મીટર પણ આપવામાં આવશે, જેનાથી તેઓ કેવી રીતે સ્ટોરી આગળ વધારે છે એ જાણી શકાશે. આ સાથે જ GTA 6માં તેમની પોતાની સોશિયલ મીડિયા સિસ્ટમ પણ હશે.