ઇન્સ્ટાગ્રામ પર હવે લાઇવ ફીચર દરેકને નહીં મળે, જુઓ કોણ ઉપયોગ કરી શકશે…
Instagram Live Feature: ઇન્સ્ટાગ્રામ દ્વારા તેમના લાઇવ સ્ટ્રીમિંગ ફીચરમાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામનું લાઇવ ફીચર હવે દરેક વ્યક્તિ માટે નથી રહ્યું. ઇન્સ્ટાગ્રામના જે પણ યુઝર્સ છે તેમની પાસે ઓછામાં ઓછા એક હજાર ફોલોઅર્સ હશે તેઓ જ હવે લાઇવ ફીચરનો ઉપયોગ કરી શકશે. આ યુઝર્સ વીડિયો કોલનો ઉપયોગ કરી શકે છે, પરંતુ લાઇવ ફીચર હવે તેમની પાસે નથી રહ્યું. ઇન્સ્ટાગ્રામ દ્વારા ડાયરેક્ટ મેસેજ અને બ્લોકિંગ સુવિધાઓમાં બદલાવ કર્યા બાદ આ લાઇવ ફીચરમાં પણ બદલાવ કર્યો છે.
નાના ક્રિએટર્સ માટે મુશ્કેલી વધી
ઇન્સ્ટાગ્રામના આ નિયમની અસર નાના-નાના ક્રિએટર્સ પર ખૂબ જ જોવા મળશે. નાના કન્ટેન્ટ ક્રિએટર્સ લાઇવ આવીને તેમના ફોલોઅર્સ સાથે જોડાવવાની કોશિશ કરે છે. જોકે તેમની ઓડિયન્સ લાઇવ દ્વારા વધારવા માટે તેમણે પહેલાં એક હજાર ફોલોઅર્સ કરવા પડશે. ઇન્સ્ટાગ્રામ દ્વારા આ નિયમ કેમ બનાવવામાં આવ્યો છે એ વિશે કોઈ ચોક્કસ કારણ આપવામાં નથી આવ્યું. જોકે આ પગલું પૈસા બચાવવા માટે અને એપ્લિકેશન અને સર્વર પર વધુ લોડ ન આવે એ માટે લેવામાં આવ્યું છે જેથી ડેટાને વધુ સેવ કરવાની જરૂર ન પડે.
ચિંતાજનક કન્ટેન્ટને અટકાવવાની કોશિશ?
ઘણાં યુઝર્સનું માનવું છે કે ઇન્સ્ટાગ્રામ દ્વારા ચિંતાજનક કન્ટેન્ટને અટકાવવા માટેની કોશિશ કરવામાં આવી રહી છે. જો યુઝરને કોઈ ચિંતાજનક કન્ટેન્ટ શેર કરવા માટે અટકાવવામાં આવ્યો તો તેને લાઇવ કરવા માટે ફરી એક હજાર ફોલોઅર્સ ભેગા કરવા પડશે. આથી લાઇવ ફીચરનો ઉપયોગ યુઝર જવાબદારીપૂર્વક કરે એ માટે આ ફીચર બનાવવામાં આવ્યું છે.
અન્ય પ્લેટફોર્મ જેવા બનાવવામાં આવ્યા નિયમ
ઇન્સ્ટાગ્રામ પર પહેલાં લાઇવ જવા માટે કોઈ નિયમ નહોતા. જોકે હવે એને અન્ય પ્લેટફોર્મ જેવા નિયમ બનાવવામાં આવી રહ્યાં છે. યૂટ્યુબ પર લાઇવ સ્ટ્રીમ કરવા માટે ઓછામાં ઓછા 50 સબ્સ્ક્રાઇબર્સ જોઈએ છે. બીજી તરફ ટિકટોક પર આ માટે એક હજાર ફોલોઅર્સ જરૂરી છે. આથી ઇન્સ્ટાગ્રામ પણ હવે એક હજાર ફોલોઅર્સ ફરજિયાત હોવાનું કરી રહી છે.
આ પણ વાંચો: સુપરઇન્ટેલિજન્સને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માગે છે માર્ક ઝકરબર્ગ, જાણો તમામ માહિતી…
ટીનએજ યુઝર્સ માટે વધારવામાં આવી સુરક્ષા
ઇન્સ્ટાગ્રામ દ્વારા બાળકો માટે ડાયરેક્ટ મેસેજ સર્વિસમાં નવા ફીચર લોન્ચ કરવામાં આવ્યા છે. ટીનએજર દ્વારા ચેટ શરૂ કરવામાં આવે ત્યારે તેમને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ સુરક્ષિત રીતે કેવી રીતે કરવો એ માટે ટિપ્સ આપવામાં આવશે. જોકે આ મેસેજ બન્ને એકમેકને ફોલો કરતાં હશે તો જ કરી શકશે. આ ટિપ્સમાં કહેવામાં આવશે કે યુઝરને મેસેજ કરવા પહેલાં તેમની પ્રોફાઇલને ધ્યાનથી જોવામાં આવે. તેમ જ મેસેજ કરવા પહેલાં વિચાર કરવામાં આવે. આ સાથે જ મેસેજ કરનાર વ્યક્તિનું એકાઉન્ટ ક્યારે બનાવવામાં આવ્યું હતું એની તારીખ પણ દેખાડવામાં આવશે. આથી ટીનએજરને શંકાસ્પદ એકાઉન્ટ વિશે જાણ થઈ શકશે.