Get The App

1.27 લાખ GB પ્રતિ સેકન્ડ... જાપાને બનાવ્યો દુનિયાનો સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પીડનો રેકોર્ડ

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
1.27 લાખ GB પ્રતિ સેકન્ડ...  જાપાને બનાવ્યો દુનિયાનો સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પીડનો રેકોર્ડ 1 - image


Japan New Internet Technology: જાપાન દ્વારા હાલમાં જ એક ખૂબ જ મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. તેમણે એવા ઇન્ટરનેટની શોધ કરી છે જે આજ સુધી દુનિયાના કોઈ દેશ દ્વારા કરવામાં નથી આવી. થોડા સમય પહેલાં ચીન દ્વારા 6Gની શોધ કરવામાં આવી હતી, પરંતુ જાપાનની સ્પીડ સાંભળીને કોઈ પણ અવાક થઈ જશે.

કેટલી છે ઇન્ટરનેટ સ્પીડ?

જાપાનના રિસર્ચર્સ દ્વારા જે ઇન્ટરનેટ સ્પીડ મેળવવામાં આવી છે એ 1.02 પેટાબિટ્સ પર સેકન્ડ છે. 1.02 પેટાબિટ્સ એટલે 1,27,500 ગિગાબાઇટ્સ થાય છે. જાપાનના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીએ સુમિટોમો ઇલેક્ટ્રિક અને ઇન્ટરનેશનલ રિસર્ચર્સ સાથે મળીને આ ટેક્નોલોજી શોધી છે. ભારતમાં ઇન્ટરનેટની એવરેજ સ્પીડ 50–60 મેગાબિટ્સ પર સેકન્ડ છે. એના કરતાં જાપાનની સ્પીડ 1.60 કરોડ ઘણી વધારે છે. આ ટેક્નોલોજીની મદદથી ગ્લોબલ ડેટા શેરિંગ અને ક્લાઉડ કોમ્પ્યુટિંગને ખૂબ જ લાભ થશે.


રિયલ-ટાઈમ AI પ્રોસેસિંગ

આ રેકોર્ડ બ્રેકિંગ ઇન્ટરનેટ સ્પીડની મદદથી AIના ડેટાને એક દેશમાંથી બીજા દેશમાં પ્રોસેસ કરવું ખૂબ જ સરળ થઈ જશે. આ ઇન્ટરનેટ સ્પીડની મદદથી એક ડેટા સેન્ટરને બીજા ડેટા સેન્ટર સાથે પણ કનેક્ટ કરી શકાશે, જાણે બન્ને એક જ લોકલ નેટવર્ક પર કામ કરતા હોય એ રીતે. ક્લાઉડ કોમ્પ્યુટિંગ, જનરેટિવ AI, સેલ્ફ-ડ્રાઇવિંગ કાર અને રિયલ-ટાઈમ ટ્રાન્સલેશન ટૂલ માટે આ ઇન્ટરનેટ સ્પીડ ખૂબ જ મદદરૂપ બની શકે છે. સ્ટાન્ડર્ડ-સાઈઝ ફાઈબર ઓપ્ટિક કેબલનો ઉપયોગ કરીને રિસર્ચર્સ દ્વારા 1.02 પેટાબિટ્સના ડેટા એક સેકન્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ડેટા 1808 કિલોમીટર દૂર કેબલ દ્વારા ટ્રાન્સફર કરાયા. એ પણ એક સેકન્ડમાં.

આ પણ વાંચો: સુપરઇન્ટેલિજન્સ શું છે? : માર્ક ઝકરબર્ગ એ માટે ટીમ બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહ્યો છે, જાણો વિગત...

ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં આવશે બદલાવ

જાપાન દ્વારા જે રેકોર્ડ બ્રેકિંગ સ્પીડ મેળવવામાં સફળતા મળી છે એના કારણે ભવિષ્યમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં ઘણો બદલાવ આવશે. આ સ્પીડને કારણે નેટફ્લિક્સની તમામ ફિલ્મો અને વેબ સિરીઝને એક સેકન્ડમાં ડાઉનલોડ કરી શકાય છે. આ સ્પીડ દ્વારા દુનિયાની મોટાભાગની ગેમ્સ એક સેકન્ડમાં ડાઉનલોડ થઈ શકે. તેમ જ 8K અલ્ટ્રા-હાઈ ડેફિનેશન ધરાવતા લાખો વિડિયો એક સાથે સ્ટ્રીમ થઈ શકે. આ ટેક્નોલોજી હજી લોકોના ઘર સુધી નથી પહોંચી. જાપાન સિવાય કોઈ પાસે આ ટેક્નોલોજી નથી. આથી દુનિયાભરના દેશો, કંપનીઓ, ડેટા સેન્ટરો, ટેલિકોમ ઓપરેટરો વગેરે આ પ્રકારની ટેક્નોલોજી શોધવા પાછળ દોડ મૂકશે એ નક્કી છે.

Tags :