રીલ્સ જોવા માટે હવે નહીં ચલાવવી પડે આંગળીઓ: ઇન્સ્ટાગ્રામ લઈને આવ્યું નવું ઓટો-સ્ક્રોલ ફીચર
Instagram New Feature: ઇન્સ્ટાગ્રામ દ્વારા યુઝરની સરળતા માટે એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરનું નામ છે ઓટો-સ્ક્રોલ. આજે દરેક વ્યક્તિ રીલ્સના બંધાણી થઈ ગયા છે. આ રીલ્સને હવે વારંવાર બદલવી ન પડે એ માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા એક નવા ફીચર પર કામ કરવામાં આવી રહ્યું હતું. આ ફીચરની મદદથી હવે યુઝર્સને એક રીલ પૂરી થઈ ગયા બાદ બીજી રીલ જોવા માટે આંગળીનો ઉપયોગ કરવો નહીં પડે. આ માટે ઇન્સ્ટાગ્રામ પોતે જ રીલ બદલી આપશે. મેટાની અન્ય એપ થ્રેડ્સ પર એક યુઝર દ્વારા આ ફીચરનો સ્ક્રીનશોટ શેર કરીને માહિતી આપવામાં આવી છે.
નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ
ઇન્સ્ટાગ્રામ દ્વારા રીલને વારંવાર બદલવી ન પડે એ માટે ઓટો-સ્ક્રોલ ફીચર પર કામ કરવામાં આવી રહ્યું હતું. આ ફીચરની મદદથી એક રીલ પૂરી થયા બાદ બીજી રીલ ઓટોમેટિક શરૂ થઈ જશે. પહેલાં રીલ પૂરી થયા બાદ ફરી એ જ ચાલુ થઈ જતું હતું. જોકે હવે યુઝરને આ ફીચરની મદદથી રીલ્સ જોવામાં વધુ સરળતા રહેશે. આ ફીચરનું ટેસ્ટિંગ ઇન્સ્ટાગ્રામ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘણાં યુઝર્સ એનો લાભ ઉઠાવી રહ્યાં છે. આ ફીચર હજી સુધી દરેક માટે શરૂ નથી થયું. થોડાં દિવસની અંદર આ ફીચર દરેક માટે આવી જશે અને એનાથી યુઝર્સને હેન્ડ્સ-ફ્રી એક્સપિરીયન્સ મળશે.
ઓટો-સ્ક્રોલનો ફાયદો?
આ ફીચર ખાસ કરીને એવા યુઝર્સ માટે છે જે રીલ્સ જોવા પાછળ ખૂબ જ સમય પસાર કરે છે. તેમ જ નવા યુઝર્સને આકર્ષવા માટે પણ આ ફીચર મદદરૂપ બનશે. ઘણાં યુઝર્સ વારંવાર રીલ બદલવી પડે એ કારણે પણ રીલ્સ નથી જોતા. આથી આ ફીચરની મદદથી એ યુઝર્સને ખૂબ જ ફાયદો થશે.
ઓટો-સ્ક્રોલ ફીચર કેવી રીતે કરશે કામ?
આ માટે યુઝર્સ દ્વારા પહેલાં આ ફીચર શરૂ કરવું પડશે. આ ફીચર ફરજિયાત નથી. આ ફીચરનો ઉપયોગ કરવો હોય તો એને સેટિંગ્સમાં જઈને ઓન-ઓફ કરી શકાય છે. આ ઓન કર્યા બાદ ઇન્સ્ટાગ્રામની રીલ્સ ટચ અથવા તો સ્વાઇપ કર્યા વગર ઓટોમેટિક બદલાતી રહેશે. જોકે યુઝરને રીલ પસંદ ન આવે અને તેને અડધેથી એને બદલવી હોય તો સ્વાઇપ કરવું પડશે. આ ફીચર એક વાર રીલ પૂરી થયા બાદ જ તેને સ્ક્રીન પર નવી રીલ દેખાડશે.
આ પણ વાંચો: CoinDCX પર થયો સાઇબર અટેક: 378 કરોડ રૂપિયાની ભરપાઈ કરવાની જવાબદારી લીધી કંપનીએ
યુઝર્સની એન્ગેજમેન્ટ વધારવા માટેનું ફીચર
આ ફીચર કહેવા માટે યુઝર્સની સરળતા માટેનું છે, પરંતુ હકીકતમાં એનાથી કંપનીને ફાયદો થશે. કંપનીને ફાયદો એટલા માટે કે ઓટોમેટિક ફીચર ઓન હોવાથી ઘણાં યુઝર રીલને અડધેથી સ્વાઇપ નહીં કરે. આથી રીલનો ઉપયોગ કરવાનો સમયમાં વધારો થઈ શકે છે. તેમ જ એવા ઘણાં યુઝર્સ જેને સ્વાઇપ કરવાનો કંટાળો આવતો હોય જેથી તેઓ રીલ્સ નહીં જુએ, એને પણ આ પ્લેટફોર્મ પર ખેંચી શકાશે. આથી આ ફીચર કહેવા માટે યુઝરની સરળતા માટે છે, પરંતુ એનો સૌથી મોટો ફાયદો તો કંપનીને જ છે.