ગૂગલ મેપ્સમાં આવ્યું નવું લાઇવ લેન ગાઇડન્સ ફીચર: ભારત માટેના ખાસ નવા 10 ફીચર્સની મદદથી સફર થશે વધુ સુરક્ષિત અને સ્માર્ટ

Google Maps New-Feature: ગૂગલ મેપ્સ દ્વારા હાલમાં જ ઘણાં ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ વર્ઝન માટે એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્ટ સિસ્ટમ (ADAS) ફીચર જેવું એક ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. જોકે ભારતના માર્કેટ માટે એટલે કે ખાસ ભારતીયો માટે અન્ય દસ ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચર્સ ખાસ ભારતના ગૂગલ મેપ્સમાં જ જોવા મળશે. ગૂગલ દ્વારા હવે મેપ્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પ્રોએક્ટિવ એલર્ટ્સ અને ટ્રાવેલ મેનેજમેન્ટ જેવા ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગૂગલનો ઉદ્દેશ તેમના યુઝર્સના ટ્રાવેલને વધુ સુરક્ષિત અને સરળ બનાવવાનો છે અને એથી જ તેમણે આ તમામ ફીચર્સ લોન્ચ કર્યાં છે.
AI-પાવર્ડ લાઇવ લેન ફીચર
ગૂગલ દ્વારા મેપ્સમાં યુઝર્સ માટે હવે AIની મદદથી લાઇવ લેન ગાઇડન્સ ફીચરનો પણ સમાવેશ કર્યો છે. આ માટે ગૂગલ દ્વારા તેમના બ્લોગ પર એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કાર જ્યારે રોડ પર બનાવવામાં આવેલી લેનની બહાર જશે તો એ માટે યુઝર્સને જણાવશે. આ ફીચરની મદદથી યુઝર્સ જ્યારે કોઈ રોડ બદલવા માગતા હોય અથવા તો ફ્લાઇઓવર પર જવાનું હોય ત્યારે આ ફીચર મદદરૂપ થશે, એ જણાવી દેશે કે કઈ લેનમાં રહેવું. આથી યુઝર્સ ફ્લાઇઓવર ચઢવાના હશે તો એ ચઢી જશે અને ઉતરવાના હશે તો એ ઉતરી જશે. આથી ખોટો રસ્તો પસંદ કરવાની ભૂલ થવાના ચાન્સ ખૂબ ઓછા છે. કારમાં આવતાં ડેશકેમમાં પણ હવે એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્ટ સિસ્ટમ આવી રહી છે. કેટલીક હાઇ-ટેક કારમાં તો એ ઇન-બિલ્ટ આવે છે. આથી ગૂગલે આ જ પ્રકારનું ફીચર હવે તેના મેપ્સમાં આપી દીધું છે. જોકે આ ફીચર સૌથી પહેલાં જે કારમાં ગૂગલ બિલ્ટ-ઇન હોય એમાં આપી રહ્યું છે. આ ફીચર સૌથી પહેલાં અમેરિકા અને સ્વીડનની કારમાં જોવા મળશે, ત્યાર બાદ એને દરેક માટે રજૂ કરવામાં આવશે.
હેન્ડ્સ-ફ્રી ઉપયોગ માટે જેમિની
ગૂગલ દ્વારા હવે મેપ્સમાં જેમિનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી યુઝર્સ હવે મેપ્સમાં એનો હાથથી ઉપયોગ કર્યા વગર એક્સેસ કરી શકશે. યુઝર્સ હવે તેમના રસ્તા પર આવતાં નજીકના પેટ્રોલ પંપ અથવા તો હોટેલ વિશે પૂછી શકશે. તેમ જ તે જ્યાં જઈ રહ્યા છે ત્યાં પાર્કિંગની સુવિધા છે કે નહીં વગેરે જેવા સવાલ મેપ્સને કરી શકશે. આ માટે મેપ્સનો હાથથી ઉપયોગ કરવાની પણ જરૂર નહીં રહે, ફક્ત વાતચીત દ્વારા એ માહિતી મળી રહેશે.
લોકલ જગ્યા માટે ટિપ્સ આપશે જેમિની
ગૂગલ મેપ્સમાં નેવિગેશનમાં મદદ કરવાની સાથે જેમિની હવે ટિપ્સ પણ આપતી જોવા મળશે. આ માટે તે મેપ્સના રિવ્યુ અને વેબ કન્ટેન્ટને એનાલાઇઝ કરશે. ઉદાહરણ તરીકે અમદાવાદના તીન દરવાજા માર્કેટનું લોકેશન પસંદ કરવામાં આવતાં જેમિની પોતાની રીતે રિસર્ચ શરૂ કરી દેશે. ત્યાર બાદ તે યુઝર્સને કહેશે કે આ જગ્યાએ તમારાથી થઈ શકે એટલું ભાવ ઓછો કરાવી શકો છો. આ સાથે જ જે તે માર્કેટની લોકપ્રિય દુકાનો વિશે પણ માહિતી આપશે. યુઝર આ જગ્યા માટે પણ જેમિનીને પોતાના કોઈપણ સવાલ પૂછી શકે છે. આ માટે જેમિની રિવ્યુ, ફોટો અને વેબ ડેટા પરથી સર્ચ કરીને યુઝર્સને જવાબ આપશે.
અકસ્માત સંભવિત વિસ્તાર વિશે એલર્ટ અને સ્પીડ લિમિટ
ગૂગલ દ્વારા હવે મેપ્સમાં સેફ્ટી ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગૂગલ દ્વારા ઇન્ડિયા રોડ નેટવર્ક સાથે પાર્ટનરશિપ કરીને અકસ્માત સંભવિત વિસ્તારોને હવે મેપ્સ પર બતાવવામાં આવશે. આ વિસ્તારોમાં યુઝર જ્યારે પણ જશે ત્યારે તેને ઓડિયો અને વિઝ્યુઅલ દ્વારા એલર્ટ કરી સુરક્ષિત ડ્રાઇવિંગ કરવા પ્રેરિત કરશે. આ ફીચરનો ઉપયોગ ગુરુગ્રામ, હૈદરાબાદ, ચંદીગઢ અને ફરિદાબાદ જેવા વિસ્તારોમાં કરી શકાશે, એ તમામ જગ્યાએ જ્યાં અકસ્માત સંભવિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હોય. આ સાથે જ એક ફીચર એવું પણ છે કે સ્થાનિક ટ્રાફિક ઓથોરિટીના ડેટા અનુસાર જે તે રોડ પર સ્પીડ લિમિટ પણ બતાવવામાં આવશે.
રીયલ-ટાઇમ રોડ અપડેટ્સ
ગૂગલ મેપ્સ દ્વારા હવે રિયલ-ટાઇમ રોડ અપડેટ્સ આપવામાં આવશે. યુઝર જે રસ્તા પર જઈ રહ્યો હોય એમાં અચાનક કોઈ અડચણ આવે તો એ વિશે યુઝર્સને તરત માહિતી આપશે, ભલે તે વિસ્તારથી થોડો દૂર કેમ ન હોય. આ ફીચરને હાલમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે રજૂ કરવામાં આવ્યું છે. નવી દિલ્હી, મુંબઈ અને બેંગલોરના યુઝર્સ એનો ઉપયોગ કરી શકશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે પણ ગૂગલે પાર્ટનરશિપ કરી છે. આથી જ્યારે પણ રોડનું કામ ચાલુ હશે અથવા તો બંધ હશે તો એ વિશે યુઝર્સને માહિતી આપવામાં આવશે.
બાઇક ચાલકો માટે નવું ફીચર
ગૂગલ દ્વારા બાઇક ચાલકો માટે હવે નવી યુટિલિટી અપડેટ આપવામાં આવી છે. બાઇક યુઝર્સ પાસે હવે નેવિગેશન દરમ્યાન પોતાનું વાહન પસંદ કરવા માટે વિકલ્પ હશે. એટલે કે બાઇક ચાલક બાઇક, સ્પોર્ટ્સ બાઇક ચલાવનાર એ અને સ્કૂટર વપરાશકર્તા સ્કૂટરનું આઇકન રાખી શકશે. આ સાથે જ એમાં આઠ નવા રંગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બાઇક ચાલકો માટે પણ એકદમ સ્પષ્ટ અવાજમાં ગાઇડન્સ આપવામાં આવશે, એ પણ જે તે યુઝર્સની પોતાની માતૃભાષામાં.
આ પણ વાંચો: વોટ્સએપના નવા ફીચરથી કરોડો યુઝર્સને થશે ફાયદો, સ્કેમ કોલ-મેસેજથી મળશે છુટકારો
મેપ્સમાં જ મેટ્રો ટિકિટ બુકિંગ
દિલ્હી, બેંગલોર, કોચી અને ચેન્નઈમાં હવે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરનાર યુઝર એપ્લિકેશનમાંથી જ સીધી મેટ્રોની ટિકિટ બુક કરી શકશે. એન્ડ્રોઇડ યુઝર્સ આ ટિકિટને સીધી ગૂગલ વોલેટમાં સેવ કરી શકશે, તેમજ મેપ્સમાંથી એને એક્સેસ પણ કરી શકશે. આથી યુઝરને હવે ટિકિટ માટે અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની કે ગેલેરી અથવા મેસેજમાં શોધવાની જરૂર નહીં પડે.

