CoinDCX પર સાયબર અટેક: રૂ.378 કરોડની ભરપાઈ કરવાની જવાબદારી કંપનીએ લીધી
Cyber Attack On CoinDCX: ભારતની ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ CoinDCX પર ખૂબ જ મોટો સાઇબર અટેક થયો છે. એમાં 44.2 મિલિયન ડોલર એટલે કે 378 કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી છે. CoinDCX એ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે ગ્રાહકોના પૈસા સુરક્ષિત છે. આ અટેક ઇન્ટરનલ ઓપરેશન એકાઉન્ટ પર થયો હતો. રવિવારે આ ઘટનાની પહેલી રિપોર્ટમાં કંપનીએ કહ્યું હતું કે આ અટેકને લઈને કોઈ પણ નુકસાન થયું હોય તો એની જવાબદારી કંપની તેના ટ્રેઝરી રિઝર્વમાંથી કરશે.
સૌથી મોટો સાઇબર અટેક
ધ હિન્દુના એક રિપોર્ટ અનુસાર 19 જુલાઈએ સવારે ચાર વાગ્યે CoinDCX ની સિસ્ટમમાં તેમની એક મોટી ખામી જોવા મળી હતી. એમાં એક પાર્ટનર એક્સચેન્જ પર ઓપરેશનલ એકાઉન્ટને હેક કરી લેવામાં આવ્યું હતું. આ હેકમાં કંપનીને 44.2 મિલિયન એટલે કે અંદાજે 378 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કંપની માટે સારી વાત એ હતી કે આ સાઇબર અટેક કંપનીના ઇન્ટરનલ ટ્રેડિંગ એકાઉન્ટ પર જ કરવામાં આવ્યો હતો. ગ્રાહકોના ક્રિપ્ટોકરન્સી વૉલેટ હજી પણ સુરક્ષિત છે. CoinDCX ના કો-ફાઉન્ડર્સ સુમિત ગુપ્તા અને નીરજ ખંડેલવાલે સાફ કહી દીધું છે કે આ નુકસાનની ભરપાઈ કંપની કરશે અને યુઝર્સ પર એની કોઈ અસર નહીં પડે.
કેવી રીતે ખબર પડી એકાઉન્ટ હેક થયું છે?
રિપોર્ટ મુજબ આ વાતની સૌથી પહેલાં જાણ બ્લોકચેનની તપાસ કરતી કંપની ZachXBT એ કરી હતી. ત્યાર બાદ CoinDCX દ્વારા આ વાતને જાહેર કરવામાં આવી હતી. આ વાત બહાર આવતાની સાથે જ યુઝર્સ ડરીને તેમના એકાઉન્ટ બેલેન્સ ચેક કરવા પહોંચી ગયા હતા. આ કારણસર કંપનીની API ડાઉન થઈ ગઈ હતી. ઘણાં યુઝર્સ તેમનું બેલેન્સ નહોતું જોઈ શકતા અને એના કારણે તેમનો ડર બમણો થઈ ગયો હતો. ત્યાર બાદ CoinDCX એ જાહેર કર્યું હતું કે જે સિસ્ટમ પર અટેક થયો હતો એને અલગ કરી નાખવામાં આવી છે. એ અલગ કર્યા બાદ API સર્વિસ ફરી શરૂ કરવામાં આવી હતી. CoinDCX દ્વારા કહેવામાં આવ્યું હતું કે દરેક પ્રોસેસ પહેલાંની જેમ સરળ રીતે કામ કરી રહી છે. યુઝર્સ ટ્રેડિંગ કરવાની સાથે જમા અને ઉપાડ પણ કરી શકશે.
CERT-in કરશે તપાસ
આ હેકિંગની તમામ માહિતી ભારતની સાઇબર ઇમરજન્સી ટીમ CERT-in ને આપી દેવામાં આવી છે. તેઓ બે ઇન્ટરનેશનલ સાઇબર સિક્યોરિટી એજન્સીઓની સાથે મળીને આ વિશે તપાસ કરશે. આ દરમિયાન યુઝર્સ પૈસા ઉપાડી રહ્યા હોવાથી કંપનીએ જાહેરાત કરી કે પાંચ લાખ રૂપિયાથી ઓછી રકમની પ્રોસેસ પાંચ કલાકની અંદર અને પાંચ લાખ રૂપિયાથી વધુ રકમની પ્રોસેસ 72 કલાકની અંદર પૂરી થશે. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર કંપનીને લઈને મિક્સ પ્રતિભાવ આવી રહ્યા છે. CoinDCX દ્વારા 17 કલાક સુધી આ વાતને કેમ છુપાવી રાખવામાં આવી એ વિશે લોકોના મંતવ્યો આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે કંપની તેમના યુઝર્સ સાથે પારદર્શિતા રાખતી નથી. બીજી તરફ એવા પણ ઘણાં યુઝર્સ હતાં જેમણે કહ્યું કે નુકસાનની જવાબદારી કંપનીએ પોતાના પર ઉઠાવવી એ ખૂબ જ સારી વાત કહેવાય.