દેશી મેસેજિંગ એપ્લિકેશન Arattai એપ સ્ટોર પર નંબર 1: વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ સાથે થશે ટક્કર
Indian Messaging App Arattai: ભારતીય મેસેજિંગ એપ Arattai એપલના એપ સ્ટોર પર નંબર 1ની પોઝિશન પર આવી ગઈ છે. કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આ એપ્લિકેશન વિશે પોસ્ટ કરવામાં આવ્યા બાદ એના યુઝર્સમાં ખૂબ જ વધારો જોવા મળ્યો હતો. ત્યાર બાદ આ એપ્લિકેશનને ઘણાં લોકો દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. આ એપ્લિકેશન એપ સ્ટોર અને એન્ડ્રોઇડના પ્લે સ્ટોર બન્ને પર ઉપલબ્ધ છે.
ભારતીય સોફ્ટવેર કંપની Zoho દ્વારા આ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એક મેસેન્જર એપ્લિકેશન છે અને એનું નામ Arattai રાખવામાં આવ્યું છે. આ એપ્લિકેશન પહેલાં ક્રમે પહોંચ્યા બાદ કંપની દ્વારા એ વિશે પોસ્ટ કરવામાં આવી હતી. આ એપ્લિકેશન સોશિયલ મીડિયા કેટેગરીમાં ભારતમાં પહેલાં ક્રમે આવી ગઈ છે. આ માટે તેમણે યુઝર્સનો ખૂબ જ આભાર માન્યો હતો.
Arattai મેસેન્જર કેમ અલગ છે?
Arattai મેસેન્જર એપ્લિકેશનને ખૂબ જ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. મોટાભાગની એપ્લિકેશન હાઇ-એન્ડ પર્ફોર્મન્સ ધરાવતા મોબાઇલમાં સારી રીતે કામ કરે છે. જોકે Arattai એપ જૂના અને સામાન્ય કોનફિગરેશન ધરાવતા મોબાઇલમાં પણ ખૂબ જ સારી રીતે કામ કરે છે. તેમ જ ઓછા નેટવર્ક હશે ત્યાં પણ આ એપ્લિકેશન ખૂબ જ સારી રીતે કામ કરશે. આ એક સ્વદેશી એપ્લિકેશન છે અને એમાં ઘણાં ફીચર્સ વોટ્સએપ જેવા છે. કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા આ એપ વિશે પોસ્ટ કરીને એને પ્રમોટ કરવામાં આવી હતી. દરરોજ 3000 સાઇન-અપની જગ્યાએ છેલ્લા ત્રણ દિવસમાં 350000 નવા એકાઉન્ટ બન્યા છે.
વોટ્સએપ જેવી અન્ય એપ્સ સાથે થશે ટક્કર
ઇન્સ્ટન્ટ મેસેજિંગ ઇન્ડસ્ટ્રીમાં ઘણાં એપ્લિકેશન છે અને એ ખૂબ જ મોટું માર્કેટ છે. આ માર્કેટમાં સૌથી મોટો પ્લેયર વોટ્સએપ છે. આથી Arattai એપ્લિકેશનની લોકપ્રિયતામાં આ જ રીતે વધારો થતો રહ્યો તો એ બહુ જલદી વોટ્સએપ સાથે હરિફાઈમાં ઉતરી શકે છે. જોકે વોટ્સએપની સાથે આ માર્કેટમાં ટેલિગ્રામ અને સિગ્નલ જેવા પણ અન્ય મોટા પ્લેયર છે. આથી Arattaiની ટક્કર ફક્ત વોટ્સએપ સાથે નહીં, પરંતુ અન્ય એપ્સ સાથે પણ જોવા મળશે.
OTPના ઇશ્યુનું જલદી સમાધાન આવશે
Arattai એપ્લિકેશનની લોકપ્રિયતામાં વધારો થતાં ઘણાં યુઝર્સ એને ઇન્સ્ટોલ કરી રહ્યાં છે. જોકે આ ઇન્સ્ટોલેશનમાં અચાનક વધારો થતાં એમાં રજિસ્ટ્રેશનનો ઇશ્યુ આવી રહ્યો છે. ઘણા યુઝર્સ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે તેમને OTP મોડેથી મળી રહ્યાં છે. તો કેટલાક યુઝર્સને એ મળી જ નથી રહ્યાં. આથી Arattai દ્વારા સોશિયલ મીડિયા પર કહેવામાં આવ્યું હતું કે તેઓ બહુ જલદી આ ઇશ્યુનું સમાધાન લાવી દેશે.
Arattaiની શરૂઆત ક્યારે થઈ હતી?
Arattai મેસેન્જરને Zoho કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ મેસેજિંગ એપ્લિકેશનને 2021ની જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવી હતી. Arattai એક તમિલ શબ્દ છે, જેનો અર્થ હિન્દીમાં ચિટચેટ અથવા તો વાતચીત થાય છે. શરૂઆતમાં આ એપ્લિકેશન Zoho કોર્પોરેશનના કર્મચારીઓ માટે જ બનાવવામાં આવી હતી. જોકે તેમના સ્ટાફમાં આ એપ્લિકેશન ખૂબ જ હિટ રહી હોવાથી તેમણે દરેક માટે એને લોન્ચ કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ એને એપ સ્ટોર અને પ્લે સ્ટોર બન્ને પર લોન્ચ કરવામાં આવી હતી. આ એપ્લિકેશનની શરૂઆત ભલે ધીમી થઈ હોય, પરંતુ તેની પોપ્યુલારિટીમાં હવે વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો: Happy Birthday Google! 27મો જન્મદિવસ મનાવી રહ્યું છે ગૂગલ, આજે દુનિયામાં દબદબો
Arattaiના ફીચર્સ
Arattaiમાં ઘણાં ફીચર્સ વોટ્સએપ જેવા છે. એને સૌથી પહેલાં એપ સ્ટોર અથવા તો પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે. ત્યાર બાદ એની રજિસ્ટ્રેશન પ્રોસેસ પણ વોટ્સએપ જેવી જ છે. એક વાર રજિસ્ટર કર્યા બાદ સ્ક્રીન પર નીચેની બાજુ પાંચ આઇકન જોવા મળશે. પહેલું આઇકન સ્ટોરીઝનું છે. ત્યાર બાદ મીટિંગ્સ, ચેટ, કોલ અને સેટિંગ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપ્લિકેશનમાં મીટિંગ્સની ટેબ પણ આપવામાં આવી છે. પહેલાં આ એપ્લિકેશન ફક્ત કંપનીના કર્મચારીઓ માટે હતી જેથી આગામી મીટિંગ્સ કેટલા વાગ્યે છે એની માહિતી પણ તેમને મળતી હતી. જોકે હવે આ એપના ફીચર્સ દરેક વ્યક્તિ કરી શકતા હોવાથી અન્ય કંપની પણ આ મીટિંગ્સ ફીચરનો ઉપયોગ કરી શકે છે.