Junior Bankers Job at Risk: OpenAI દ્વારા હાલમાં જે પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે એના કારણે જુનિયર બેન્કર્સની નોકરી પર ખતરો આવી શકે છે. OpenAI દ્વારા હાલમાં 100થી વધુ ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સનો સંપર્ક કરવામાં આવ્યો છે. તેઓ OpenAIના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલને ફાઇનાન્શિયલ મોડલ તૈયાર કરવા માટે ટ્રેઇન કરશે. આથી જુનિયર બેન્કર્સ દ્વારા કરવામાં આવતાં કામ માટે હવે તેમને કોઈની જરૂર નહીં પડે.
આ ટીમમાં જીપી મોર્ગન ચેસ એન્ડ કંપની, મોર્ગન સ્ટેન્લી અને ગોલ્ડમેન સેચ્સ ગ્રૂપના ભૂતપૂર્વ બેન્કર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે એને મર્ક્યુરી નામ આપવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર આ ટીમમાં કામ કરનાર બેન્કર્સને એક કલાકના 150 અમેરિકન ડોલર રૂપિયા ચકાસવામાં આવે છે. આ માટે તેઓ AIને વિવિધ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે ટ્રેઇનિંગ આપે છે જેમાં રીસ્ટ્રક્ચરિંગ અને IPOsનો પણ સમાવેશ થાય છે.
પ્રોજેક્ટ મર્ક્યુરીનો હેતુAIને બિઝનેસમાં વધુ નિષ્ણાત બનાવવાનો
OpenAI દ્વારા પ્રોજેક્ટ મર્ક્યુરીને હાથ પર લેવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો હેતુ તેમના AIને બિઝનેસમાં વધુ નિષ્ણાત બનાવવાનો છે. OpenAI એડવાન્સ AI ટેક્નોલોજી દ્વારા કન્સલ્ટિંગ, ફાઇનાન્સ, લીગલ અને ટેક જેવી કંપનીઓને આવરી લેવા માગે છે. આ વર્ષની શરૂઆતમાં જ OpenAIની વેલ્યુએશન 500 બિલિયન અમેરિકન ડોલરથી વધુની થઈ ગઈ છે. એમ છતાં દુનિયાની સૌથી મોટી સ્ટાર્ટ-અપ કંપની હજી પણ પ્રોફિટ નથી કરી રહી. આ વિશે OpenAIના પ્રવક્તા કહે છે, ‘અમારી કંપની હાલમાં વિવિધ એક્સપર્ટ સાથે મળીને કામ કરી રહી છે જેથી અમારું AI દરેક ક્ષેત્રમાં એકમદ હોંશિયાર બને.’
ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ એનાલિસ્ટની નોકરી પર જોખમ
OpenAI જે રીતે આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે એ મુજબ જુનિયર બેન્કર્સની નોકરી પર ખતરો આવશે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ એનાલિસ્ટ અંદાજે એક અઠવાડિયામાં 80 કલાક કામ કરે છે. તેઓ લાઇવ ડીલ પર કામ કરે છે અને માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર ડિટેઇલ મોડલ તૈયાર કરીને મર્જર અને લેવરેજ વિશે કામ કરતાં હોય છે. તેમના સુપિરિયરની વિનંતીને ધ્યાનમાં રાખીને તેમણે સતત પાવરપોઈન્ટની સ્લાઇડમાં પણ બદલાવ કરતાં રહેવું પડે છે. જોકે હવે AIનો વ્યાપ વધી રહ્યો છે અને ઘણી સ્ટાર્ટ-અપ કંપની હવે બેન્કિંગ સોલ્યુશનની સર્વિસ પૂરી પાડી રહી છે. આથી બેન્કિંગ એનાલિસ્ટમાં જોબના ખતરાની ઘંટી વાગી ચૂકી છે.
આ પણ વાંચો: AI દ્વારા જનરેટ કરવામાં આવેલા વીડિયોને હવે જેમિની એડિટ કરવા દેશે, જાણો કેવી રીતે…
પ્રોજેક્ટ મર્ક્યુરી માટેની એપ્લિકેશન પ્રોસેસ પણ ઓટોમેટિક
પ્રોજેક્ટ મર્ક્યુરી માટે OpenAI જે એપ્લિકેશન પ્રોસેસ કરે છે એ પણ ઓટોમેટિક છે. ઘણાં લોકો OpenAI સાથે કામ કરવા માગે છે. આથી એનાલિસ્ટ હવે OpenAI સાથે મળીને કામ કરી શકે છે. આ માટે AI ચેટબોટ અંદાજે 20 મિનિટનું ઇન્ટરવ્યુ લે છે. ત્યાર બાદ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ અને મોડલિંગ વિશેની ટેસ્ટ લેવામાં આવે છે. કોન્ટ્રાક્ટર દ્વારા અઠવાડિયામાં એક મોડલ સબમિટ કરવાની આશા રાખવામાં આવે છે. આ માટે સિમ્પલ કમાન્ડનો ઉપયોગ કરવાથી તેમનું મોડલ કામ કરે એ જોવામાં આવે છે. ત્યાર બાદ તેમના કામનું રિવ્યુ કરવામાં આવે છે. જો એમાં કોઈ ખામી દેખાય તો જણાવવામાં આવે છે અને એમાં સુધારો કર્યા બાદ એને અપ્રૂવ કરવામાં આવે છે અને ત્યાર બાદ એ OpenAIની સિસ્ટમમાં જતી રહે છે.


