ઇન્સ્ટાગ્રામના નવા મેપ ફીચરને કારણે યુઝર્સની પ્રાઇવસી પર સંકટ, જાણો શું છે ફીચર અને મેટાનો જવાબ…
Instagram Map Feature: ઇન્સ્ટાગ્રામની લેટેસ્ટ અપડેટને લઈને ડિજિટલ પ્રાઇવસી અંગે ઘણાં સવાલ ઊભા થઈ રહ્યાં છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા નવું મેપ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર પોતાની છેલ્લી એક્ટિવ લોકેશનને તેના ફ્રેન્ડ્સ સાથે શેર કરી શકે છે. સ્નેપચેટના સ્નેપ મેપ ફીચરની જેમ જ આ કામ કરે છે. જોકે ઇન્સ્ટાગ્રામના આ ફીચરને લઈને યુઝરની પ્રાઇવસી અંગે ઘણાં સવાલો ઊભા થઈ રહ્યાં છે.
શું છે ઇન્સ્ટાગ્રામ મેપ ફીચર?
ઇન્સ્ટાગ્રામ દ્વારા મેપ ફીચર દુનિયાભરના યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર હેઠળ યુઝર પોતાની છેલ્લી એક્ટિવ લોકેશનને તેમના મ્યુચ્યુઅલ ફ્રેન્ડ અથવા તો કસ્ટમ લિસ્ટ સાથે શેર કરી શકે છે. આ ફીચરની મદદથી યુઝર જે તે લોકેશનની રીલ્સ, સ્ટોરીઝ અને નોટ્સ ફ્રેન્ડ્સ અને પબ્લિક પોસ્ટ દ્વારા મેળવી એટલે કે જોઈ શકે છે. આ માટે ડાયરેક્ટ મેસેજમાં એક ડાયનામિક મેપ ઇન્ટરફેસ આપવામાં આવ્યો છે. મેટાનું કહેવું છે કે આ ફીચર જે તે લોકેશનના યુઝર્સ તેમજ ફ્રેન્ડ્સ સાથે કનેક્ટ થવા માટે છે.
પ્રાઇવસી અંગે થયો વિરોધ
મેટાએ કહ્યું છે કે આ ફીચર યુઝરને એકમેક સાથે વધુ સારી રીતે કનેક્ટ થવા માટે આપવામાં આવ્યું છે. તેમ છતાં યુઝર્સ સોશિયલ મીડિયા પર તેનો ખૂબ જ વિરોધ કરી રહ્યાં છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે તેમણે આ ફીચર માટે હામી ન ભરી હોવા છતાં તેમનું લોકેશન લોકોને દેખાઈ રહ્યું છે. કેટલાક યુઝર્સ સિક્યોરિટીને લઈને અવાજ ઉઠાવી રહ્યાં છે કે કોઈ પણ વ્યક્તિ હવે કોઈનો પણ પીછો કરી શકે છે. તેમજ આ ફીચરને કોઈ પણ પ્રકારની ચોક્કસ જાહેરાત અથવા તો નોટિસ આપ્યા વગર લોન્ચ કર્યું હોવાથી પણ તેને વખોડી કાઢવામાં આવ્યું છે.
શું કહ્યું મેટાએ?
ઇન્સ્ટાગ્રામના ચીફ એડમ મોસેરીએ આ ટીકાઓ વિશે કહ્યું છે, ‘આ ફીચર યુઝર માટે બાય ડિફોલ્ટ બંધ હોય છે. તેમજ તેને ચાલુ કરવા માટે યુઝર પાસે બે વાર પરવાનગી માગવામાં આવે છે. પહેલી વાર આ ફીચર માટે તૈયારી દેખાડી અને બીજી વાર તેને કન્ફર્મ—એમ બે વાર પરવાનગી લેવામાં આવે છે. પોતાના મેપ પર પોતાને જોઈ શકતા હોવાથી તેનો અર્થ એ નથી થતો કે હજારો લોકો તેને જોઈ શકે છે. અમારી ટીમ દરેક વસ્તુને વારંવાર ચેક કરે છે કે કોઈ પણ જાતની પરવાનગી વગર યુઝરના લોકેશન શેર ન થાય.’
મેટાના પ્રવક્તાએ આ વિશે કહ્યું કે ‘ઇન્સ્ટાગ્રામ મેપ બાય ડિફોલ્ટ બંધ હોય છે. તેમજ યુઝરની લાઇવ લોકેશન ક્યારેય શેર થતી નથી જ્યાં સુધી યુઝર પોતે તેને ચાલુ ન કરે. યુઝર તેને શરૂ કરે તો પણ યુઝર જેને ફોલો કરે છે અથવા તો પ્રાઇવેટ અથવા તો કસ્ટમ લિસ્ટની વ્યક્તિ જ લોકેશન જોઈ શકશે. આ પસંદગી યુઝરની પોતાની રહેશે.’
કાયદાકીય મુશ્કેલીમાં આવી શકે છે મેટા
અમેરિકાની સરકારને પ્રતિનિધિત્વ કરતાં લોરી ટ્રહાન અને કેથી કાસ્ટર દ્વારા અગાઉ આ ફીચરને બંધ કરવા માટે મેટાને વિનંતી કરવામાં આવી હતી. ટીનએજરની લોકેશન અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. આ વિશે તેમણે કહ્યું હતું કે ‘ટીનએજરની જીયોલોકેશનનું સર્વેલન્સ કરવું એ પ્રાઇવસીનો ભંગ છે. તેના કારણે તેઓ સ્ટોકિંગ, સેક્ટોર્શન અને એનાથી પણ વધુ ખતરનાક મુશ્કેલીઓનો સામનો કરી શકે છે.’
આ અંગે મેટાએ કહ્યું છે કે ટીન એકાઉન્ટ્સમાં આ માટેની તમામ પરવાનગી પેરેન્ટ્સને આપવામાં આવી છે. લોકેશન શેર કરવી કે નહીં તેનો કન્ટ્રોલ પેરેન્ટ્સના હાથમાં છે. તેઓ ઇચ્છે તો આ ફીચરને બ્લોક પણ કરી શકે છે જેથી લોકેશન શેર ન થાય.
આ પણ વાંચો: કોણ છે મેટાની 8500 કરોડની ઓફર ઠુકરાવનાર મીરા મુરાતી?, જાણો પ્રેરણાદાયી યુવાનોની કહાની
આ ફીચરને કેવી રીતે બંધ કરશો?
આ માટે ઇન્સ્ટાગ્રામ ઓપન કરવું, ત્યાર બાદ ડાયરેક્ટ મેસેજમાં જવું અને મેપ આઇકન પર ક્લિક કરવું. ત્યાર બાદ સેટિંગ્સમાં જઈને લોકેશન શેરિંગ બંધ કરી દેવું. આ સિવાય મોબાઇલની લોકેશન સર્વિસમાં જઈને ઇન્સ્ટાગ્રામની લોકેશન પરવાનગીમાં “Never” ઓપ્શન પસંદ કરવું. તેથી પણ આ ફીચર બંધ થઈ જશે.