Get The App

હવે દેશભરમાં ટુ-વ્હિલરમાં એન્ટી લૉક બ્રેકિંગ સિસ્ટમ ફરજિયાત કરાશે, કેન્દ્ર લાવશે નવો નિયમ

Updated: Jun 20th, 2025

GS TEAM

Google News
Google News
હવે દેશભરમાં ટુ-વ્હિલરમાં એન્ટી લૉક બ્રેકિંગ સિસ્ટમ ફરજિયાત કરાશે, કેન્દ્ર લાવશે નવો નિયમ 1 - image


ABS Rule In Two Wheeler: કારમાં જે રીતે એરબેગ ફરજિયાત થઈ ગઈ છે એ જ રીતે હવે બાઇકમાં એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ(ABS)ને ફરજિયાત કરવામાં આવી રહી છે. રોડ પર ચાલતી બાઇક ચાલકની સેફ્ટી હંમેશાંથી ચિંતાનો વિષય રહ્યો છે. બાઇક ચાલકને તેમની સેફ્ટી માટે હેલ્મેટ પહેરવા માટેનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જો કે આ સિવાય તેમની સેફ્ટી માટે અન્ય કોઈ નિયમ નથી. આથી સરકાર દ્વારા હવે કંપનીઓ માટે એક નિયમ બનાવવામાં આવી રહ્યો છે. આ નિયમ હેઠળ હવેથી દરેક બાઇકમાં ABS હોવું ફરજિયાત છે. મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ દ્વારા બહુ જલ્દી એક નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. આ નિયમ અનુસાર 2026ની જાન્યુઆરીથી દરેક બાઇક અને સ્કૂટરમાં એટલે કે દરેક બે પૈડાવાળા વાહનમાં ABS હોવું ફરજિયાત છે. બાઇકનું એન્જિન ગમે એટલી CCનું હોય એમાં ABS હોવું જરૂરી રહેશે.

શું છે ABS?

ABS એટલે કે એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ. આ એક સેફ્ટી ફીચર છે. આ ફીચર અત્યાર સુધી કારમાં હતું અને હવે હાઇ-એન્ડ બાઇકમાં આવી રહ્યું છે. પ્રીમિયમ બાઇકની સાથે હવે આ ફીચર દરેક બાઇકમાં આપવામાં આવશે. ABSનું કામ પૈંડાને લોક થતું અટકાવવાનું છે. વાહનચાલક ઇમરજન્સીમાં જ્યારે બ્રેક જોરથી મારે છે ત્યારે પૈંડું લોક થઈ શકે છે. આથી આ પૈંડું લોક ન થાય એ માટે આ ફીચર આપવામાં આવે છે. પૈંડું લોક થઈ જાય તો બાઇક અથવા કાર સ્લાઇડ થવાનું ભય રહે છે. આથી એ સ્લાઇડ ન થાય અને વાહન તેનું સંતુલન જાળવી રાખે એ માટે આ ફીચર આપવામાં આવે છે.

કેવી રીતે કામ કરે છે ABS?

ABSમાં કેટલાક સેન્સર હોય છે અને ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ આ સેન્સરની મદદથી પૈંડાની સ્પીડ પર નજર રાખે છે. વાહનચાલક જ્યારે પણ જોરથી બ્રેક લગાવશે ત્યારે સેન્સર ટાયરની સ્પીડ પર વધુ સારી નજર રાખવાનું શરુ કરી દે છે. આ સમયે બ્રેક જોરથી લાગી ગઈ હોય અને પૈંડું લોક થઈ જવાની તૈયારીમાં હોય તો ABSના સેન્સર બ્રેકના પ્રેશરને ઓછું કરી દે છે. વાહનનું બેલેન્સ જળવાઈ રહે ત્યારે આ સેન્સર ફરી બ્રેકનું પ્રેશર વધારી દે છે. આ પ્રોસેસ એક સેકન્ડમાં ઘણી વાર થતી હોય છે જેથી કોઈ પણ વાહન સ્લાઇડ ન થાય. આ પ્રોસેસને કારણે વાહનચાલક હંમેશાં કન્ટ્રોલમાં રહે છે, પછી ભલે એ ગમે તેટલી જોરથી બ્રેક કેમ ન મારે.

ABS કેટલા પ્રકારની હોય છે?

ABSના બે પ્રકાર હોય છે: સિંગલ ચેનલ ABS અને ડ્યુઅલ ચેનલ ABS. સિંગલ ચેનલ ABS ફક્ત આગળના પૈંડા પર કામ કરે છે. ડ્યુઅલ ચેનલ ABS બન્ને પૈંડા પર કામ કરે છે. ડ્યુઅલ ચેનલ ABS વધુ સુરક્ષિત હોય છે કારણ કે એમાં બન્ને પૈંડાની સ્પીડ અને બ્રેકનું પ્રેશર કેટલું છે એ અલગ-અલગ ચેક કરવામાં આવે છે. આથી વધુ સારી રીતે કન્ટ્રોલ કરી શકાય છે.

ABSને લઈને હાલમાં શું નિયમ છે?

હાલમાં ABS માટેનો નિયમ એવો છે કે 125 CCથી વધુ એન્જિન ક્ષમતા ધરાવતી બાઇકમાં ABS ફરજિયાત છે. આથી તેની નીચેની જેટલી બાઇક છે એમાં ABS નથી આવતું. ભારતમાં લગભગ 45 ટકા બાઇકમાં આ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ભારતમાં 125 CCથી ઓછી એન્જિન ક્ષમતાવાળી બાઇકનો એક મોટો વર્ગ છે. આ વર્ગમાં બાઇક અને સ્કૂટર બંનેનો સમાવેશ થાય છે.

નવા નિયમ અનુસાર હવે દરેક બાઇકમાં ABS હોવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. મોટાભાગની દરેક બાઇક અને સ્કૂટર હવે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. આથી દરેકમાં હવે આ ફીચરનો સમાવેશ કરવાથી ચાલકને વધુ સેફ્ટી મળશે. આવનાર દિવસોમાં સરકાર દ્વારા ABS અને હેલ્મેટને લઈને નવી જાહેરાત કરવામાં આવશે.

હવે દેશભરમાં ટુ-વ્હિલરમાં એન્ટી લૉક બ્રેકિંગ સિસ્ટમ ફરજિયાત કરાશે, કેન્દ્ર લાવશે નવો નિયમ 2 - image

બાઇક સાથે મળશે બે હેલ્મેટ

ABSની સાથે સરકાર વધુ એક નિયમ લાવવા જઈ રહી છે. વાહનચાલક હવે જ્યારે નવું બાઇક ખરીદશે ત્યારે તેમને એની સાથે બે હેલ્મેટ ફ્રી આપવામાં આવશે. મિનિસ્ટર ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ ઓફ ઇન્ડિયા નિતિન ગડકરીએ માર્ચમાં એક ઇવેન્ટમાં કહ્યું હતું કે નવી બાઇક સાથે કંપનીઓએ હવે બે સર્ટિફાઇડ હેલ્મેટ આપવા જોઈએ.

આ પણ વાંચો: સ્માર્ટફોનને કેવી રીતે સિક્યોર રાખશો? આટલું કરો…

દેશમાં રોડ એક્સિડન્ટમાં જેટલા મૃત્યુ થાય છે એમાં 44 ટકા બાઇક ચાલક હોય છે. એમાંથી મોટાભાગની ઘટના હેલ્મેટ ન પહેરવાના કારણે બને છે. તેમને માથામાં લાગવાથી મૃત્યુ થાય છે. આથી તેમની સેફ્ટીને ધ્યાનમાં રાખીને હવે બાઇક સાથે બે હેલ્મેટ આપવાનું ફરજિયાત કરી દેવામાં આવશે.

Tags :