અંતરિક્ષ સફરે જનારા પ્રાણીઓના રસપ્રદ કિસ્સા: 1949માં આલ્બર્ટ નામનો સૌથી પહેલાં પૃથ્વી બહાર ગયો હતો
Meta AI Image |
Animals Traveling In Space : તાજેતરમાં ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય અવકાશયાત્રીઓ પૃથ્વી ઉપર પરત આવ્યા છે. આ અવકાશયાત્રીઓની તો ચારેકોર ચર્ચા છે. તેમના પહેલાં ઘણા અવકાશયાત્રી અવકાશમાં જઈ આવ્યા છે. ખાસ કરીને ચંદ્ર પર પણ માણસ જઈ આવ્યા છે અને ફરીથી જવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે એ જાણીએ કે, માણસ પહેલાં કોણ કોણ અંતરિક્ષમાં જઈ ચૂક્યું છે. સ્પેસ ટ્રાવેલની વાતો થઈ રહી છે, ત્યારે એ સમજવું જોઈએ કે માણસોની પહેલાં પ્રાણીઓ, જીવજંતુઓ પણ અંતરિક્ષની મુલાકાત લઈને પરત આવી ચૂક્યા છે.
વાંદરા પછી લાઈકા નામના કૂતરાને મોકલાયો
અંતરિક્ષની મુલાકાત લેનારા પ્રાણીઓની યાદીમાં સૌથી પહેલાં આલ્બર્ટ નામના વાંદરાનું નામ આવે. અમેરિકાએ વર્ષ 1949માં રીસસ મેકાક જાતિના 'આલ્બર્ટ II' વાંદરાને પૃથ્વીના વાતાવરણમાંથી બહાર મોકલ્યો હતો. આલ્બર્ટ 134 કિ.મી.ની ઊંચાઈએ પહોંચ્યો, ત્યારે તેના નામે અંતરિક્ષની સીમા પાર કરનારા પ્રથમ પ્રાણીનો રેકોર્ડ નોંધાયો. આંચકાજનક બાબત એ હતી કે, તેનું રિટર્ન કેપ્સ્યુલ પેરાશૂટ નિષ્ફળ ગયું અને તેનું મોત થયું. ત્યારબાદ નામ આવે છે લાઈકા નામના માદા કૂતરાનું. તેને અંતરિક્ષની પહેલી શહીદ ગણાય છે.
કહેવાય છે કે, વર્ષ 1957માં સોવિયેત સંઘે સ્પુટનિક-2માં 'લાઇકા' નામના માદા કૂતરાને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોકલ્યો. તે ભ્રમણકક્ષામાં પગ મૂકનારો પ્રથમ પ્રાણી ગણાય છે. જો કે, તે પાછો ફરી ના શક્યો. માણસો માટે અંતરિક્ષમાં જવાના માર્ગ ખોલનારું પ્રથમ જાનવર પણ તે જ ગણાય છે.
ન્યુરોલોજિકલ સંશોધન માટે બિલાડીને મોકલાઈ
અંતરિક્ષમાં ન્યુરોલોજિકલ સંશોધન માટે ફેલિસેટ નામની બિલાડીને અંતરિક્ષમાં મોકલાઈ હતી. ફ્રાન્સે 1963માં બિલાડીને અંતરિક્ષમાં મોકલી હતી. પરત આવ્યા બાદ પણ આ બિલાડી પર ફ્રાન્સના વિજ્ઞાનીઓએ સંશોધન ચાલુ રાખ્યું હતું. આ બિલાડીના ગયા બાદ 1968માં સોવિયેત સંઘ દ્વારા એક કાચબાને અંતરિક્ષમાં મોકલાયો હતો. આ કાચબો પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર જઈને ચંદ્રનું ભ્રમણ કરીને જીવતો પાછો આવનારું પહેલું પ્રાણી હતો.
નેમાટોડ વોર્મ્સ તથા એના-એબીગેલ કરોળિયા પણ મોકલાયા
મોટા પ્રાણીઓની જેમ નાનકડા જંતુઓ પણ અંતરિક્ષમાં કેવી રીતે રહે છે અને કેવી રીતે અસ્તિત્વ ટકાવવા પ્રયાસ કરે છે તેનું જાણવા પ્રયાસ કરાયો હતો. નેમાટોડ વોર્મ્સ નામના વોર્મને અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ વગર કેવી રીતે અસ્તિત્વ ટકાવવું તેનો અભ્યાસ કરવા મોકલાવાયું હતું. બાહ્ય અવકાશમાં કેવી રીતે સંતુલન સાધવું અને ત્યાંના વાતાવરણને અનુકુળ થવું તેનો પ્રયોગ કરાયો હતો. એવી જ રીતે, 1973માં બે કરોળિયાને પણ માઈક્રોગ્રેવિટીમાં કેવી રીતે જાળા બનાવી શકાય છે તેનો અભ્યાસ કરવા મોકલાયા હતા.
આ પણ વાંચો: પાંચ મહિનામાં ₹7000 કરોડ રૂપિયા ધોવાયા: ભારતમાં ઑનલાઇન સ્કેમમાં વધારો
નવાઈની વાત એ હતી કે, આ બંને અંતરિક્ષમાં સાનુકુળ થયા અને ગોળ જાળા બનાવીને રહેવા લાગ્યા હતા. આ ઉપરાંત માનવ શરીર ઉપર બાહ્ય વાતાવરણની અસર કેવી રીતે થશે, સ્નાયુઓની કામગીરી, તેના હાડપિંજર પર અસર, રોગ પ્રતિકારક શક્તિ વગેરેનો અભ્યાસ સમજવા માટે ઉંદરોને પણ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા હતા.