લાખો બૅંક ટ્રાન્સફર ડેટા લીક: 38થી વધુ બૅંકોના ટ્રાન્ઝેક્શનના ડેટા ઇન્ટરનેટ પર ઉપલબ્ધ
Bank Data Breach: હાલમાં જ એક મેજર ડેટા બ્રીચ જોવા મળ્યું છે જેમાં લાખો ભારતીય બૅંક ટ્રાન્સફરના રૅકોર્ડ્સ લીક થયા છે. ટેકક્રન્ચના એક રિપોર્ટ અનુસાર આ લીકને સાયબર સિક્યોરિટી ફર્મ અપગાર્ડ દ્વારા શોધવામાં આવી હતી. ઑગસ્ટના અંતમાં આ ડેટા લીક જોવા મળ્યો હતો. એમેઝોનના અનસિક્યોર સ્ટોરેજ સર્વર પરથી 2,73,000 PDF ડૉક્યુમેન્ટ્સ લીક થયા છે. આ ડેટામાં એકાઉન્ટ નંબરની સાથે ટ્રાન્જેક્શનના આંકડા અને કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન પણ લીક થઈ છે.
38થી વધુ બૅંકના ડેટા થયા લીક
આ ડેટા લીકમાં ટ્રાન્ઝેક્શન ફોર્મનો પણ સમાવેશ થાય છે. આ ફોર્મ નેશનલ ઓટોમેટેડ ક્લીયરિંગ હાઉસ માટેના હતા. ભારતીય બૅંક દ્વારા હાઇ-વોલ્યુમ રિકરિંગ ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગમાં લેવામાં આવતી એક સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે. આ ડેટા લીકમાં અંદાજે 38 બૅંકના ડેટા જોવા મળ્યા છે. તેમ જ ભારતના ઘણાં ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટનો પણ એમાં સમાવેશ થાય છે. જોકે આ સેન્સિટિવ ડેટા ઇન્ટરનેટ પર શું કામ રાખવામાં આવ્યા એ હજી સુધી જાણવા નથી મળ્યું.
SBI અને Aye Finance પર સૌથી વધુ અસર
આ ડેટા લીકમાં અપગાર્ડના રિસર્ચર દ્વારા અંદાજે 55,000 ડૉક્યુમેન્ટ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એમાં અડધાથી વધુ Aye Financeના છે. આ કંપની દ્વારા ગયા વર્ષે જ 171 મિલિયન અમેરિકન ડૉલરનો IPO ફાઇલ કરવામાં આવ્યો હતો. આ 55,000 ડૉક્યુમેન્ટમાં બીજા ક્રમે સૌથી વધુ ડૉક્યુમેન્ટ SBIના છે. SBI એક પબ્લિક સેક્ટર બૅંક છે અને એના પણ ઘણાં ડૉક્યુમેન્ટ્સ લીક થયા છે.
NPCIને કરવામાં આવી જાણ
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) દ્વારા નેશનલ ઓટોમેટેડ ક્લીયરિંગ હાઉસને મેનેજ કરવામાં આવે છે. આથી અપગાર્ડ દ્વારા NPCI અને Aye Finance બન્નેને જાણ કરવામાં આવી છે. સપ્ટેમ્બરમાં પણ આ ડેટા ઓનલાઇન ઉપલબ્ધ હતા. આ સર્વર પર રોજના હજારો ડૉક્યુમેન્ટનો ઉમેરો થઈ રહ્યો છે. આ ડૉક્યુમેન્ટ ક્યાંથી લીક થઈ રહ્યા છે કોઈને જાણ નથી. ત્યાર બાદ અપગાર્ડ દ્વારા ભારતની કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને પણ જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ ડેટાને સિક્યોર કરવામાં આવ્યા હતા.
આ માટે કોઈએ જવાબદારી નથી સ્વીકારી
ડેટા લીક થયા હતા અને હવે એને સિક્યોર પણ કરી લેવામાં આવ્યાં છે. જોકે આ સિક્યોરિટીમાં ભૂલ હોવા વિશે કોઈએ પણ એ વિશે જવાબદારી નથી લીધી. NPCIના પ્રવક્તા અંકુર દહિયાએ કહ્યું, ‘આ માટે ડિટેઇલ વેરિફિકેશન અને રિવ્યુ કરવામાં આવ્યું હતું. એમાં જાણવા મળ્યું છે કે NPCIની સિસ્ટમમાંથી નેશનલ ઓટોમેટેડ ક્લીયરિંગ હાઉસના રૅકોર્ડ્સ સાથે કોઈ પણ છેડછાડ કરવામાં નથી આવી.’ આ વિશે અન્ય કંપનીઓ અને બૅંક દ્વારા કોઈ સ્ટેટમેન્ટ આપવામાં નથી આવ્યું.