કોણ છે મેટાની 8500 કરોડની ઓફર ઠુકરાવનાર મીરા મુરાતી?, જાણો પ્રેરણાદાયી યુવાનોની કહાની
Matt And Mira Get Meta Offer: મોટી-મોટી કંપનીઓ આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પોતાનો દબદબો દેખાડી રહી છે ત્યારે બે યુવાન વ્યક્તિઓ મેટ ડેઇટ્કે અને મીરા મુરાતી સામે કંપનીઓએ નમવું પડ્યું છે. આ બન્ને વ્યક્તિના ઉદ્દેશ અને સિદ્ધાંતોને કારણે કંપનીઓએ તેમની કરોડોની ઓફરમાં વધારો કરવો પડ્યો હતો. આ બન્નેની સ્ટોરી ફક્ત સિલિકોન વેલી માટે નહીં, પરંતુ દુનિયાભરના લોકો માટે એક શીખવાની વાત છે. ટેક્નોલોજીનો વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે ત્યારે કેટલાક વ્યક્તિઓ AIને વધુ સુરક્ષિત બનાવવા માગે છે.
મેટ ડેઇટ્કે : 24 વર્ષના આ છોકરાએ મેટાને પોતાની ઓફર ડબલ કરવાની ફરજ પાડી
મેટ ડેઇટ્કે 24 વર્ષનો છે. તે એક AI રિસર્ચર છે જેણે મેટાની 125 મિલિયન અમેરિકન ડોલરની ઓફરને પહેલાં ઠુકરાવી દીધી હતી. તેની આ ઓફર ઠુકરાવતાં ટેક્નોલોજીની દુનિયામાં તે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો. એડવાન્સ AI ચેટબોટ મોલ્મો બનાવવા માટે મેટ જાણીતો છે. આ ચેટબોટ ઇમેજ પ્રોસેસિંગ, સાઉન્ડ અને ટેક્સ્ટ માટે કામ આવે છે. દુનિયાભરમાં સૌથી પ્રસિદ્ધ AI કોન્ફરન્સ NeurIPS 2022માં ડેઇટ્કેને સન્માનિત પણ કરવામાં આવ્યો હતો.
મેટ દ્વારા સ્ટાર્ટઅપ કંપની વર્સેપ્ટ શરૂ કરવામાં આવી હતી. આ કંપની ઓટોનોમસ AI એજન્ટ બનાવે છે જે ટાસ્ક પૂરા કરવા માટે ઇન્ટરનેટ આધારિત સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. આ કંપનીમાં ફક્ત 10 કર્મચારીઓ છે અને એમ છતાં એને 16.5 મિલિયન અમેરિકન ડોલરનું ફંડિંગ મળ્યું હતું. આ ઇનવેસ્ટરમાં ગૂગલના ભૂતપૂર્વ સીઈઓ એરિક સ્મિડ્ટનો પણ સમાવેશ થાય છે.
મેટા દ્વારા આ વ્યક્તિને કામ માટે ઓફર કરવામાં આવી હતી. આ માટે કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગ સાથે પર્સનલ મીટિંગ રાખવામાં આવી હતી. આ મીટિંગ બાદ તેને કરવામાં આવેલી ઓફર માર્ક ઝકરબર્ગ દ્વારા ડબલ કરવામાં આવી હતી. ચાર વર્ષની અંદર મેટને 250 મિલિયન અમેરિકન ડોલર ચૂકવવામાં આવશે. એમાંથી પહેલાં વર્ષે જ તેને 100 મિલિયન ચૂકવી દેવામાં આવશે. એટલે કે પહેલાં વર્ષમાં તેની એક મહિનાની સેલરી 8.33 મિલિયન ડોલર હશે. આથી મેટ પોતાની શરતો પર અને પોતાની કિંમતે મેટા સાથે જોડાયો હતો અને હવે તે મેટા માટે સુપરઇન્ટેલિજન્સ ટીમમાં જોડાયો છે.
મીરા મુરાતી : 8500 કરોડની ઓફર ઠુકરાવી
મેટ ડેઇટ્કે પોતાની શરત પર મેટા સાથે જોડાયો છે, ત્યારે મીરાએ 8500 કરોડની ઓફરને ઠુકરાવી છે. તે OpenAIની ભૂતપૂર્વ CTO રહી ચૂકી છે અને તેની ઉંમર 36 વર્ષની છે. તેણે ChatGPT અને DALL·E બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. મેટાના નવા AI ડિવિઝન એટલે કે સુપરઇન્ટેલિજન્સ ટીમ માટે 8500 કરોડ રૂપિયાની ઓફર મીરાને કરવામાં આવી હતી. મીરા જ નહીં, પરંતુ થિંકિંગ મશિન્સ લેબમાં કામ કરતી તેની ટીમના દરેક વ્યક્તિ દ્વારા આ ઓફર ઠુકરાવવામાં આવી છે.
મીરા મુરાતીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. કોઈ પણ પ્રોડક્ટ લોન્ચ કર્યા વગર તેને બે બિલિયન અમેરિકન ડોલરનું ફંડ મળ્યું છે. આ ફંડ Nvidia, AMD, Accel અને Cisco જેવી કંપનીઓની સાથે અલ્બેનિયાની સરકાર દ્વારા પણ ઇનવેસ્ટ કરવામાં આવ્યું છે. થિંકિંગ મશિન્સ લેબ નૈતિક જવાબદારીઓ માટેની જનરલ પર્પઝ AI સિસ્ટમ બનાવવા માગે છે. આ સિસ્ટમમાં દુનિયાને મદદરૂપ થઈ શકે એવી એટલે કે બીમારીઓ માટે, ક્લાઇમેટ ચેન્જ માટે અને અસમાનતાને દૂર કરવા માટે AI સિસ્ટમ બનાવવાની યોજના છે. મીરા મુરાતીએ આ ઓફર ઠુકરાવવાનો નિર્ણય પૈસાને ધ્યાનમાં રાખીને નહોતો લીધો. તેણે આ નિર્ણય કામ કરવાની સ્વતંત્રતા, લાંબા ગાળે એની અસર અને નૈતિકતાપૂર્વક AI બનાવવાને કારણે લીધો છે. મીરાની ટીમ પણ તેના આ વિઝનમાં સંપૂર્ણપણે વિશ્વાસ કરે છે. આ વિશે મીરા કહે છે, ‘થિંકિંગ મશિન્સ લેબમાં કામ કરતાં એક પણ વ્યક્તિએ અત્યાર સુધી આ ઓફર નથી સ્વિકારી.’
ભારત માટે આ બે ઉદાહરણ કેમ મહત્ત્વના છે?
દુનિયાભરમાં ભારત સૌથી ઝડપથી ટેક્નોલોજીમાં આગળ વધી રહ્યું છે. AI, રોબોટિક્સ અને ડેટા સેન્ટરમાં ઘણાં સ્ટાર્ટઅપ શરૂ થઈ રહ્યાં છે. મેટ અને મીરાની સ્ટોરીથી ઘણાં લોકો પ્રેરણા લઈ શકે છે. મીરાની સ્ટોરી કહે છે કે કિંમત કરતાં સિદ્ધાંતો મહત્ત્વના હોય છે. 8500 કરોડ ઠુકરાવી મીરાએ સાબિત કર્યું છે કે સ્વતંત્ર રીતે કામ કરવું વધુ મહત્ત્વનું છે. મેટની સ્ટોરી શીખવાડે છે કે ટેલેન્ટ હોય તો ઉંમર મહત્ત્વની નથી. કોઈ પણ વ્યક્તિને ટેલેન્ટ હશે તો તક જરૂર મળશે. આથી ભારતમાં જવાબદારીભરી ટેક્નોલોજી બનાવવા માટે આ બે ઉદાહરણ ખૂબ જ શીખ આપી શકે છે.
બ્રેન્ડ અને પેકેજથી પરે છે ટેલેન્ટ
દુનિયાભરમાં એન્જિનિયરીંગ અને ટેક્નોલોજીના કરીઅરમાં સેલેરી પેકેજના આધારે વ્યક્તિની ઓળખ નક્કી થાય છે. ઘણાં લોકો બ્રેન્ડના નામ અને પેકેજને મહત્ત્વ આપે છે. જોકે મેટ અને મીરાએ આ બન્નેને ચેલેન્જ આપી છે. તેમણે એકદમ હટકે થઈને નિર્ણય લીધા છે. 24 વર્ષની ઉંમરના છોકરા માટે મેટા જેવી કંપનીમાં 125 મિલિયન અમેરિકન ડોલરની સેલરી એક મોટા સપનાની જેમ હોય, પરંતુ તેણે પેકેજ અને બ્રેન્ડને મહત્ત્વ આપવા કરતાં પોતે શું ડિઝર્વ કરે છે એના પર ધ્યાન આપ્યું હતું. પૈસા જ નહીં, પરંતુ વિઝન, સિદ્ધાંત અને હિમ્મત હોવી પણ એટલી જ જરૂરી છે.
ટેક્નોલોજીના સ્ટુડન્ટ હોઉં કે સ્ટાર્ટઅપના ફાઉન્ડર હોવ કે પછી રિસર્ચ ટીમમાં કામ કરતાં હોઉં, એક વાત તો નક્કી છે કે કઈંક હટકે કરવા માટે લોકોથી હટકે રહીને વિચારવું પડશે. તમારે તમારા મિશનમાં વિશ્વાસ કરવાનો રહેશે અને જરૂર પડ્યે “ના” કહેવી જરૂરી છે.