આઇફોન ફોલ્ડની રાહ જોનાર માટે ખુશખબર, ડિઝાઇન અને ફીચર્સની માહિતી થઈ લીક…

iPhone Foldable: એપલ દ્વારા ફોલ્ડેબલ આઇફોન 2026માં લોન્ચ કરવામાં આવશે એની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. સેમસંગ અને અન્ય કંપનીઓ ફોલ્ડ મોબાઇલ ઘણાં સમયથી લોન્ચ કરી રહી છે. જોકે એપલના રસિયાઓ હજી પણ એની રાહ જોઈ રહ્યા છે. થોડા સમય પહેલાં એવી ચર્ચા આવી હતી કે આઇફોનની સ્ક્રીન સાઇઝ પહેલાં કરતાં નાની હોઈ શકે છે.
બ્લૂમબર્ગના માર્ક ગુર્મનના રિપોર્ટ અનુસાર એપલનો ફોલ્ડેબલ આઇફોન લોન્ચ માટે તૈયાર છે. સેમસંગના ગેલેક્સી ઝેડ ફોલ્ડ જે પ્રકારનો મોબાઇલ છે એ જ રીતે આઇફોન પણ બનાવવામાં આવી રહ્યો છે. એટલે કે એપલમાં પણ બુક સ્ટાઇલની મિકેનિઝમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇન્ડસ્ટ્રી એનાલિસ્ટ મિંગ ચી કુઓ દ્વારા અનફોલ્ડ કર્યા બાદ ફોનની થિકનેસ 9 થી 9.5 mm અને ફોલ્ડ કર્યા બાદ 4.5 અથવા તો 4.8 mm સાઇઝ થઈ શકે છે.
સાઇઝ થઈ શકે છે નાની
એપલના આઇફોન ફોલ્ડમાં પહેલાં બંધ હોય ત્યારે 5.5 ઇંચ અને ફોલ્ડ ખોલવામાં આવતાં 7.8 ઇંચની ડિસ્પ્લે હોવાની ચર્ચા ચાલી હતી. જોકે હવે એની જગ્યાએ બંધ હોય ત્યારે 5.38 ઇંચ અને ફોલ્ડ ઓપન હશે ત્યારે 7.58 ઇંચ હોવાની ચર્ચા ચાલી રહી છે. આઇફોન મિની જ્યારે લોન્ચ કર્યો હતો ત્યારે પણ એની ડિસ્પ્લે 5.4 ઇંચની હતી. એટલે કે હાલમાં બંધ થઈ ગયેલા આઇફોન મિની કરતાં પણ ફોલ્ડની સાઇઝ નાની હોવાની ચર્ચા છે.
સેમસંગ ફોલ્ડ 7 દુનિયાનો સૌથી સ્લિમ ફોલ્ડેબલ ફોન
આઇફોન લોન્ચ કર્યા બાદ એની ચોક્કસ સાઇઝ વિશે જાણવા મળશે. જોકે સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7 અનફોલ્ડ હોય તો 4.2 mm અને ફોલ્ડ હોય તો 8.9 mmની સાઇઝ છે. આ મોબાઇલ ડ્યુરેબલ પણ છે. JerryRigEverything દ્વારા એની ટેસ્ટ કરવામાં આવી છે. આ ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે એની ડ્યુરેબિલિટી ખૂબ જ સારી છે.
આઇફોન ફોલ્ડની સ્પેશ્યાલિટી
આઇફોન ફોલ્ડની વિશેષતા એ છે કે એમાં સ્ક્રીન પર ક્રિઝ જોવા નહીં મળે. અત્યાર સુધી જેટલાં પણ ફોલ્ડેબલ અને ફ્લિપ ફોન આવ્યા છે, એમાં સ્ક્રીન પર ક્રિઝ પડતી જોવા મળે છે, પરંતુ આઇફોનમાં નહીં. એપલ છેલ્લા ઘણાં સમયથી આ સ્ક્રીનની ટેક્નોલોજી પર કામ કરી રહી હતી. તેમ જ એમાં જે હિંજ છે એ પણ એકદમ અલગ છે.
એલ્યુમિનિયમ અને ટાઇટેનિયમ ચેસિસ?
એપલ દ્વારા હવે આઇફોન 18 અને ફોલ્ડેબલમાં એલ્યુમિનિયમ અને ટાઇટેનિયમ બન્નેનો ઉપયોગ કરીને ચેસિસ બનાવવામાં આવી રહી હોવાની ચર્ચા છે. એપલ દ્વારા આઇફોન 15 અને 16 ટાઇટેનિયમ પર બનાવવામાં આવ્યા હતા, પરંતુ આઇફોન 17માં એલ્યુમિનિયમ ફ્રેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે એના પરથી કલર જલદી નીકળી જવાની ફરિયાદ આવી રહી હોવાથી કંપની હવે એલ્યુમિનિયમ અને ટાઇટેનિયમ બન્નેનો ઉપયોગ કરશે એવી ચર્ચા છે.
ફેસ આઇડીની સાથે ટચ આઇડી પણ હશે?
એપલ દ્વારા ધીમે ધીમે કરીને આઇફોનમાંથી ટચ આઇડી કાઢી નાખવામાં આવ્યું હતું અને હવે દરેક આઇફોનમાં ફેસ આઇડીનો સમાવેશ થાય છે. એપલ દ્વારા હોમ બટન તરીકે ટચ આઇડી આપવામાં આવતું હતું એ બંધ કરી દીધું હતું. જોકે એપલ સ્ક્રીનમાં ઇનબિલ્ટ ટચ આઇડી પણ નથી આપતું. જોકે ફોલ્ડમાં સાઇડ પર ટચ આઇડી આપવામાં આવશે એવી ચર્ચા છે.
કેમેરા કેટલા હશે?
એપલ દ્વારા પ્રો વર્ઝનમાં ત્રણ કેમેરા હોય છે. ફોલ્ડેબલ આઇફોન એપલનો ફ્લેગશિપ મોડલ હશે. જોકે એમાં ત્રણની જગ્યાએ બે જ કેમેરા હોવાની ચર્ચા છે. આ સાથે જ મેઇન ડિસ્પ્લે પર એક સેલ્ફી કેમેરા અને કવર ડિસ્પ્લે પર એક સેલ્ફી કેમેરાનો સમાવેશ કરવામાં આવશે.

