કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ખુશખબર: મહિનાઓ પછી ઇન્સ્ટાગ્રામે વ્યૂઝની ફરિયાદનો ઉકેલ આપ્યો
Instagram Fix Story Issue: ઇન્સ્ટાગ્રામ દ્વારા મહિનાઓ બાદ તેમની સ્ટોરીઝના વ્યૂઝ ઓછા થઈ ગયા હોવાનો ઇશ્યુ સોલ્વ કરવામાં આવ્યો છે. એક દિવસમાં એક કરતાં વધુ સ્ટોરીઝ અપલોડ કરનાર યુઝર્સના વ્યૂઝ ખૂબ જ ઓછા થઈ ગયા હતા. એના કારણે કન્ટેન્ટ ક્રિએટર્સ ગયા વર્ષથી આ વિશે ઇન્સ્ટાગ્રામને ફરિયાદ કરી રહ્યાં હતાં. જોકે ઇન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરી દ્વારા વીડિયો શેર કરીને કહેવામાં આવ્યું છે કે આ ઇશ્યુને સોલ્વ કરી દેવામાં આવ્યો છે.
એડમ મોસેરીએ શું કહ્યું?
એડમ મોસેરીએ વીડિયોમાં કહ્યું કે ‘એક દિવસમાં એક કરતાં વધુ સ્ટોરી મૂકવાથી તેમની સ્ટોરીઝના વ્યૂઝ ઓછા આવી રહ્યાં હતાં એવું લોકો ફરિયાદ કરી રહ્યાં હતાં. જોકે આ ઇશ્યુને સોલ્વ કરવામાં આવ્યો છે. આમ છતાં અમે કોઈ ગેરંટી નથી આપતાં કે યુઝર્સની દરેક સ્ટોરીને વ્યૂઝ મળે. જોકે યુઝર એક કરતાં વધુ સ્ટોરી અપલોડ કરે તો પણ તેની રીચને અસર નહીં થાય ખાસ કરીને પહેલી સ્ટોરીની એની અમે ખાતરી આપીએ છીએ.’
ક્રિએટર્સ પર શું પડી હતી અસર?
આ સમસ્યાનું સમાધાન લાવવું ક્રિએટર્સ માટે ખૂબ જ જરૂરી છે. ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કમાણી માટે કરનાર ક્રિએટર્સ માટે આ ખૂબ જ મોટી સમસ્યા હતી. તેમની રીચ વધે તો તેમના કન્ટેન્ટને વધુ પૈસા મળે છે. એડમ મોસેરી જ્યારે પણ કોઈ જાહેરાત કરે છે ત્યારે યુઝર્સ ઇન્સ્ટાગ્રામની નવી એલ્ગોરિધમને સમજવાની પૂરી કોશિશ કરે છે. આ વખતે પણ બદલાવ કરવામાં આવતાં યુઝર્સ હવે તેમની સ્ટોરી અને કન્ટેન્ટને એ રીતે શેડ્યૂલ કરશે જેથી તેમને પૂરતો ફાયદો મળી શકે. આથી કન્ટેન્ટ ક્રિએટર્સ આ પ્રકારની અપડેટની હંમેશાં રાહ જોતા હોય છે કારણ કે એના કારણે તેમની આવક પર અસર પડે છે.
આ પણ વાંચો: ડેટા સેન્ટર અને વીજળી સંકટ: ટેક્સાસ પાસેથી ઘણું શીખી શકે છે ભારત
ક્રિએટર્સની આવક પર ખૂબ જ મોટો ફટકો
ઇન્સ્ટાગ્રામના થ્રેડ્સ પર રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર આ ઇશ્યુ છેલ્લા છ મહિનાથી ક્રિએટર્સને અસર કરી રહ્યો છે. તેમના વ્યૂઝ ખૂબ જ ઓછા થઈ ગયા હતા અને હવે એને ફિક્સ કરવામાં આવ્યું છે. બની શકે ઇન્સ્ટાગ્રામ દ્વારા તેમના વ્યૂઝ જાણી જોઈને ઘટાડવામાં ન આવ્યાં હોય, પરંતુ દુનિયાભરના ક્રિએટર્સ પર એની અસર પડી છે. જોકે ઇન્સ્ટાગ્રામ વ્યૂઝ માટે કોઈ ફિક્સ રકમ નથી આપતું. જોકે ક્રિએટર્સને સ્પોન્સરશિપ ડીલ્સ, બ્રેન્ડ કોલાબોરેશન્સ, પ્રોડક્ટ પ્રમોશન્સ અને અન્ય માર્કેટિંગ દ્વારા કમાવવાનો રસ્તો જરૂર આપે છે.