ઇન્સ્ટાગ્રામે લોન્ચ કર્યા નવા ફીચર્સ: ક્રિએટિવિટી, સ્પીડ અને સ્માર્ટ શેરિંગને આપવામાં આવ્યું મહત્ત્વ
Instagram Launch New Feature: ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં નવા ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યાં છે. આ ફીચર્સને યુઝર્સની ક્રિએટિવિટી, એકમેક સાથે કનેક્ટ થવાની રીત અને પોતાની જાતને એક્સપ્રેસ કરવાની આવડતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. સામાન્ય યુઝર્સ હોય કે પછી કન્ટેન્ટ ક્રિએટર્સ, આ ટૂલ દરેક યુઝર્સના ઇન્સ્ટાગ્રામના ઉપયોગના અનુભવને વધુ સારું બનાવશે.
રીલ્સ બન્યા વધુ લાંબા અને ફાસ્ટ
ઇન્સ્ટાગ્રામ દ્વારા હવે રીલ્સની લંબાઈ વધારવામાં આવી છે. હવે યુઝર્સ ૩ મિનિટ સુધીના લાંબા રીલ્સ બનાવી શકશે. ટ્રાવેલ વીડિયો, ટ્યુટોરિયલ અને સ્ટોરીટેલિંગ માટે આ ફીચર ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ સાથે જ યુઝર્સ હવે રીલ્સને બમણી સ્પીડમાં જોઈ શકશે. ઘણીવાર યુઝર કંટાળી ગયો હોવાથી રીલ્સને સ્કિપ કરી દે છે. જોકે હવે એની જગ્યાએ આ કન્ટેન્ટને બમણી સ્પીડમાં જોઈ શકશે જેથી સ્કિપ કરવાની જરૂર નહીં પડે.
ક્રિએટિવ ટૂલ
ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં જ થોડા સમય માટે એક ફોન્ટ રિલીઝ કરવામાં આવ્યો છે. આ ફોન્ટ સ્પેનિશ સિંગર રોસાલિયાની હેન્ડરાઇટિંગથી પ્રેરિત છે. તેની હેન્ડરાઇટિંગ હાલમાં ખૂબ જ વાયરલ થઈ હતી અને એથી ઇન્સ્ટાગ્રામ દ્વારા એને લોન્ચ કરવામાં આવ્યું છે. જોકે એનો ઉપયોગ સ્ટોરીઝ અને રીલ્સમાં કરી શકાશે, એ પણ જુલાઈના અંત સુધી. આ ફોન્ટ લિમિટેડ સમય માટે જ ઉપલબ્ધ છે.
ઇન્સ્ટાગ્રામ દ્વારા સ્પોટીફાયનું ઇન્ટીગ્રેશન આપવામાં આવ્યું છે. આ ઇન્ટીગ્રેશન એટલે કે યુઝર્સ હવે નોટ્સ અને સ્ટોરીમાં સીધા સોન્ગ શેર કરી શકશે અને એ પણ ઓડિયો પ્રીવ્યૂ સાથે. આથી ફ્રેન્ડ્સ અને ફોલોઅર્સ એપ્લિકેશનમાંથી બહાર જવા વગર એ ગીતનો થોડો ભાગ સાંભળી શકશે. ઇન્સ્ટાગ્રામ દ્વારા અગાઉ બ્લેન્ડ શેર્ડ રીલ્સ ફીડ ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફીચરની મદદથી બે યુઝર્સને એકસરખા રીલ્સ જોવા મળશે. અન્ય યુઝર્સની પસંદગીના રીલ્સ બીજા યુઝર્સને પણ મળી શકે છે.
પ્રોફાઇલ ગ્રીડ અને ઇન્સાઈટમાં બદલાવ
ઇન્સ્ટાગ્રામ દ્વારા હવે પ્રોફાઇલ ગ્રીડને 3:4 વર્ટિકલ ફોર્મેટમાં બદલવામાં આવી છે. તેથી પોસ્ટ હવે વધુ ઊંચાઈવાળી અને વધુ ક્લિયર દેખાશે. યુઝર કસ્ટમ ફોટાનો પણ ઉપયોગ કરી શકે છે જેની મદદથી તેમની ગ્રીડ વધુ સારી અને ઇન્ટરેસ્ટિંગ દેખાઈ શકે. યુઝર માટે નવું ઇનસાઇટ ટૂલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. એની મદદથી યુઝર્સને માહિતી મળશે કે તેમની રીલ્સ કેટલી જલદી વાયરલ થાય છે અને તેમાં સુધારાને લઈને શું જરૂર છે એ અંગે પણ ટિપ્સ મળશે.
આ પણ વાંચો: 1.27 લાખ GB પ્રતિ સેકન્ડ... જાપાને બનાવ્યો દુનિયાનો સૌથી ઝડપી ઇન્ટરનેટ સ્પીડનો રેકોર્ડ
ડાયરેક્ટ મેસેજમાં નવા ફીચર્સનો સમાવેશ
ઇન્સ્ટાગ્રામ દ્વારા ડાયરેક્ટ મેસેજમાં હવે રીઅલ-ટાઈમ ટ્રાન્સલેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુઝર્સ હવે 99 ભાષામાં મેસેજને ટ્રાન્સલેટ કરી શકશે. આ સાથે જ યુઝર્સ હવે મેસેજમાં ગીતો પણ મોકલી શકશે, એ પણ પસંદ કરેલી લાઇન સાથે. આગળ ઇન્સ્ટાગ્રામ દ્વારા શેડ્યુલ મેસેજ અને પિન ચેટ જેવા ફીચર્સ તો લોન્ચ કર્યા જ હતાં, જેનો ઉપયોગ યુઝર પોતાની જરૂરિયાત અને ઇચ્છા અનુસાર કરી શકે છે.